________________
૧૫૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ કરવાથી જીવને સંસારમાં ભમવું પડતું નથી. તીર્થમાં દ્રવ્યનો વ્યય કરવાથી સંપત્તિ સ્થિર થાય છે અને જગતપિતા જિનેશ્વરને પૂજવાથી પૂજ્ય થવાય છે.” એમ કહી વસ્તુપાળ આગળ ગયો.
સંઘે સરોવરના કાંઠે પોતાનો પડાવ નાંખ્યો. વસ્તુપાળ ત્યાં ગયો. સંઘપતિ પુનડશેઠને પ્રેમથી ભેટ્યો અને કહ્યું: “હે શ્રાવકવર્ય! કાલે સવારે આપને સંઘસહિત મારે ત્યાં ભોજન માટે નિમંત્રણ આપું છું. આપ તેનો સ્વીકાર કરો.”
પુનડશેઠે નિમંત્રણ સ્વીકારી લીધું. બીજે દિવસે સંઘ વસ્તુપાળને ત્યાં જમવા ગયો. તે સમયે વસ્તુપાળ જાતે દરેક યાત્રિકના પગ ધોતો હતો અને દરેકને તિલક કરતો હતો. આમ કરતાં બપોર થઈ ગયાં. આથી નાના ભાઈ તેજપાળે આવીને કહ્યું:
“મોટા ભાઈ! તમે ભોજન માટે પધારો. તમારી જેમ જ બીજા માણસો પાસે હું યાત્રિકોની ભક્તિ કરાવીશ. ભોજનનો સમય ઘણો જ થઈ ગયો અને હવે તમને પરિતાપ થશે.”
વસ્તુપાળે કહ્યું: “તેજપાળ! આવી સોનેરી તક તો જીવનમાં ક્યારેક જ મળે છે. ભોજન તો રોજ મળશે. પુણ્યોદયે આવી ઉત્તમ તક મળી છે તો મને મારા હાથે જ સાધર્મિક ભક્તિ કરવા દો.”
આ વાત જાણી ગુરુએ વસ્તુપાળને કહેવડાવ્યું કે :
જે કુળમાં જે પુરુષ મુખ્ય વડીલ હોય તેનું કાળજીથી રક્ષણ કરવું. તેની યોગ્ય સારસંભાળ રાખવી, કારણ જો તે નાશ પામે – (મરણ પામે કે બિમાર પડે, ઘવાય) તો આખું ફળ વિનાશ પામે છે. ધરી ભાંગી જાય તો ગાડું ચાલી શકતું નથી. તેમ કુટુંબનો વડીલ ભાંગી જાય તો કુટુંબ વ્યવસ્થા તૂટી જાય છે.”
ગુરુનો સંદેશો સાંભળી વસ્તુપાળે વિનમ્રતાથી ગુરુને કહેવડાવ્યું કે – યુગાદિ પ્રભુની યાત્રાએ જનારા સર્વ યાત્રિકોની અખિન્નપણે સેવા કરવાથી મને આનંદ થાય છે. એથી મારા પિતાની આશા ફળીભૂત થઈ છે અને મારી માતાને આશાના અંકુર ઉગી નીકળ્યાં છે એમ હું સમજું છું.”
આ ઐતિહાસિક ઘટનાઓ જાણીને શ્રાવકોએ પોતાના આત્માની શુદ્ધિ માટે ઉત્કટભાવથી તીર્થયાત્રા કરવી જોઈએ.
૧૮૩. શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાનું ફળ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાથી કેટલું ફળ મળે તે સમજાવતાં કહ્યું છે કે -