________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૭૧
ઘણી પત્નીઓ હતી. કુંતલા જિનધર્મની અનુરાગી હતી. તેના ઉપદેશથી બીજી પણ તેની શોક્યો જિનધર્મમાં શ્રદ્ધાવાળી થઈ.
આ બધી શોક્યોએ એક વખત જિનેશ્વર ભગવંતના નવીન ચૈત્યો કરાવ્યાં એ જોઈ કુંતલાને ઓછું આવ્યું. તે વિચારવા લાગી : “હું પટરાણી. મેં તેમને જૈનધર્મ બતાવ્યો અને તેઓ મારા પહેલા દહેરાસર બંધાવે ? આમ દ્વેષભાવથી અને અભિમાનથી તેણે એ બધા કરતાંય વિશેષ ભવ્ય એવું જિનચૈત્ય બંધાવ્યું.' અને તે બધાને પાછળ પાડી દેવાના ઈરાદાથી એ જિનચૈત્યમાં વિશેષ ભાવથી તે જિનપૂજા કરવા લાગી. તેની આવી ઉત્કટ ભાવનાથી બીજી સપત્નીઓ અનુમોદના કરતી.
પૂર્વના અશુભ કર્મના ઉદયથી કુંતલાને ઉગ્ર વ્યાધિ થયો અને એ વ્યાધિમાં તે મૃત્યુ પામી. મત્સ૨થી જિનભક્તિ કરી હોવાથી મરીને તે કૂતરી થઈ. પૂર્વના અભ્યાસથી આ કૂતરી તેના જ બંધાવેલ જિનચૈત્યમાં સતત બેસી રહેતી.
એક સમયે ત્યાં કોઈ કેવળી ભગવંત પધાર્યા. સપત્નીઓએ તેમને કુંતલાની ગતિ વિષે પૂછ્યું. કેવળીએ જે યથાર્થ હતું તે કહ્યું. એ જાણી રાણીઓને સંવેગ ઉત્પન્ન થયો અને તે બધી કૂતરીને વધુ પ્રેમ કરવા લાગી. પ્રેમ કરતાં બધી કહેતી : “હે પુણ્યવંતી બેન ! તું તો ધર્મિષ્ઠ હતી. તો પછી તેં આવો ધર્મદ્વેષ શા માટે કર્યો ? એવો મત્સરભાવ ન રાખ્યો હોત તો આજે તને આ ગતિ ન મળત."
આવું રોજ રોજ સાંભળતાં કૂતરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જાણી પ્રભુની પ્રતિમા સમક્ષ તેણે પોતાના પાપની આલોચના કરી અને અનશન કર્યું. ત્યાંથી તે મૃત્યુ પામીને વૈમાનિક દેવી થઈ.
આથી “હે સંપ્રતિ ! ઉત્તમ કાર્ય કરતાં તે માટે મત્સરભાવ રાખવો નહિ.”
માતા પાસેથી આવી શિખામણ સાંભળી સંપ્રતિ રાજાએ નવા ચૈત્યો કરાવવાં માંડ્યાં. એક દિવસ તેણે ગુરુ મહારાજ પાસેથી સાંભળ્યું કે હવે પોતાનું આયુષ્ય સો વરસનું છે. આથી તેણે રોજ એક પ્રાસાદ ઉપર કળશ ચડેલો સાંભળ્યાં બાદ ભોજન લેવાનો નિયમ કર્યો. આ નિયમથી સંપ્રતિ રાજાએ સો વરસમાં છત્રીસ હજાર નવા જિનચૈત્યો કરાવ્યાં.
એક સમયે સંપ્રતિ રાજાએ ગુરુની આ પ્રમાણે દેશના સાંભળી : “જિનભવનના કરાવનારે પોતાના આત્માનો, પોતાના વંશનો અને તેની અનુમોદના કરનારા બીજા ભવ્ય પ્રાણીઓનો ઉદ્ધાર કર્યો એમ સમજવું.” આ દેશનાથી પ્રેરાઈને સંપ્રતિ રાજાએ બીજા ૯૬ હજાર જિર્ણોદ્ધાર કરાવ્યાં. આમ એકંદરે બધા મળીને સવા લાખ જિનચૈત્ય કરાવ્યાં.
બીજા પ્રસંગે સંપ્રતિ રાજાએ ગુરુદેશના સાંભળી કે “સર્વ લક્ષણવાળી અને સર્વ અલંકારોથી યુક્ત એવી પ્રાસાદમાં રહેલી પ્રતિમાને જોઈ જેમ જેમ મન હર્ષ પામે તેમ તેમ કર્મની નિર્જરા થાય છે.” આવા જિનબિંબો મણિ, રત્ન, સુવર્ણ, રૂપુ, કાષ્ઠ, પાષાણ અને માટીના અથવા ચિત્રોમાં