________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૪૧
રત્નચૂડે બધી માંડીને વાત કરી. રસ્તામાં જે જે લોકો મળ્યા અને તેમની સાથે જે પ્રસંગ બન્યા તેની વિગતો કહી, એ સાંભળી રણથંટાએ કહ્યું : “પ્રિય ! આ ધૂર્ત નગરી છે. અહીં બધા ઠગારા વસે છે. કોઈ અજાણ્યો અહીં આવી પડે છે તો આ ઠગ લોકો તેને બધી રીતે લૂંટી લે છે અને પછી એ લૂંટના માલના ભાગ પડે છે. તેમાંથી એક ભાગ રાજાને, બીજો ભાગ મંત્રીને, ત્રીજો ભાગ નગરશેઠને, ચોથો કોટવાલને, પાંચમો પુરોહિતને અને છઠ્ઠો મારી માતા યમઘંટાને આપે છે. આમ અહીં બધા લૂંટારા જ વસે છે ત્યાં હું તમારું કામ શી રીતે કરી શકીશ ?'
પછી થોડીવાર વિચાર કરીને કહ્યું : “હા એક કામ થઈ શકે તેમ છે. મારી માતા પાસે હું તમને લઈ જઇશ. સાંજે પેલા ઠગારા મારી માતાની પાસે આવશે. સૌ બધા પોતાના સાહસની વાત ક૨શે. એ સમયે મારી માતા તેમને જરૂરથી કંઈક વાત કહેશે. તે તમે સાંભળજો. કદાચ તે સાંભળીને તમારી ચિંતાનો ઉકેલ મળી જશે.'
રણથંટાએ રત્નચૂડને સ્રીનો વેષ પહેરાવ્યો અને યમઘંટાને ગંધ ન આવે તેવી રીતે તેની સજાવટ કરી તેને જોઈ યમઘંટાએ પૂછ્યું : “વત્સે ! આ કોની પુત્રી છે ?” રણથંટાએ કહ્યું : “માતા ! શ્રીદત્ત શ્રેષ્ઠિની પુત્રી રૂપવતી છે.
થોડીવારમાં યમઘંટાને મળવા પેલા વેપારીઓ આવ્યાં. તેમની વાત સાંભળીને યમઘંટાએ કહ્યું : “તમે કરિયાણું ભલે લઈ લીધું પણ તમે તમારી શરતમાં ફાવશો નહિ.”
“કેમ નહિ ફાવીએ ?” ચારે જણ એકી સાથે બોલી ઉઠ્યાં.
“એ તમને એમ કહેશે કે મારા વહાણ તમે મચ્છરના હાડકાંથી ભરી આપો તો તમે તે કેવી રીતે ભરી શકશો ? અને તમે નહિ ભરી શકો એટલે લીધેલું બધું જ કરિયાણું પાછું આપી દેવું પડશે.” યમઘંટાએ ખુલાસો કર્યો.
“ના. ના. એવું કહેવા જેવી તેનામાં બુદ્ધિ નથી. હજી તો તે સાવ બાળક જેવો જણાય છે.” ચારેય એક સાથે દલીલ કરી અને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયાં.
ત્યારપછી પેલો કારીગર આવ્યો. યમઘંટાએ કહ્યું : “શ્રેષ્ઠિએ તને ખુશ કરવાનું કહ્યું છે, કેમ બરાબરને ?”
કારીગરે હામાં ડોકું ધુણાવ્યું એટલે યમઘંટાએ કહ્યું : “એ શ્રેષ્ઠિપુત્ર તને કહેશે કે રાજાને ત્યાં પુત્ર જન્મ થાય તો તું ખુશ થાય કે નહિ તો તું શું કહીશ ?” કારીગર તો આ પ્રશ્ન સાંભળી ઠંડો જ પડી ગયો અને બીજી દલીલ કર્યા વિના જ ત્યાંથી ગુપચુપ ચાલ્યો ગયો.
થોડીવાર થઈ હશે ત્યાં પેલો કાણિયો આવ્યો તેની વાત સાંભળી યમઘંટાએ કહ્યું : “આજે તું બરાબર છેતરાઈ ગયો છે. હવે તને તારું દ્રવ્ય પાછું મળી રહ્યું.”
“કેમ એમ કહો છો ?” કાણિયાએ ચિંતાથી પૂછ્યું.