________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ તે સમયે સભામાં બેઠેલા ચક્રવર્તીએ ભગવાનને પૂછ્યું : “હે ભગવંત ! એકી સાથે ઉત્કૃષ્ટા વિહાર કરતા કેટલા જિનેશ્વર ભગવંત હોય છે ?”
ભગવંતે કહ્યું : “હે ચક્રવર્તી ! આ મનુષ્ય ક્ષેત્રને વિષે પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. એક એક મહાવિદેહમાં બત્રીશ બત્રીશ વિજય છે. તેથી બન્નીશને પાંચ ગુણા કરીએ ત્યારે ૧૬૦ વિજય થાય. તેમાં પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્ર મેળવતાં ૧૭૦ ક્ષેત્રો થાય છે. ઉત્કૃષ્ટ કાળે એ સર્વ ક્ષેત્રોમાં જિનેશ્વર ભગવંત વિચરતા હોય છે.”
૧૫૦
ચક્રવર્તીએ પૂનઃ પૂછ્યું : “સ્વામી ! ભરતક્ષેત્રમાં અત્યારે કોઈ ચક્રવર્તી કે કેવળી છે ?’’
પ્રભુએ કહ્યું : “હે ચક્રવર્તી ! ભરતક્ષેત્રમાં અત્યારે કોઈ ચક્રવર્તી નથી પરંતુ કૂર્માપુત્ર નામે એક કેવળી છે અને તે પોતાના માતાપિતાને પ્રતિબોધ પમાડવા માટે ગૃહસ્થાવાસમાં જ રહ્યા છે.”
ત્યાર પછી પેલા ચાર ચારણમુનિઓએ ભગવંતને પૂછ્યું : “ભગવન્ ! અમને કેવળજ્ઞાન ક્યારે થશે ?”
ભગવંતે કહ્યું – “કૂર્માપુત્રની પાસે તમને કેવળજ્ઞાન થશે.”
એ બાદ ચારેય ચારણમુનિઓ કૂર્મપુત્રને ત્યાં ગયાં અને મૌન ભાવે તેમની સામે બેઠાં. આથી કૂર્માપુત્રે તેમને કહ્યું : “તમે અહીં ભગવાનનું વચન સાંભળીને આવ્યાં છો. હવે તમે તમારા પૂર્વભવ સાંભળો.”
પોતાનાં પૂર્વભવ સાંભળતાં ચારેયને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તુરત જ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થતાં ચારેયને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ શ્રી જિનેશ્વર ભગવંત પાસે આવ્યા અને તેમને વંદન કર્યા વિના જ પર્ષદામાં બેઠાં. એ જોઈ ઈન્દ્રે ભગવાનને પૂછ્યું : “ભગવન્ ! આ ચાર મુનિઓએ તમને કેમ વંદના ન કરી ?”
ભગવંતે કહ્યું : “કૂર્મપુત્ર પાસેથી પોતાના પૂર્વભવને જાણીને તેઓ કેવળી થયા છે.” ઈન્દ્રે બીજો પ્રશ્ન પૂછ્યો : “ભગવન્ ! તે કૂર્મપુત્ર દીક્ષા ક્યારે લેશે ?”
“આજથી સાતમા દિવસે તે દ્રવ્યથી સંયમ સ્વીકારશે.” ભગવાને જવાબ આપ્યો.
સાતમે દિવસે કૂર્માપુત્રે પોતાના માતા-પિતાને પ્રતિબોધ પમાડ્યાં. પોતાનો અભિગ્રહ પૂરો થતાં કૂર્માપુત્રે પોતાના હાથે જ લોચ કર્યો. દેવતાઓએ આવીને સુવર્ણકમળની રચના કરી. તે ઉપર બેસીને કેવળી કૂર્માપુત્રે ધર્મદેશના આપી અને અનેક જીવોને પ્રતિબોધ પમાડીને અનુક્રમે તે મોક્ષે ગયાં.
સિદ્ધાંતમાં કહ્યું છે કે – “જધન્યથી બે હાથ પ્રમાણવાળો અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો પુરુષ સિદ્ધિને પામે છે.”