________________
૧૮૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ પ્રભુની આગળ પાંચ અભિગમ ધારવા કહ્યું છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧. પ્રભુના મંદિરમાં જતા અગાઉ મુગટ, તલવાર, ઉપાન, વાહન આદિ સચિત્ત અને અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો. ૨. મુગટ સિવાય બાકીના આભૂષણ જેવાં કે ગળાનો હાર, કાનના કુંડળ, વીંટી વગેરેનો ત્યાગ ન કરવો. ૩. એકવડા અને પહોળા વસ્ત્રનો ઉત્તરાસંગ કરવો. ૪. પ્રભુના દર્શન થતાં જ મસ્તકે અંજલી જોડી “જિનાય નમ:' એમ બોલીને નમસ્કાર કરવો અને ૫. મનમાં માત્ર જિનેશ્વર ભગવંતનું જ ચિંતવન કરવું.
પૂજાની વિધિનું ઉલ્લંઘન કરવું નહિ એમ જે શ્લોકમાં કહેવામાં આવ્યું છે તે પૂજાનો વિધિ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે બતાવ્યો છે :
સ્નાન કરી ઘર દેરાસરની નજીક જઈ પ્રથમ ભૂમિનું પ્રમાર્જન કરવું. પછી યોગ્ય વસ્ત્ર પહેરી મોં બાંધવું. ૧. પુરુષે પૂજાવિધિમાં સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહિ અને સ્ત્રીએ પુરુષનું વસ્ત્ર પહેરવું નહિ. કારણ આમ એકબીજાના વસ્ત્ર પહેરવાથી મનમાં કામવિકાર જાગવાની શક્યતાઓ રહેલી છે. ૨. શલ્ય વગરના શુદ્ધ સ્થાનમાં દેવાલય કરાવવું અને તે ઘરમાં જતાં ડાબી તરફ જમીનથી દોઢ હાથ ઊંચું કરવું. ૩. ચાર વિદિશા અને દક્ષિણ દિશા છોડીને કરવું અને પૂજકે પૂજા કરવા માટે પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે બેસવું. ૪. દિશાઓનાં ફળ આ પ્રમાણે કહ્યા છે. પૂર્વદિશા સામે બેસવાથી લક્ષ્મી મળે છે, અગ્નિ દિશા સામે બેસવાથી સંતાપ થાય છે. દક્ષિણ દિશા સામે બેસવાથી મૃત્યુ થાય છે. નૈઋત્ય દિશામાં ઉપદ્રવ થાય છે. પશ્ચિમ દિશામાં પુત્ર દુઃખ થાય છે. વાયવ્ય દિશામાં સામે બેસવાથી સંતતિ થતી નથી. ઉત્તરમાં બેસવાથી મહાલાભ થાય છે અને ઈશાન દિશા સામે બેસવાથી ધર્મભાવના વધે છે. પ-૬. વિવેકી પુરુષે પ્રથમ પ્રભુના ચરણ, જાનું, હાથ, ખભા અને મસ્તક ઉપર અનુક્રમે પૂજા કરવી. ૭. ચંદન સહિત કેશર વિના પૂજા કરવી નહિ અને પ્રભુના શરીર પર લલાટે, કંઠે, હૃદયે અને ઉદરે એમ ચાર સ્થાને તિલક કરવા. ૮. સવારનાં વાસક્ષેપથી, બપોરના પુષ્પોથી અને સંધ્યાકાળે ધૂપદીપથી પૂજા કરવી. ૯. આ પ્રમાણે ત્રણેય સમયે પૂજા કરવી શક્ય ન હોય તો ત્રિકાળ દેવવંદના કરવી કહી. આ વિશે આગમમાં કહ્યું છે કે “હે દેવાનુપ્રિય! આજથી જાવજીવ ત્રિકાળ એકચિત્તે ચૈત્યવંદના કરવી. અશુચિ, અશાશ્વત અને ક્ષણભંગુર એવા આ મનુષ્યાવતારમાં એ જ સાર છે. આથી દિવસના પ્રથમ પહોરે જ્યાં સુધી ચૈત્ય અને સાધુને વંદના ન કરાય ત્યાં સુધી પાણી ન પીવું, મધ્યાહને જયાં સુધી ચૈત્યવંદના ન થાય ત્યાં સુધી ભોજન ન કરવું.”
પ્રભુની દક્ષિણ બાજુએ દીપક મૂકવો, તેમજ ધ્યાન અને ચૈત્યવંદન પણ દક્ષિણ બાજુએ જ કરવાં. ડાબી બાજુએ ધૂપ મૂકવો.
જિનપૂજા માટે કહ્યું છે કે “પ્રાતઃકાળે કરેલી જિનપૂજા રાત્રિના પાપને હણે છે, મધ્યાહ્નકાળે કરેલી જિનપૂજા જન્મથી માંડીને કરેલા પાપને હણે છે અને રાત્રે કરેલી જિનપૂજા સાત જન્મના પાપને હણે છે.” એમ પણ કહેવામાં આવ્યું છે કે “જે પ્રાણી ત્રિકાળ જિનપૂજા કરે છે તે સમ્યકત્વને શુદ્ધ કરે છે અને શ્રેણિકરાજાની જેમ તીર્થંકર નામકર્મનો બંધ કરે છે.