________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩
૧૪૭ ખાણ આવી. તેમાંથી તેઓએ લોખંડ લીધું. આગળ ચાલતાં રૂપાની ખાણ આવી. તે જોઈ ત્રણ જણાએ લોખંડ ફેંકી દઈને રૂપું લઈ લીધું. આગળ જતાં સોનાની ખાણ આવી. એ જોઈ એ ત્રણ જણાએ રૂપે ફેંકી દઈ સોનું લઈ લીધું. પેલા ચોથાએ ન રૂપ લીધું ન સોનું. તે તો લોઢું લઈને જ તેમની સાથે ચાલતો રહ્યો. ચાર જણા આગળ ચાલ્યા તો તેમને રત્નોની ખાણ મળી. ફરી પેલા ત્રણેએ સોનું ફેંકી દીધું અને રત્નોના પોટલાં બાંધી દીધાં. પણ પેલાએ રત્નો પણ ન લીધાં. પરિણામે એ દરિદ્ર અને દુઃખી રહ્યો અને ત્રણ જણાં સુખી થઈ ગયાં. આમ લોઢાના ભારને વહેનાર દુરાગ્રહી વેપારીની જેમ જે પરંપરાએ ચાલ્યા આવતા મિથ્યાત્વને છોડતો નથી તે દુઃખી થાય છે.”
રાજા પરદેશી આ વાર્તાલાપ પોતાના ઘોડા પર બેસીને કરી રહ્યો હતો. ગણધર પાસેથી પોતાના પ્રશ્નોના સંતોષકારક જવાબ સાંભળી તે ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને વિનયથી વંદના કરી કહ્યું: “હે ભગવંત ! પ્રભાતે હું તમને નમીને મારા અવિનયને ખમાવીશ.”
બીજા દિવસે સવારે પરદેશી રાજા ખૂબ જ ઠાઠમાઠથી ગણધરને વંદના કરવા માટે ગયો. વિનયથી અને આત્માના ઉલ્લાસથી વંદના કરી. પરદેશીએ શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પછી ગુરુએ દેશના આપી. “હે રાજનું! પુષ્પફળવાળા બગીચાની જેમ પ્રથમ બીજાઓને દાન દેનારા દાતાર થઈ હમણા ધન પ્રાપ્ત કરીને તમારે અદાતા થવું નહિ. અર્થાત્ સુકાઈ ગયેલા વનની જેમ અરમણીય થવું નહિ. કારણ તેમ કરવાથી અમને અંતરાય લાગે અને ધર્મની નિંદા થાય.”
પરદેશીએ કહ્યું : હે સ્વામી ! હું મારા સાત હજાર ગામના ચાર વિભાગ કરીશ. તેમાંથી એક ભાગ વડે મારા રાજ્યમાં સૈન્ય તથા વાહનનું પોષણ કરીશ. બીજા ભાગ વડે અંતઃપુરનો નિર્વાહ કરીશ. ત્રીજા ભાગ વડે ભંડારની પુષ્ટિ કરીશ અને ચોથા ભાગ વડે દાનશાળા વગેરે ધર્મકાર્ય કરીશ.” આમ ધર્મ પામીને પરદેશી રાજા રાજમહેલમાં પાછો ફર્યો અને ત્યારથી શ્રમણોપાસક બની રહ્યો.
હવે પરદેશી પહેલાનો વિલાસી રાજા રહ્યો ન હતો. રાજાને ધર્મિષ્ઠ થયેલો જોઈ તેની રાણી તેને મારી નાંખવાનો વિચાર કરવા લાગી. એક દિવસ તેણે પુત્ર સૂર્યકાંતને બોલાવીને કહ્યું : “વત્સ ! તારો પિતા હવે રાજકાજ પ્રત્યે બેદરકાર રહે છે. આખો દિવસ ધર્મધ્યાનમાં રહે છે. તેમને હવે રાજ્યની કોઈ જ ચિંતા નથી. આથી તેમને મારી નાંખી તું રાજય લઈ લે.”
પુત્ર આ સાંભળીને મૌન રહ્યો. ન તેણે આ કૃત્ય માટે હા કહી કે ન ના કહી. તેને મૌન જોઈ રાણીને પસ્તાવો થયોઃ “પુત્ર નમાલો છે. ઉતાવળા થઈ મેં તેને આમ કહીને મોટી ભૂલ કરી નાંખી.” પછી એક દિવસ તક જોઈને પરદેશી રાજાને ઝેરવાળું ભોજન કરાવ્યું.
ઝેરની તુરત જ અસર થઈ ગઈ. પરદેશીને અસહ્ય પીડા થઈ. તેને ખબર પડી કે આ દુષ્કૃત્ય રાણીનું છે. પણ તે મૌન રહ્યો. રાણી ઉપર લેશમાત્ર રોષ કર્યો નહિ. અસહ્ય વેદનામાં પૌષધાગારમાં જઈ દર્ભના સંથારા પર બેઠો. પૂર્વ તરફ મોં રાખી શક્રસ્તવ ભણ્યો. મનમાં ધર્માચાર્યને સંભારીને જાવજીવ સુધી સર્વ પાપસ્થાનોને વીસરાવી દીધા અને શુભધ્યાનમાં તે મૃત્યુ પામ્યો.