________________
૧૬૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
દ્રવ્યથી બાહ્ય મેલ અને મળનો નાશ કરવા અને દેહથી પવિત્ર થઈ શ્રી જિનેશ્વર ભગવંતના પવિત્ર દેહનો સ્પર્શ કરવા માટે સ્નાન કરવાનું છે અને ભાવથી ક્રોધાદિ કષાયોથી વિશુદ્ધ થવા સ્નાન કરવાનું છે. ગૃહસ્થને દેવપૂજા કરવા માટે જ દ્રવ્યસ્નાન કરવાનું કહ્યું છે. આ દ્રવ્યસ્નાન ભાવશુદ્ધિનું હેતુરૂપ હોવાથી તેને સંમત કરેલું છે. જિનપૂજા સિવાય બીજા કોઈ હેતુ માટે સ્નાન કરવાની અનુમતિ આપી નથી.
તીર્થસ્નાનથી પણ જીવની અંશમાત્ર શુદ્ધિ થતી નથી તે અંગે કાશીખંડના છઠ્ઠા અધ્યાયમાં પણ કહ્યું છે કે -
હજારો ભાર માટીથી અને સેંકડો જળના ઘડાથી સેંકડો તીર્થમાં સ્નાન કરે તો પણ દુરાચારી પુરુષો શુદ્ધ થતા નથી.”
જળના જીવો જળમાં જ ઉત્પન્ન થાય છે અને જળમાં જ મૃત્યુ પામે છે પરંતુ તેમના મનનો મેલ ગયેલો ન હોવાથી તેઓ સ્વર્ગે જતા નથી.
ગંગા કહે છે કે પરસ્ત્રી, પદ્રવ્ય અને પરદ્રોહથી વિમુખ રહેનાર મનુષ્યો આવીને મને ક્યારે પવિત્ર કરશે ? - હવે સ્નાન અંગે કોઈ શંકા કરે કે - “દ્રવ્ય સ્નાન તો અપ્લાય જીવોની હિંસાનું કારણ છે. તો ગૃહસ્થ પૂજા માટે પણ તેવું સ્નાન શા માટે કરવું જોઈએ?” તેનો ઉત્તર આ પ્રમાણે છે. મળમૂત્રના બિંદુ જેનાં શરીર પર લાગેલા હોય છે તેવો કોઈપણ માણસ સમવસરણમાં રહેલા પ્રભુના પવિત્ર દેહનો સ્પર્શ કરતા નથી. કારણ તેથી આશાતના થાય છે. તે પ્રમાણે અહીં પણ સ્ત્રીની શય્યા, સ્ત્રીસંગ, લઘુનીતિ, વડીનીતિ તેમજ દુર્ગધી વાતોથી મલિન થયેલું શરીર જિનપૂજામાં ભાવશુદ્ધિ કરનારું થતું નથી. કારણ કે હું અપવિત્ર છું. અપવિત્ર છું એવું પૂજકને વારંવાર સ્મરણ થયા કરે છે અને શુદ્ધિ કરવાથી હું શુદ્ધ છું, પ્રભુની પૂજાને યોગ્ય છું એમ વિચાર કરતાં પૂજકને ભાવશુદ્ધિ થાય છે અને ભાવની વૃદ્ધિ થાય છે. જે માણસ ભાવપૂર્વક યાતનાથી દ્રવ્યસ્નાન કરે છે તેને મહાફળ પ્રાપ્ત થાય છે. ભાવસ્નાન વિષે કહ્યું છે કે - “નિર્મળ બુદ્ધિના કારણભૂત ધ્યાનરૂપ જળથી કર્મરૂપ મળને દૂર કરવો તે ભાવસ્નાન કહેવાય છે.”
સ્નાન કર્યા પછી બાજોઠનીચે મૂકેલી કુંડીમાં આવેલા જળને તડકાવાળી જગ્યાએ પૂંજણીથી તે જગ્યાએ પૂંજીને કોઈ દક્ષ માણસ પાસે પરઠાવવું.
સ્નાન કર્યા છતાં પણ જો શરીર પર ગડગુમડ થવાથી લોહી કે પરૂ નીકળતું હોય તો તેણે પ્રભુની અંગપૂજા કરવી નહિ. તેમ કરવાથી આશાતના થાય છે. ઋતુવંતી સ્ત્રીએ ચાર દિવસ સુધી દેવદર્શન કરવા નહિ અને સાત દિવસ સુધી પૂજા કરવી નહિ. આ અંગે કહ્યું છે કે –