________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
વિશેષાર્થ :- અતિથિ કોને કહેવો ? આ અંગે કહ્યું છે કે “જે મહાત્માએ તિથિ, પર્વ, ઉત્સવ વગેરે સર્વનો ત્યાગ કરેલો હોય તે અતિથિ કહેવાય છે. બાકીના મહાત્માઓ અભ્યાગત કહેવાય છે.”
૯૦
‘સમ્' એટલે આધાકર્માદિ બેંતાલીશ દોષથી રહિત, ‘વિ’ એટલે વિશિષ્ટ, ‘ભાગ’ એટલે ફરીથી રાંધવું ન પડે વગેરે દોષથી દૂર રહીને અન્નનો અંશ. આમ આધાકર્માદિ બેંતાલીશ દોષ વિનાનો પોતાના ભોજનમાંથી જે ભાગ અતિથિને આપવામાં આવે તે અતિથિ સંવિભાગ કહેવાય છે. શ્રી આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં અતિથિ સંવિભાગ વ્રતની વિધિ બતાવવામાં આવી છે. તે આ પ્રમાણે : “સમાચારી શ્રાવકે તો નિયમા પોષહ પારી સાધુને અન્નદાન આપીને પછી પચ્ચક્ખાણ પારવું. બીજાઓ માટે એવો નિયમ નીં. તેથી તે દાન આપીને પચ્ચક્ખાણ પારે અથવા પચ્ચક્ખાણ પારીને દાન આપે.”
ભોજનનો સમય થાય ત્યારે શ્રાવક ઉપાશ્રયે જઈને સાધુ ભગવંતને ભક્તિપૂર્વક ગોચરી માટે પ્રાર્થના કરવી જોઈએ. તેમને આદરપૂર્વક પોતાના ઘરે લઈ આવવા જોઈએ અને સ્પર્ધા, મહત્તા, મત્સર, સ્નેહ, લજ્જા, ભય, દાક્ષિણ્ય, પ્રત્યુપકારની ઈચ્છા, માયા, વિલંબ, અનાદર વગેરે દોષોથી વર્જિત એવું દાન વિનયપૂર્વક આપવું જોઈએ. આ દાન આપતા સમયે પોતાના આત્માને તારવાના જ વિચાર કરવા જોઈએ. આ દાન પોતાના હાથે પણ આપી શકાય અને બાજુમાં ઊભા રહી પોતાના આપ્તજન કે સ્વજન દ્વારા પણ આપી શકાય. હવે જો કોઈ સાધુ સ્વેચ્છાએ પોતાના આંગણે પધાર્યા હોય તો તેમનું વિનયપૂર્વક સ્વાગત કરવું જોઈએ. તેમને આવતાં જોઈ સામા તેડવા જવું જોઈએ અને પછી દોષ રહિત દાન દેવું જોઈએ. આ પ્રમાણે દાન આપ્યા બાદ સાધુને વંદના કરી તેમને અમુક અંતર સુધી વળાવવા જવું જોઈએ.
સાધુનો અભાવ હોય મતલબ કે પોતાના ગામમાં તે સમયે કોઈ સાધુની ઉપસ્થિતિ ન હોય તો અકસ્માતે, શુભયોગે કોઈ સાધુનું આગમન થાય તો અંબિકા શ્રાવિકાની જેમ આનંદ અને ઉલ્લાસથી દાન આપવું.
અંબિકા શ્રાવિકાની કથા
ગિરનાર પર્વતની નજદીકનું એક શહેર. તેમાં દેવભટ્ટ નામે એક બ્રાહ્મણ રહે. આ બ્રાહ્મણને દેવીલા નામે પત્ની હતી. તેમને સોમભટ્ટ નામે એક પુત્ર હતો. પુત્ર બ્રાહ્મણ હતો અને પુત્રવધૂ શ્રાવિકા હતી. તેનું નામ અંબિકા. તેને સિદ્ધ અને બુદ્ધ નામે બે પુત્રો હતાં.
અંબિકાના સ્વભાવમાં દાનનો ગુણ વણાયેલો હતો. એ શ્રાદ્ધનો દિવસ હતો. અંબિકાએ તે દિવસે અણધાર્યા જ એક સાધુને દૂરથી આવતા જોયાં. એ સાધુ માસક્ષમણના તપસ્વી હતાં. દેહમાં તેમને જરાપણ આસક્તિ ન હતી. દેહ કૃશ હતો અને વસ્ત્રો મલિન હતાં.
સાધુને ઘણાં સમયે જોઈ અંબિકા શ્રાવિકાનો આત્મા હરખાઈ ઉઠ્યો. તે સાધુની સામે ગઈ અને વિનયપૂર્વક તેમને પોતાને ત્યાં તેડી લાવી અને આત્માના ઉલ્લાસ વડે તેમને ગોચરી વહોરાવી.