________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૭૭
માતાએ એ સાંભળી
માતાએ એ સાંભળી યશોધરને ખૂબ જ સમજાવ્યો. ઠપકો આપ્યો અને છેવટે તેને શરમાવીને બળજબરીથી તેની પાસે લોટના બનાવેલ કુકડાનો વધ કરાવ્યો.
આ બાજુ બીજું નાટક શરૂ થયું. રાણી નયનાવલી કોઈ ગાયક કુબડાના ઉપર મોહ પામી. પ્રપંચ કરી રાજાની આજ્ઞા મેળવી એ ગાયકને તેણે પોતાના મહેલ પાસે રાખ્યો. રાતે રાજા સૂઈ જતો ત્યારે રાણી આ ગાયક પાસે જતી ને તેની સાથે યથેચ્છ ભોગવિલાસ કરતી. રાજાએ આ વાત જાણી એટલું જ નહિ તેમની ક્રીડા તેણે નજરે પણ જોઈ. પરંતુ રાજાએ તેને ક્ષમા આપી. સમતા રાખી તે મૌન રહ્યો.
એ ઘટના બાદ બીજા દિવસે તેણે ગુણધર પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા લેવા તૈયારી કરવા લાગ્યો. રાણી એથી ચિંતામાં પડી. “લાગે છે કે મારા સ્વામીને મારી લીલાની ખબર પડી ગઈ છે. એ જો પુત્રને બધું કહી દેશે તો પુત્ર મારા પ્રિયતમને હાંકી કાઢશે અથવા મારી નંખાવશે.” આવા ભયથી રાણીએ યશોધરને ખાવામાં ઝેર ભેળવી દીધું. ઝેરની અસરથી યશોધર મૃત્યુ પામ્યો. થોડા દિવસ બાદ તેની માતા ચંદ્રવતીનું પણ અવસાન થયું.
યશોધર મરીને મોર થયો. ચંદ્રવતી મરીને કૂતરી થઈ. કોઈ વનચરે બંનેને પકડીને ગુણધર રાજાને ભેટ ધર્યા. રાજાએ મોરને પાંજરામાં પૂર્યો અને કૂતરીને બાંધી રાખી.
પાંજરામાં પૂરાયેલ મયૂરે એક દિવસ નયનાવલીને પેલા કૂબડા સાથે ભોગવિલાસ કરતી જોઈ. એ જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી રાણી મયૂરને પંપાળવા જતી ત્યારે તેને તે જોરથી ચાંચ મારતો. એક વખત રાણીએ ગુસ્સે થઈને મોરને આભૂષણથી માર્યો. તેથી તે ગોખ પરથી નીચે પડી ગયો. નીચે પડેલા મોરને પેલી કૂતરીએ કેડથી પકડ્યો. રાજાએ ઘણી મહેનત કરી તો પણ કૂતરીએ મોરને છોડ્યો નહિ. આથી રાજાએ સોગઠાથી કૂતરીને મારી અને કૂતરી અને મોર બંને મરી ગયાં.
મોર મરીને નોળિયો થયો અને કૂતરી સર્પ. તે ભવમાં પણ બંને આપસમાં લડીને મરી ગયાં. ત્યાંથી તે બંને સિમા નદીમાં મત્સ્ય થયાં. ચંદ્રવતી મત્સ્યને માછીઓએ મારી નાખ્યો અને યશોધર મલ્યને નયનાવલીને ભેટ ધર્યો. ત્યાં તેને જાતિસ્મરણ થયું. આ નયનાવલીએ યશોધર મસ્યને રંધાવ્યો.
મસ્યપણામાંથી મૃત્યુ પામી ચંદ્રવતી ગુણધર રાજાના પશુપાળને ઘરે બકરીપણે ઉત્પન્ન થઈ. યશોધર તે બકરીનો પુત્ર બકરો થયો. તરુણવયે યશોધર બકરો ચંદ્રવતી બકરી સાથે વિષયભોગ કરવા લાગ્યો. આ જોઈ પશુપાળ તેને રહેંસી નાખ્યો. તે મૃત્યુ પામીને પોતાના જ વીર્યમાં ઉત્પન્ન થયો. તે ગર્ભિણી બકરીને ગુણધર રાજાએ સેવક પાસે મંગાવી તેને મારી નાખી અને ગર્ભમાંથી બકરાને ખેંચી કાઢી પોતાને ત્યાં પાળ્યો.
એક દિવસ ગુણધરે પૂર્વજના મૃત્યુ દિવસે પંદર પાડાઓ માર્યા અને બ્રાહ્મણોને જમાડ્યાં.