________________
arom
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ છ દિશાએ જવા-આવવાનું પરિમાણ કરવું એ વ્યવહારથી છઠું વ્રત છે અને નારકાદિ ગતિરૂપ કર્મના ગુણને જાણી તે પ્રત્યે ઉદાસીનતા રાખવી અને સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપાદેય ભાવ રાખવો એ નિશ્ચયથી છઠું વ્રત છે.
અગાઉ કહ્યા પ્રમાણે ભોગપભોગ વ્રતમાં સર્વભોગ્ય વસ્તુનું પરિમાણ કરવું એ વ્યવહારથી સાતમું વ્રત છે. વ્યવહારનયને મતે કર્મનો કર્તા અને ભોક્તા જીવ જ છે. નિશ્ચયનયને મતે કર્મનું કર્તાપણું કર્મને જ છે. કારણ કે મન, વચન અને કાયાના યોગ જ કર્મના કર્તા છે. તેમ ભોક્તાપણું પણ યોગમાં જ રહેલું છે. અજ્ઞાનથી જીવનો ઉપયોગ મિથ્યાત્વાદિ કર્મ ગ્રહણ કરવાના સાધનમાં જોવા મળે છે. પરમાર્થવૃત્તિએ તો જીવ કર્મના પુદ્ગલોથી ભિન્ન જ છે અને જ્ઞાનાદિ ગુણોનો કર્તા અને ભોક્તા છે. પુદ્ગલો જડ, ચળ અને તુચ્છ છે બીજું જગતના અનેક જીવોએ પુદ્ગલોને ભોગવી-ભોગવીને એંઠવાડની જેમ મૂકી દીધાં છે, તેથી તેવા પુદ્ગલોનો ભોગોપભોગ કરવો તે આત્માનો ધર્મ નથી. આ પ્રમાણે ચિંતન અને મનન કરવું તે નિશ્ચયથી સાતમું વ્રત છે.
પ્રયોજન વિનાના પાપકારી આરંભથી વિરામ પામવું તે વ્યવહારનયથી આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ બધાના ૫૭ ઉત્તરભેદ કર્મબંધના હેતુ છે અને તેથી કર્મબંધ થાય છે. આ બધાને આત્મીયભાવે જાણી તેનું નિવારણ કરવું તે નિશ્ચયથી અનર્થદંડ વિરમણ વ્રત છે.
આરંભના કાર્ય છોડી સામાયિક કરવું તે વ્યવહારથી નવમું સામાયિક વ્રત છે અને જ્ઞાનાદિ મૂળ સત્તા ધર્મ વડે સર્વ જીવોને સરખા જાણી સર્વેને વિષે સમતાભાવ રાખવો તે નિશ્ચયથી નવમું સામાયિક વ્રત છે. * નિયમિત ક્ષેત્રમાં સ્થિતિ કરવી તે વ્યવહારથી દસમું દેશાવકાશિક વ્રત છે અને શ્રુતજ્ઞાન વડે પદ્રવ્યનું સ્વરૂપ ઓળખી પાંચ દ્રવ્યમાં ત્યાજ્ય બુદ્ધિ રાખી જ્ઞાનમય આત્માનું આરાધન કરવું તે નિશ્ચયનયથી દસમું દેશાવકાશિક વ્રત છે.
અહોરાત્ર સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરી સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થવું-ધ્યાન ધરવું તે વ્યવહારથી અગિયારમું પૌષધ વ્રત છે અને આત્માના સ્વગુણનું જ્ઞાનધ્યાનાદિ વડે પોષણ કરવું તે નિશ્ચયથી ૧૧મું પૌષધ વ્રત છે.
પૌષધના પારણે અથવા હંમેશા સાધુ અને શ્રાવકોને અતિથિસંવિભાગ કરી ભોજન કરવું તે વ્યવહારથી બારમું અતિથિસંવિભાગ વ્રત છે અને આત્માને તેમજ બીજાને જ્ઞાનાદિકનું દાન કરવું, પઠન-પાઠન, શ્રવણ અને શ્રાવણ કરાવવું તે નિશ્ચયથી બારમું અતિથિ સંવિભાગ વ્રત છે.
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારથી બાર વ્રતની આરાધના કરનારા, પાંચમે ગુણસ્થાનકે રહેલા શ્રાવકોને મોક્ષનું ફળ મળે છે. નિશ્ચય વિના એકલા વ્યવહારથી આરાધેલા બાર વ્રતથી સ્વર્ગનું સુખ મળે છે. વ્યવહારથી મોક્ષ મળતો નથી. કારણ કે વ્યવહાર ચારિત્ર અને સાધુ-શ્રાવકના વ્રત તો અભવ્ય પ્રાણીઓને પણ પ્રાપ્ત થાય છે. તેથી કર્મની નિર્જરા થતી નથી. આથી નિશ્ચયનયથી અને વ્યવહારનયથી બારેય વ્રતોની આરાધના કરવી જોઈએ. આ સંબંધમાં કહ્યું છે કે :