________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
શ્રી રાજપ્રશ્નીયસૂત્રમાં તથા શ્રી જીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે “નંદાપુષ્કરણી નામે દેવતાઓની વાપિકા છે. તેમાં યાવત્ હજાર પાંખડીના કમળ ઉગે છે તે વાપિકામાં પ્રવેશ કરીને દેવતાઓ તે કમળ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે વાપિકામાંથી નીકળે છે અને જ્યાં શાશ્વત જિનમંદિર છે ત્યાં જાય છે” ઈત્યાદિ. આ ઉપરાંત શ્રી સમવાયાંગ સૂત્રમાં ચોત્રીશ અતિશયના અધિકારમાં પણ કહ્યું છે કે “પ્રભુ કેવળજ્ઞાન પામે છે ત્યારે વાયુ વડે એક યોજન ક્ષેત્રને સાફ કરીને મેઘવૃષ્ટિ વડે તે જમીનને ઉડતી રજ રહિત કરે છે. પછી તેની ઉપર જળ તથા સ્થળના ઉત્પન્ન થયેલા દેદીપ્યમાન પુષ્કર પંચવર્ણા પુષ્પોના જાનુ પ્રમાણ પગ ભરે છે.”
અહીં કોઈ “જળ-સ્થળના ઉપજેલા પુષ્પોના જેવા પુષ્પો” એમ કહે છે પણ તે યોગ્ય નથી. કારણ કે ઈવ વગેરે ઉપમાવાચક શબ્દો મૂળ સૂત્રમાં ગ્રહણ કરેલા નથી. બીજું રાજપ્રશ્નીય સૂત્રમાં પણ જિનપ્રતિમાની આગળ પુષ્પોના પૂંજ કરવા સંબંધી પાઠ છે. ત્યાં પણ જળમાં ઉત્પન્ન થયેલા સચિત્ત પુષ્પોનો પૂંજ કરે છે એમ કહ્યું છે. જ્ઞાતાસૂત્રમાં સમકિતધારી દ્રૌપદીએ કરેલ જિનપૂજાનો વિધિ પણ સૂર્યાભદેવના જેવો જ વર્ણવેલો છે. તેમાં કાંઈ પણ ન્યૂનાધિક કહ્યું નથી. આથી જો દેવતાઓએ કરેલો પુષ્પોનો પૂંજ વિતુર્વેલો કહીએ તો દ્રૌપદીએ જિનેશ્વર પાસે કરેલો પુષ્પકુંજ વિકર્વેલો છે એ કેવી રીતે બને? આમ એક જ સૂત્રપાઠમાં પૂર્વાપરવિરોધી અર્થ ન કરવો. દેવતાઓમાં અનેક પ્રકારનું સામર્થ્ય છે. આથી સિદ્ધાંતમાં કલ્પિત બુદ્ધિ ચલાવવી યોગ્ય નથી. વળી નારકી વિના ત્રેવીશ દંડકમાં રહેલા જીવ પુષ્યપણું પ્રાપ્ત કરે છે અને પુષ્પોના જીવો ઈશાન દેવલોક સુધી જઈ શકે છે. હવે પુષ્પપૂજા અંગે કુમારપાળ રાજાનો પૂર્વભવ દષ્ટાંતરૂપે કહેવામાં આવે છે તે આ પ્રમાણે
કુમારપાળ રાજાના પૂર્વભવનું વૃત્તાંત રાજા કુમારપાળે વિનયપૂર્વક આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને પોતાનો પૂર્વભવ જણાવવા વિનંતી કરી. આચાર્યશ્રીએ કુમારપાળનો પૂર્વભવ જાણવા માટે સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કાંઠે અક્રમ કરી સૂરિમંત્રના બીજા પીઠની અધિષ્ઠાત્રી દેવીની આરાધના કરી. દેવીએ આચાર્યશ્રીને રાજાનો પૂર્વભવ કહ્યો. આચાર્યશ્રીએ રાજા અને નગરજનો સમક્ષ એ પૂર્વભવ કહેતાં કહ્યું :
“હે રાજન ! મેવાડના સીમાડામાં જયકેશી રાજા હતો. નરવીર નામે તેને એક પુત્ર હતો. આ નરવીર વ્યસનોમાં પૂરો હતો. સાતેય વ્યસનોમાં તે રત હતો. આથી પિતા જયકેશીએ તેને નગર બહાર કાઢી મૂક્યો.
નરવીર નગર બહાર નીકળીને પર્વતની શ્રેણીમાં કોઈ પાળનો સ્વામી પલ્લીપતિ થયો. એક વખતે નરવીરે જયંતિક નામના સાર્થપતિને તેના સાથે સાથે લૂંટી લીધો. લૂંટાયેલો જયંતિક માળવાના રાજાના શરણે ગયો. માળવનરેશે નરવીરના પાળને પોતાના સૈન્યથી ઘેરી લીધો. નરવીર એ ઘેરામાંથી નાસી ગયો. ત્યારે નરવીરની પત્ની સગર્ભા હતી.