________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૮૧
જીવહિંસા થાય છે કે નહિ ? જીવહિંસા થાય છે તો તેમ કરનાર પણ મંદબુદ્ધિ પુરુષ જ સમજવો રહ્યો ને ?
આ સંબંધમાં કહ્યું છે કે “જતનાપૂર્વક પ્રવૃત્તિ કરતાં જે વિરાધના થાય તે સૂત્ર અનુસારે ચાલવાના કારણથી કર્મક્ષય રૂપ નિર્જરાનું કારણ થાય છે અને આત્મસ્વરૂપની શુદ્ધિ થાય છે.” જે પોતાના કુટુંબાદિકના અર્થે પણ આરંભ કરે નહિ તેવા પિંડમા વહેનારાને જિનબિંબનું વિધાન કરવાનું નથી. તેને તો પ્રતિમા માનવા યોગ્ય છે. શ્રાવકને યોગ્ય એવી તે પ્રતિમાવિધાનાદિ ક્રિયા દ્રવ્યને આધીન છે. તે બાર વ્રતધારી શ્રાવકને યોગ્ય છે. દ્રવ્યપૂજા વગેરે પાંચ મહાવ્રતમાં નથી. કારણ કે તેને પરિગ્રહનો અભાવ છે. બાકી શિક્ષાવ્રતની જેમ સમકિતમાં પણ તે કર્તવ્ય છે. આ વિષે શ્રી ઉવવાઈ સૂત્રમાં અંબડ પરિવ્રાજકનો આલાવો છે તેનો અર્થ આ પ્રમાણે છે : બીજા ચરકાદિક પરિવ્રાજકો (ગુરુઓ) એ બીજા તીર્થના હરિહરાદિક દેવો અને અન્ય તીર્થી તાપસ વગેરેએ પોતાના ચૈત્યમાં સ્થાપ્યા હોય-પોતાના હરિહરાદિક દેવપણે માનેલા હોય એવા અરિહંતના બિંબ વાંદવા, પૂજવા, તેની પર્વપાસના કરવી તે અંબડને કલ્પે નહિ.”
શ્રી ભગવતિ સૂત્રમાં આરંભ વડે પણ ધર્મની પ્રાપ્તિ કહી છે તે આ પ્રમાણે : “હે ભગવન્ ! શ્રાવક તથાપ્રકારના શ્રમણ જે મુનિમહારાજ તેને સચિત્ત અને અનેષણીય એવા અશનાદિક વડે પ્રતિલાલ્મે તો તે શું ઉપાર્જે ?
ભગવાન મહાવીર શ્રી ગૌતમસ્વામીને આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે “હે ગૌતમ ! તે ઘણાં કર્મની નિર્જરા કરે અને અતિ અલ્પ પાપ બાંધે.” આ ઉપરાંત આ જ સૂત્રમાં ગ્લાન વગેરે સાધુઓને આધાકર્મી આહારની આજ્ઞા આપેલી છે. તો તે આહાર જીવહિંસા વિના થતો નથી તેવી જ રીતે જિનબિંબ વગેરેમાં પણ જાણવું.
આ બાબતમાં શિષ્ય શંકા કરે છે કે સાધુઓ પોતે ચૈત્યાદિ કરતા નથી. શ્રાવકોની તે ક્રિયાને અનુમોદે છે અને ચૈત્ય ક્રિયા માટે શ્રાવકોને પ્રેરણા પણ કરે છે તો કરનાર કરાવનાર અને અનુમોદનાર ત્રણેયને સ૨ખું ફળ મળે છે. આમાં બે આદરે અને એક ન આદરે તો તે માર્ગનાં લોપક થાય છે.
શિષ્યની શંકાનું સમાધાન કરતાં ગુરુ કહે છે : “હે વત્સ ! તારી આ શંકા નિબિડ જડતારૂપી અંધકારથી વ્યાપ્ત છે. આવી શંકા તારે ન કરવી જોઈએ. કારણ કે ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મને પ્રથમ બતાવ્યો છે. તે દાન મુનિ પોતે આપતા નથી પણ દાતાની તે માટે અનુમોદના કરે છે અને તે ક્રિયામાં શ્રાવકને પ્રેરે છે તે વાત તેં કેમ ધ્યાનમાં ન લીધી ? કોઈ માછીમાર માછલાં પકડવાનું કામ કરી રહ્યો હોય તે સમયે ત્યાંથી કોઈ મુનિ પાત્રામાં ગોચરી લઈ જતાં હોય તે સમયે પેલો માછીમા૨ મુનિને કહે કે હે મુનિ ! તમે મને ભોજન આપો તો હું આ માછલાં મારવાનું છોડી દઉં. નહિ તો હું તમને મારી નાંખીશ.”
ઉ.ભા.-૩-૧૩