________________
૧૫૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
લોકમાં પણ કહેવાય છે કે “યાત્રામાં વાહન પર બેસવાથી અધું ફળ નાશ પામે છે, જોડા પહેરવાથી ચોથા ભાગનું ફળ નાશ પામે છે. શુભ માર્ગે ધન વ્યય ન કરવાથી ત્રીજા ભાગનું ફળ નાશ પામે છે.”
આ સાંભળી કુમારપાળે વાહન અને ઉપાનહનો ઉપયોગ બંધ કર્યો. તેને પગે ચાલતા જોઈ આચાર્યશ્રીએ કહ્યું : “રાજનું! વાહન અને ઉપાનનો ઉપયોગ નહિ કરો તો તમને ઘણી પીડા થશે.”
કુમારપાળે કહ્યું: “ભગવંત! વાહન અને ઉપાનહ વિના ચાલવાની મારે નવી ટેવ નથી પાડવાની. અગાઉ વાહન વિના ઉઘાડા પગે ઘણું રખડ્યો છું. પણ એ બધું રખડવું વ્યર્થ ગયું છે અને આ તો તીર્થયાત્રા માટે ઉઘાડા પગે ચાલી રહ્યો છું. તેથી તે સાર્થક જ થવાનું છે. તેથી મારું ભવભ્રમણ ટળી જશે.”
યાત્રાના માર્ગમાં જે કોઈ ગામ-નગર આવ્યા ત્યાં કુમારપાળે તે ગામમાંની જિનપ્રતિમાને સુવર્ણ છત્ર કરાવ્યાં. દરેક જિનપ્રાસાદ પર ધ્વજારોપણ કરાવ્યું. સાધર્મિક ભક્તિ અને વાત્સલ્ય કર્યા. અમારી ઘોષણા કરાવી. બંને સમય પ્રતિક્રમણ કર્યું. પર્વતિથિના દિવસે પૌષધ કર્યો અને વાચકોને દાન પણ કર્યું. ધીમે ધીમે શ્રી સંઘ શ્રી સિદ્ધાચલગિરિ નજીક આવી પહોંચ્યો. તીર્થના દર્શન થતાં જ કુમારપાળે પંચાંગ પ્રણામ કર્યા અને તે દિવસે ત્યાં રહી શત્રુંજયને વધાવી, તીર્થ સન્મુખ સુગંધી દ્રવ્યનાં અષ્ટમંગળ આલેખી તીર્થોપવાસ અને રાત્રિજાગરણ કર્યું.
સવારે દેવગુરુની પૂજા કરી ઉપવાસનું પારણું કર્યું અને પછી સૌ તળેટીમાં ગયાં. તળેટીએ સકળ સંઘ સહિત ચૈત્યવંદન કર્યું અને પછી બધી આશાતનાઓથી દૂર રહી સંઘ ગિરિરાજ પર ચડવા લાગ્યો.
જિનપ્રાસાદની નજીક પહોંચતાં કુમારપાળે તેનાં દ્વારને સવાશેર મોતીથી વધાવ્યાં અને પછી અંદર પ્રવેશ કર્યો. પ્રદક્ષિણા કરતી વખતે રાજાએ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીને ભગવાનની સરલ અને અપૂર્વ સ્તુતિ કરવા વિનંતી કરી.
આચાર્યશ્રીએ જયજંતુકપ્ત ઈત્યાદિ ધનપાલ પંચાશિકાના પાઠ વડે ભગવાનની મંગળ સ્તુતિ કરી. એ સાંભળી કુમારપાળ અને બીજાઓ બોલી ઉઠ્યાં. “હે ભગવાન! આપ તો સમર્થ કવિ છો છતાં બીજાએ રચેલી સ્તુતિ આપે કેમ ગાઈ?” - આચાર્યશ્રીએ કહ્યું: “રાજનું! એવી અભૂત ભક્તિગર્ભિત સ્તુતિ રચવી તે મારા ગજા બહારની વાત છે.”
આચાર્યશ્રીની આવી નિરભિમાનતા જોઈ સૌ ખુશ થયાં. પછી સૌ રાયણ વૃક્ષ પાસે આવ્યાં. તેને જોઈ આચાર્યશ્રીએ કહ્યું : “કુમારપાળ સીત્તેર લાખ કોટિ અને છપ્પન હજાર કોટિ વર્ષે એક પૂર્વ થાય છે તે સંખ્યાને નવાણું ગુણા કરતાં ઓગણોતેર કોડાકોડ, પંચાસી લાખ કરોડ અને ચુમાલીશ કરોડ થાય. તેટલી વાર શ્રી આદિનાથ પ્રભુ આ વૃક્ષ નીચે સમોસર્યા છે.