________________
૧૭૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
મૂર્તિથી કાર્ય સિદ્ધ થાય છે. આ ઉપરાંત જિનપ્રતિમા જોવાથી પણ ગુણકારી થાય છે. તે વિષે એક કથા છે તે આ પ્રમાણે :
દેવદત્તની કથા જિનદાસ શ્રાવક પૃથ્વીપુરમાં રહેતો હતો તેને એક પુત્ર હતો. દેવદત્ત તેનું નામ. દેવદત્તને જૈનધર્મનો રંગ લાગવાને બદલે વ્યસનોનો રંગ લાગ્યો હતો. તે સાતેય વ્યસનોમાં પૂરો હતો. જિનદાસ તેને રોજ ધર્મશિક્ષા આપતો પણ દેવદત્ત તે સાંભળ્યું ન સાંભળ્યું કરતો અને વ્યસનોમાં વધુ ને વધુ ડૂબે જતો હતો.
દેવદત્તને સંસ્કારી બનાવવા જિનદાસે ગૃહપ્રવેશના દ્વારની સામે જ શુભ સ્થળ ઉપર એક જિનપ્રતિમાની સ્થાપના કરાવી. જિનદાસ રોજ તેની પૂજા કરતો અને આ પ્રમાણે સ્તુતિ કરતો :
હે ત્રણ જગતના તારક પ્રભુ ! તમારી પ્રતિમા મને આત્મસ્વરૂપનું દર્શન કરાવવામાં દર્પણરૂપ છે અને તમારી આ પ્રતિમા મારી અનાદિકાળની ભ્રાંતિને દૂર કરે છે. જેમકે –
એક હંસનું બાળક બગલાના ટોળામાં આવી ચડ્યું. પછી તે ઘણો સમય તે ટોળામાં જ રહ્યું ને મોટું થયું. એક સમયે તેણે ક્યાંક સરોવર કાંઠે રાજહંસને જોયો. તેને જોઈ આ હંસ વિચારવા લાગ્યો કે “અરે ! આ તો બરાબર મારા જેવું જ છે. મારા જેવા જ તેના રૂપ, વર્ણ,
સ્વર અને કાંતિ છે. ગતિ પણ મારા જેવી જ છે.” આમ ઘણું વિચારતાં તેને બગલા અને હંસ વચ્ચેનો ભેદ સમજાયો અને એ ભેદ સમજાતા તેમજ સ્વ-સ્વરૂપનો પરિચય થતાં જ તેણે બગલાના ટોળાનો ત્યાગ કર્યો પછી તે રાજહંસ સાથે ઉડી ગયું.
આ કથાનો ઉપનય એવો છે કે – રાજહંસને સ્થાને જિનેશ્વર જાણવાં. હંસનું બાળક તે જીવ સમજવો. સંસારમાં ભમાડનારા આઠ કર્મ અને મિથ્યાત્વ માર્ગને બતાવનારા બગલાનું ટોળું સમજવું. જીવ અનાદિ કાળના ભવાભ્યાસથી આ ટોળા સાથે મોટો થાય છે. તેવામાં કાંઈક લઘુકર્મીપણું પ્રાપ્ત થવાથી શ્રી જિનેશ્વરની પ્રતિમા રૂપ રાજહંસને જોઈ તેનું સ્વરૂપ પોતાની સાથે સરખાવી સ્વપર વિવેચનથી સ્વધર્મને પ્રકટ કરે છે.
આમ હે વીતરાગ ! હંસના બાળકની જેમ મારો ઉદ્ધાર કરવાને માટે તમારી સ્થાપના સંસારનો અંત કરનારી છે.
જિનદાસ આમ રોજ સ્તુતિ કરતો પરંતુ તેનો પુત્ર પ્રતિમા સામું જોતો પરંતુ તે સ્તુતિ કરતો નહિ. વંદના પણ કરતો નહિ. એ પછી જિનદાસે પુત્રને પ્રભુને પગે લાગતો કરવા માટે ગૃહનું દ્વાર નીચું કરાવ્યું. આથી ગૃહમાં દાખલ થવા માટે માથું નીચું કરવું પડતું અને પ્રવેશદ્વારની સામે જ પ્રભુની પ્રતિમા હતી. આથી આપોઆપ જ તેના સામે જોઈ તેને વંદના થઈ જતી. આમ પુત્રને જિનપ્રતિમાને દ્રવ્યવંદના કરાવવામાં જિનદાસ સફળ થયો. પરંતુ તેણે ભાવવંદના કદી કરી નહિ.