________________
9
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ એમ સમ્યક પ્રકારે જાણવું.” આમ સર્વત્ર સ્ત્રીઓની નિંદા કરવામાં આવી છે તો તેવી સ્ત્રીઓનું બહુમાન કરવું કેવી રીતે ઉચિત ગણાય?
ગુરુમહારાજ શિષ્યને જવાબ આપતાં કહે છે – “હે વત્સ ! સ્ત્રીઓ માત્ર દોષથી જ ભરેલી છે એવું એકાંતે સત્ય ન માનવું. કેટલાંક પુરુષો પણ એવા દોષિત હોય છે. અખાઈ રાઠોડ જેવા મહાક્રૂર આશયવાળા, નાસ્તિક અને દેવ-ગુરુને પણ ઠગનારા ઘણા પુરુષોના દષ્ટાંત જોવા મળે છે. આમ બંને બાજુ જોવી જોઈએ. બધી જ સ્ત્રીઓ દોષવાળી નથી હોતી. તુલસા, રેવતી, કલાવતી, મનોરમા જેવી ઘણી સ્ત્રીઓ સંસ્કારી પણ હતી. એવી કેટલીક ઉત્તમ શ્રાવિકાઓની તીર્થકર ભગવંતોએ પણ પ્રશંસા કરી છે. શ્રાવિકાઓનું માતાની જેમ, બેનની જેમ અને પુત્રીની જેમ બહુમાન કરવું જોઈએ.
૩. યાત્રા - દર વરસે ઓછામાં ઓછી એકવાર તો યાત્રા કરવી જોઈએ. આ યાત્રા ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧. અઢાઈ ઉત્સવ યાત્રા, ૨. રથયાત્રા અને ૩. તીર્થયાત્રા.
રાજા કુમારપાળે આ પ્રમાણે રથયાત્રા કરી હતી. “ચૈત્રમાસની શુકલ અષ્ટમીના ચોથા પહોરે મહાસંપત્તિવાન શ્રી જિનેશ્વર ભગવંતનો રથ તૈયાર કરવામાં આવ્યો. લોકોએ આનંદથી ભગવાનનો જયજયકાર કર્યો. રસ્તા ઉપરથી આ ભવ્ય રથ પસાર થઈ રહ્યો હતો ત્યારે જાણે એમ લાગતું હતું કે મેરુપર્વત જઈ રહ્યો છે. ઉપર સોનાના મોટા દંડવાળી ધ્વજા ફરકતી હતી. અંદર છત્ર હતું અને બાજુમાં ચામરની શ્રેણીઓ હતી. આવા આ ભવ્ય સોહામણા રથમાં સ્નાન, વિલેપન કરીને પુષ્પ ચડાવેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપવામાં આવી હતી. મહાજનો વાજતે ગાજતે આ રથને રાજા કુમારપાળના દ્વાર પાસે લાવ્યાં.
તે સમયે દશે દિશાઓ વાજિંત્રોની ગૂંજ અને નૃત્યના ઝણકારથી ગૂંજી રહી. રથને ખૂબ જ ઠાઠથી અને વાજતે ગાજતે રાજમંદિરમાં લઈ જવાયો. રાજા કુમારપાળે રાજમંદિરમાં આવેલા રથમાં સ્થાપિત કરેલી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને પટવસ્ત્ર તથા સુવર્ણના અલંકારોથી પૂજા કરી. ભાવિકોએ ભક્તિનૃત્ય કર્યા. તે રાત ત્યાં ભાવનામાં પસાર કરી. બીજે દિવસે સવારે રાજા કુમારપાળે એ રથને નગર બહાર ફેરવ્યો અને નગર બહાર ધ્વજ તોરણોથી શણગારેલા વિશાળ મંડપમાં રથ મૂક્યો. પછી રથમાંની જિન પ્રતિમાની પૂજા રચી અને ચતુર્વિધ સંઘની સમક્ષ પોતે આરતી ઉતારી. પછી હાથી જોડેલા તે રથને આખા નગરમાં ફેરવી ઠેક-ઠેકાણે પટમંડપમાં વિસ્તારવાળી રચના કરાવી તે ઉત્સવને દીપાવ્યો.” આમ રથયાત્રા કરવી જોઈએ.
તીર્થયાત્રાઃ શ્રી શત્રુંજય, ગિરનાર, સમેતશિખર આદિ તીર્થધામો છે. તેમજ શ્રી તીર્થકરના જન્મ, દીક્ષા, કેવળ, વિહાર અને નિર્વાણની ભૂમિ પણ તીર્થ ગણાય છે. આ તીર્થયાત્રાથી ભવ્ય જીવોને શુભ ભાવના જાગે. શુભ ભાવના જગાડવામાં આ તીર્થો નિમિત્ત બને અને આવી વિશુદ્ધ ભાવનાથી ભવ્ય જીવો ભવસાગર તરી જાય. આમ આ તીર્થો ભવસાગરતારક પણ છે. આવા તીર્થોની વિધિપૂર્વક યાત્રા કરવી જોઈએ.