________________
૧૬૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ પ્રશંસા કરતાં કુમારપાળે કહ્યું : “હે શ્રાવકવર્ય ! તમને ધન્ય છે. તમે ત્રણેય તીર્થમાં ઈન્દ્રમાળ પહેરીને ઈન્દ્રપદ પ્રાપ્ત કર્યું છે. તમે તો સૌમાં પ્રથમ પુણ્ય કરનારા છો. એમ કહીને જગડુશાને પોતાના અર્ધાસન ઉપર બેસાડ્યો અને તેનો સત્કાર કરી દોઢ કરોડ દ્રવ્ય આપીને બે રત્નો લીધાં.
કુમારપાળે એ રત્નોને બે હારમાં અલગ અલગ ચકતામાં મઢાવ્યાં અને પછી એ હાર એક શત્રુંજય અને બીજો હાર ગિરનાર તીર્થ ઉપર પ્રભુની પૂજા માટે મોકલ્યાં.
આમ ભવ્ય જીવોએ કુમારપાળ રાજાનું જીવનવૃત્તાંત જાણીને ભક્તિભાવથી, વિધિપૂર્વક પાપકર્મોનો નાશ કરવા માટે તીર્થયાત્રા કરવી.
૧૯૪
સ્નાન કરવાનો વિધિ
સ્નાન કરવાનો વિધિ કહેવામાં આવે છે.
ભાવાર્થ :- સર્વજ્ઞની સેવા કરવામાં તત્પર એવા પુરુષે મનમાં હિંસાનો ભય રાખીને સ્નાનાદિક સર્વ કાર્ય કરવાં.
તમે સ્નાન કરવા માટે પાટલો, બાજોઠ કે બીજું કોઈ પણ સાધન વાપરતા હોય અથવા જમીન પર બેસીને સ્નાન કરવા બેસતા હો તો તે સમયે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખવું. સ્નાન એવી જગાએ ક૨વું કે જે સ્થાન પર લીલ ન હોય. કીડી-મંકોડા કે કુંથુઆ વગેરે ન હોય. એ જમીન પોચી કે પોલી ન હોય અને જ્યાં તડકો આવેલો હોય તેવી ઉત્તમ જમીન-સ્થાન સ્નાન માટે પસંદ કરવું. પાટલો કે બાજોઠ ડગમગતો હોય તેવા સ્થાને સ્નાન ન કરવું. આ બધું કરતાં પહેલાં બરાબર જોઈ લેવું કે પાટલા કે બાજોઠ પર તેમજ સ્નાન કરવાના સ્થાન પર ને આસપાસ કોઈ જીવજંતુ તો નથી ને. આ માટે તે બધાને પ્રમાર્જવાં.
સ્નાન સમયે પચ્ચક્ખાણનો સમય થયો હોય તો ત્રણ નવકાર ગણી પચ્ચક્ખાણ પારવું. ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું હોય તો દાતણ કર્યા વિના પણ શુદ્ધિ જ છે. કારણ તપનું ફળ મહાન છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે : “ઉપવાસ અને શ્રાદ્ધના દિવસે દાતણ કરવું નહિ. તે દિવસે દાંત અને દાતણનો સંયોગ થતા સાત કુળ હણાય છે.”
સ્નાન કરવાનું પાણી ગળેલું હોવું જોઈએ. પ્રાસુક અને અચિત્ત હોવું જોઈએ. ન્હાવા માટે અલ્પ શરીર ભીનું થાય તેટલું જ પાણી લેવું. ચારે બાજુ પાણીના રેલા દદડી ન જાય તેવી સાવધતાથી ન્હાવું.