________________
૧૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
ભરતાદિકની કથા ભરત ચક્રવર્તીએ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવંતને પૂછ્યું - “હે ભગવંત! અગાઉ જે તીર્થમાં આપ નવ્વાણું વખત સમોસર્યા હતાં, તે તીર્થ શું શાશ્વત છે?”
ભગવાને કહ્યું : “હે ભરત ! એ સિદ્ધાચલગિરિ પહેલા આરામાં એંસી યોજન, બીજાં આરામાં સીત્તેર યોજન, ત્રીજા આરામાં સાઠ યોજન, ચોથા આરામાં પચાસ યોજન, પાંચમા આરામાં બાર યોજન અને છઠ્ઠા આરામાં સાત હાથના પ્રમાણવાળો થાય છે. આથી એ તીર્થ શાશ્વત છે. આ તીર્થની અવસર્પિણીમાં અને ઉત્સર્પિણીમાં હાની-વૃદ્ધિ થયા કરે છે.”
શ્રી સિદ્ધાચલ શાશ્વત તીર્થ છે તેમ જાણીને એક દિવસ ભરત ચક્રવર્તી શ્રી સંઘ સાથે તેની યાત્રાએ ગયાં. ત્યાં પહોંચીને ઈન્દ્રના વચનથી ચક્રવર્તીએ હીરા-માણેક-મોતી અને રત્નોથી સુશોભિત ચોરાશી મંડપોવાળો રૈલોક્યવિભ્રમ નામે ભવ્ય પ્રાસાદ કરાવ્યો. આ પ્રાસાદ એક કોશ ઊંચો, દોઢ કોશ વિસ્તીર્ણ અને હજાર ધનુષ્ય પહોળો હતો. આ ભવ્ય પ્રાસાદમાં ભારતે સુવર્ણ રત્નમય શ્રી જિનબિંબ સ્થાપિત કર્યું. આમ પ્રથમ સંઘપતિ ભરત ચક્રવર્તીએ શ્રી શત્રુંજય તીર્થનો પ્રથમ ઉદ્ધાર કરાવ્યો.
ભરત ચક્રવર્તીની જેમ તેમના સંતાનો આદિત્યયશા, મહાયશા અને અતિબળ આદિ પુત્રોએ પણ આ તીર્થનો સંઘ કાઢ્યો હતો અને સંઘપતિ થઈ કેવળજ્ઞાન પામ્યા હતાં. ઈવાકુકુળમાં બીજા પણ અનેક રાજાઓ મોક્ષે ગયાં છે. વસુદેવહિંડી નામના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે અસંખ્ય રાજાઓ આ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યાં છે.
છ કરોડ પૂર્વ પછી ભરત ચક્રીની આઠમી પેઢીએ દંડવીર્ય રાજા થયો. તેણે પણ સંઘપતિ થઈ શ્રી શત્રુંજય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યો. આ દંડવીર્ય રાજાને પણ આરિણાભવનમાં કેવળજ્ઞાન થયું હતું.
ત્યાર પછી એકસો સાગરોપમ સમય વીત્યા બાદ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી જિનેશ્વર ભગવંત પાસેથી આ તીર્થનું વર્ણન અને મહિમા સાંભળીને ઈશાનઈન્દ્ર તેનો ત્રીજો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ એક કરોડ સાગરોપમના સમય બાદ માહેન્દ્ર ચોથો ઉદ્ધાર કર્યો. તે પછી દશ કોટિ સાગરોપમ ગયા બાદ બ્રહ્મન્ડે પાંચમો ઉદ્ધાર કર્યો અને તે પછી એક કોટિ સાગરોપમ ગયા બાદ ભવનપતિ ચમરે શત્રુંજયગિરિનો છઠ્ઠો ઉદ્ધાર કર્યો
શ્રી આદિનાથ પ્રભુના થઈ ગયા પછી ૫૦ લાખ કોટી સાગરોપમ બાદ શ્રી સગરચક્રવર્તી થયાં. ઈન્દ્રના કહેવાથી પડતો સમય જાણીને આ સગર ચક્રવર્તીએ ભરતે ભરાવેલ મણિમય જિનબિંબને ભૂમિમાં ભંડાર્યું અને તેણે આ તીર્થનો સાતમો ઉદ્ધાર કર્યો. તે પછી ચોથા તીર્થકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીના સમયમાં વ્યંતરેન્દ્ર આઠમો ઉદ્ધાર કર્યો. આ તીર્થનો નવમો ઉદ્ધાર શ્રી ચંદ્રપ્રભુસ્વામીના સમયમાં ચંદ્રયશા રાજાએ કરાવ્યો. શ્રી શાંતિનાથના પુત્ર ચક્રાયુધે દશમો ઉદ્ધાર કરાવ્યો. શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં રામચંદ્રના હસ્તે અગિયારમો ઉદ્ધાર થયો.