________________
૩૪૯
૧૪૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
પોતાના પૂર્વભવના ભર્તારની ભાળ મળતાં તેના રૂપથી લોભાઈને ભદ્રમુખી યક્ષિણી રાજપુત્ર દુર્લભને પોતાના ભુવનમાં લઈ ગઈ. દેવીએ તેને પૂર્વભવ કહ્યો. તે સાંભળી રાજપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જોઈ બંને એકબીજામાં આસક્ત બન્યાં. યક્ષિણીએ પોતાની દૈવી શક્તિથી રાજપુત્રના દેહને સુગંધી કરી પોતાને યોગ્ય કર્યો.
રાજપુત્રના ગૂમ થવાથી માતા-પિતાએ તેની શોધ કરી. ગુરુ પાસેથી તેની ભાળ મળી. માતા-પિતાએ દીક્ષા લીધી.
યક્ષિણીએ અવધિજ્ઞાનથી જોયું તો તેને જાણવા મળ્યું કે દુર્લભકુમારનું આયુષ્ય હવે અલ્પ છે. આથી તેણે કુમારને વનમાં કેવળી પાસે મૂકી દીધો. કુમારે તે સમયે કેવળી ભગવંતની વાણી સાંભળી : “લીમડાનો કીડો લીમડાના કડવા રસને પણ મધુર જાણે છે તેમ સિદ્ધિના સુખથી અજાણ્યા એવા પ્રાણીઓ સંસારના દુઃખને પણ સુખરૂપ માને છે.
એ સાંભળી દુર્લભકુમારના આંખમાંથી આંસુ દદડવા લાગ્યાં. તે જોઈ કેવળીભગવંતે તેને પ્રેરણા આપતાં કહ્યું: “માનવભવ પામીને ધર્મકાર્યમાં જે પ્રમાદ કરે છે તે પ્રાપ્ત થયેલ ચિંતામણિ રત્નને સમુદ્રમાં ફેંકી દે છે.”
દેશના સાંભળી કુમારને સમકિત પ્રાપ્ત થયું અને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે કુમાર અને તેના માતપિતા મહાશુક્ર નામે દેવલોકે દેવતા થયાં.
પેલી યક્ષિણી ત્યાંથી આવીને ભ્રમર રાજાની વેશાલિકા નામે રાણી થઈ. ત્યાં તે દંપતી ધર્મની આરાધના કરી સ્વર્ગે ગયાં.
- દુર્લભકુમારનો જીવ દેવલોકમાંથી આવીને રાજગૃહી નગરીમાં મહિન્દ્ર નામના રાજાની કૂર્મા રાણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. શુભ દિવસે શુભ લગ્નમાં તેનો જન્મ થયો. દોહદના અનુસારે તેનું નામ ધર્મદેવ પાડવામાં આવ્યું. આ ધર્મદેવનું શરીર પૂર્વભવમાં બાળકોને પોટલાની જેમ બાંધીને આકાશમાં ઉછાળી કંદુક ક્રીડાના પાપના પરિણામે માત્ર બે હાથ જેટલું જ હતું. આથી લોકો તેને કૂર્માપુત્ર તરીકે જ ઓળખતાં. ઘણી સ્ત્રીઓ યુવાન કૂર્માપુત્રને ઝંખતી હતી. પરંતુ કૂર્માપુત્ર અંતરથી અનાસક્ત હતો. એક સમયે કોઈ મુનિના મુખેથી તેણે સિદ્ધાંતના પાઠ સાંભળ્યાં. તે સાંભળી તેને જાતિસ્મરણ થયું. એથી તેણે ધ્યાન ધરવા માંડ્યું. ઉત્કૃષ્ટ ધ્યાન ધરતાં તેના કર્મો બળીને ખાખ થઈ જતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
કેવળજ્ઞાન થતાં કૂર્માપુત્રે વિચાર્યું: “હું હમણાં ચારિત્ર ગ્રહણ કરીશ તો મારા માતા-પિતા આઘાતથી મૃત્યુ પામશે. આથી તેમને પ્રતિબોધ પમાડવા માટે તેઓ “મને કેવળજ્ઞાન થયું છે તે ન જાણે તેવી અજ્ઞાતવૃત્તિથી ગૃહવાસમાં રહેવું એ જ યોગ્ય છે.”
આ અરસામાં બાકીના ચારે જીવો સ્વર્ગથી આવીને વૈતાઢ્ય પર્વત ઉપર ખેચર થયાં. સાંસારિક સુખ ભોગવીને કોઈ ચારણમુનિ પાસે દીક્ષા લીધી. ચારેય મુનિ મહાવિદેહ ક્ષેત્રમાં જિનેશ્વર ભગવંતને વંદન કરવા માટે ગયાં.
ઉ.ભા.-૩-૧૧