________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૧ ૨૫ દ્વૈપાયને પ્રગટ થઈ કહ્યું: “હે રામ-કૃષ્ણ ! તમે વ્યર્થ પ્રયત્ન શા માટે કરો છો? તમે રથ નહિ હંકારી શકો. મેં તમને બંનેને વચન આપ્યું હતું કે તમને બંનેને હું જીવતા રાખીશ. બાકી બીજા કોઈને નહિ છોડું.”
ત્યાં જ દરવાજો રથ ઉપર તૂટી પડ્યો અને તેમાં બેઠેલા રોહિણી, દેવકી અને વસુદેવ મરણ પામ્યાં. તે સમયે તેઓ શુભ ધ્યાન ધરતા હોવાથી દેવગતિને પામ્યાં.
કૃષ્ણ અને બલરામ સળગતી દ્વારિકાને છોડી ચાલી નીકળ્યાં. એક પર્વત ઉપર તેઓ ગયાં. ત્યાં તેમણે છ છ માસ સુધી સળગતી દ્વારિકાને જોઈ. ત્યાંથી તે બંને હસ્તિનાપુર જવા નીકળ્યાં. ચાલતાં ચાલતાં તેઓ કૌશાંબી નગરીના વનમાં આવ્યાં. વનમાં એક વડના ઝાડ નીચે બન્ને બેઠાં. કૃષ્ણને તરસ લાગી હતી. બલરામે કહ્યું : “તમે બેસો ને આરામ કરો. હું હમણાં પાણી લઈને આવું છું.”
- બલરામ પાણી લેવા ગયાં. અહીં કૃષ્ણ પીતાંબર ઓઢીને ઢીંચણ ઉપર વામ પગ મૂકીને ઝાડ નીચે સૂઈ ગયાં. એ સમયે પેલો જરાકુમાર ફરતો ફરતો આ જંગલમાં આવી ચડ્યો. તેણે દૂરથી જોયું કે ઝાડ નીચે કોઈ હરણ સૂતું છે. તુરત જ તેણે બાણ છોડ્યું. બાણ સરરર કરતું નામ પગમાં ઘૂસી ગયું. તીર વાગતાં જ કૃષ્ણ ચીસ પાડીને ઊભા થઈ ગયા : “કયા દુષ્ટ આ બાણ છોડ્યું ?” તે બોલી ઉઠ્યાં.
જરાકુમારનો ભ્રમ ભાંગ્યો. પોતાના હાથે ભાઈને કષ્ટ થયું તે જાણી તેના પસ્તાવાનો પાર ન રહ્યો. ભાઈ કૃષ્ણ પાસે જઈ તેણે ક્ષમા માંગી અને પોતાના કૃત્યને ધિક્કારવા લાગ્યો.
કૃષ્ણ કહ્યું : “ભાઈ જરાકુમાર ! રડ નહિ, તારા આત્માને હવે વધુ ને ધિક્કારીશ. જે થવાનું હતું તે જ થયું છે. ભગવાને આ થવાનું કહ્યું જ હતું. હવે તું મારું આ કૌસ્તુભ રત્ન લઈ હસ્તિનાપુર જા અને તેમને દ્વારિકાદાહની વાત કરજે અને તું હમણાં જ અહીંથી દોડ. નહિ તો બલરામ આવશે અને એ જાણશે કે તેં મને તીર માર્યું છે તો એ ભ્રાતૃપ્રેમથી ગુસ્સામાં આવી કદાચ તારી હત્યા કરી નાંખશે. માટે જરાય વિલંબ કર્યા વિના દોડ.” અને જરાકુમાર તુરત જ ત્યાંથી રડતી આંખે ચાલ્યો ગયો.
જરકુમાર ગયા બાદ કૃષ્ણ પોતાની વેદનાને સમતાભાવે વિચારવા લાગ્યાં : “આ મને વેદના નથી થતી, આ તીર મને નથી લાગ્યું. મારા દેહને તે વાગ્યું છે. આથી તેને પીડા થાય છે. મારી આ વેદના ગજસુકુમાલની વેદનાની સરખામણીમાં કંઈ જ નથી. તેમને ધન્ય છે કે અંગારાને ફૂલની જેમ વધાવ્યાં !”
આ શુભ ભાવના હજી તેની ચરમ સીમાએ પહોંચે ત્યાં જ અંતિમ સમયે આ ભાવનાએ પડખું બદલ્યું. વેદના અસહ્ય બનતાં કૃષ્ણને વિચાર આવ્યો : “અરેરે ! મારી સુંદર નગરી દ્વારિકાનો તાપસે સાચે જ વિનાશ કર્યો. એ જો હવે મને અત્યારે મળી જાય તો તેને મારીને મારો શ્વાસ છોડું.”