________________
૧૨૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
એ જ સમયે પેલો દેવ પ્રકટ થયો અને બોલ્યો : “હે બંધુ! સિદ્ધાર્થ નામનો તમારો મિત્ર છું. અંધ મોહથી તમને દૂર કરવા માટે મેં જ આ બધી માયા રચી હતી. તમને સત્ય જણાયું એથી પ્રકટ થયો છું.” અને પછી જરાકુમારના ભ્રમથી કૃષ્ણનું કઈ રીતે મૃત્યુ થયું તેની બધી માંડીને વાત કરી. એ જાણી બળભદ્ર કૃષ્ણના મૃતદેહને ખભા ઉપરથી ઉતારીને જમીન ઉપર મૂક્યો અને તેનો અગ્નિસંસ્કાર કર્યો.
બળભદ્રના અજ્ઞાનનો અંધકાર દૂર થયેલો જોઈ અને જાણીને તેમને પ્રતિબોધ પમાડવા ભગવાન શ્રી નેમિનાથે એક ચારણ મુનિને તેમની પાસે મોકલ્યાં. મુનિની વાણીથી પ્રેરણા પામી બળભદ્રે દીક્ષા અંગીકાર કરી અને તુંગીકા પર્વત ઉપર જઈને તપ અને ધ્યાન ધરવા લાગ્યાં.
એ સમયની એક વાત છે. મુનિ બળભદ્ર માસક્ષમણને પારણે એક નગરમાં ગોચરી માટે જઈ રહ્યા હતાં. નગર બહાર એક કૂવો હતો. કૂવા ઉપર સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. એક સ્ત્રી બાળકને લઈ પાણી ભરી રહી હતી.
આ સ્ત્રીની નજર મુનિ બળભદ્રમુનિ ઉપર પડી. તેનું યૌવન મુનિના સૌષ્ઠવ અને રૂપને જોઈ ઝણઝણી ઉડ્યું. તેની આંખોમાં વિકારોના સાપોલીયા સળવળી ઉઠ્યાં. એકીટશે તે મુનિ બળભદ્રના રૂપ અને યૌવનને જોઈ રહી.
ત્યાં મુનિ બળભદ્રની નજર તેના ઉપર પડી. જોયું તો એ મોહાંધ નારી ઘડાને ફાંસો બાંધવાને બદલે તેના બાળકને ગળે ફાંસો બાંધી રહી હતી. મુનિથી આ કેમ સહન થાય? તેમણે તુરત જ એ સ્ત્રીને સાવધ કરી.
એ પ્રસંગથી મુનિ બળભદ્રનું અંતર ઘૂંજી ઉઠ્યું. “અરેરે મારા રૂપના પાપે આવો અનર્થ ? ધિક્કાર છે મારા આ રૂપ અને દેહસૌષ્ઠવને !” એમ વિચારી તેમણે નક્કી કર્યું કે કદી નગરમાં ગોચરી માટે જવું નહિ. વનમાં આવતાં કઠિયારાઓ પાસેથી જ ગોચરી વ્હોરવી.
વનમાં તપ કરતાં મુનિની કીર્તિ નગરમાં પણ પ્રસરી. આ પ્રશંસા રાજાના કાને પણ પહોંચી. રાજાએ વિચાર્યું: “આ કોઈ સાધુ તપ કરીને તેના બળથી મારું રાજય લઈ લેવાનો ઈરાદો રાખતો હોવો જોઈએ.” એમ વિચારીને રાજાએ મુનિને મારી નાંખવા કેટલાક મારાઓ મોકલ્યાં.
મુનિ બળભદ્રની વૈયાવચ્ચ કરતાં પેલા દેવમિત્રને આની ખબર પડી. આથી તેણે હજારો સિંહ વિદુર્ગા. એ સિંહથી ભય પામી રાજાના મારાઓ ભાગી ગયાં. આ પ્રસંગથી મુનિનું નામ નૃસિંહ પડ્યું.
નૃસિંહ મુનિની દેશના સાંભળવા પશુ-પંખીઓ પણ આવતાં. અનેક જંગલી પશુઓ તેમની ધર્મવાણી સાંભળી અહિંસક જીવન જીવવા લાગ્યાં. આમાં એક મૃગ પણ હતો. મુનિના પૂર્વભવનો તે મિત્ર હતો. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું.