________________
૧૮૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
man ૧૯૦
જિનપૂજા વિધિ कल्याणकानि पंचापि, स्मर्तव्यान्यर्चणक्षणे ।
पंचैवाभिगमा धार्या, विघ्यनुल्लंघ्य पूजनम् ॥ ભાવાર્થ :- પૂજા સમયે પાંચ કલ્યાણકનું સ્મરણ કરવું. પાંચ અભિગમ ધારવા અને પૂજાની વિધિનું ઉલ્લંઘન કરવું નહિ.
વિશેષાર્થ - જિનેશ્વર ભગવંતની પૂજા કરતી વખતે જે ભગવંતની પૂજા કરતા હો તે ભગવંતના પાંચ કલ્યાણકને નજર સમક્ષ રાખવા જોઈએ. ચ્યવને કલ્યાણકને યાદ કરી મનમાં ભાવના ભાવવી જોઈએ કે હે પ્રભુ ! તમે અમુક વિમાનમાંથી ચ્યવીને અમુક માતાની કૂખે અવતર્યા. અમારા જેવા અભાગી જીવનો ઉદ્ધાર કરવા તમે માનવરૂપ ધારણ કર્યું. તમે તો પ્રભુ! અમારા ભવતારક છો.” આમ ભાવના ભાવીને જિનપ્રતિમા ઉપરથી યતનાપૂર્વક આગલા દિવસના ફૂલ તેમજ અલંકાર વગેરે ઉતારવા, ફૂલ વિશુદ્ધ ભૂમિ ઉપર પરઠવવા. જેથી અન્ય જીવો ત્યાં ઉત્પન્ન ન થાય.
એ પછી મોરપીંછથી પ્રભુના અંગનું પ્રમાર્જન કરવું. પછી સુગંધી પવિત્ર જળથી ભરેલા કળશથી પ્રભુને સ્નાન કરાવવું. તે સમયે મેરુપર્વત પર ઈન્દ્રાદિક દેવોએ ઉજવેલ જન્મકલ્યાણક મહોત્સવને યાદ કરવો. પ્રભુના બાળસ્વરૂપને નજર સમક્ષ રાખવું. સ્નાન કરાવ્યા બાદ પવિત્ર નિર્મળ વસ્ત્રથી પ્રભુનું અંગ લૂછવું. હવણનું જળ ભેગું કરીને જીવહિંસા ન થાય તેમજ એ જળની આશાતના ન થાય તેવા સ્થળે તે જળ નાંખવું.
સ્નાનથી વધુ પવિત્ર અને વધુ સ્વરૂપવાન પ્રભુના દેહને જોઈને વિચારવું કે “કેવી વૈરાગ્ય ભાવના! સંસાર પરથી મોહ ઉતારી નાંખ્યો અને રાજપાટ છોડી, કુટુંબ છોડી, અરે ! દેહ પરનું પણ મમત્વ છોડ્યું. શોભારૂપ કેશનો હાથેથી લોચ કર્યો અને ઉઘાડા પગે, એકાકીપણે સંયમની સાધના માટે દૂર દૂર ચાલી નીકળ્યાં.” આમ પ્રભુની દીક્ષા પ્રસંગનો વિચાર કરતાં કરતાં, અંગપૂજા કરીને છત્ર ચામર, ભામંડળ, આસન વગેરે સર્વ સમૃદ્ધિને જોઈને પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પ્રસંગને મનમાં તરતો રાખવો. પ્રભુની આસપાસ આઠ પ્રતિહારી છે, દેવતાઓ છે, સુવર્ણ અને રૂપાનું સમવસરણ છે, અનેક શિષ્ય પરિવાર છે, રાજાઓ, શ્રીમંતો વગેરેનો ભક્ત સમુદાય છે. છતાંય સૌ વચ્ચે પ્રભુ તો નિરાસક્ત છે, નિર્મમ છે, નિર્મોહી છે. એમ ભાવના મનમાં ચિંતવવી.
ત્યાર પછી ચૈત્યવંદન કરતા સમયે પર્યકાસનવાળી અથવા કાયોત્સર્ગાદિ અવસ્થાવાળી પ્રતિમા જોઈને વિચારવું કે “પ્રભુ! આ જ આસને આરાધના કરતા ચિદાનંદમય સિદ્ધિપદને પામ્યાં.” આમ મોક્ષ કલ્યાણક સહિત પાંચેય કલ્યાણકની ભાવના જિનપૂજાના સમયે ભાવવી જોઈએ.