________________
૧૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
યમઘંટાએ તુરત જ ખુલાસો કર્યો : “કોઈ બીજાની આંખ આપશે તો તું શી રીતે સાબિત કરીશ કે એ આંખ મારી નથી ?”
“હું એને કહીશ કે આ મારી આંખ નથી?” કાણિયાએ કહ્યું.
“તો એ તને કહેશે કે મારા પિતાને ત્યાં તે જે આંખ મૂકી છે તેની બીજી જડની આંખ તું મને આપ. એ બેનો તોલ કરી આપીશ. જો સહેજ પણ વજન ઓછું થાય તો તારે આ આંખ લેવાની નહીં. પછી છે કંઈ? આ સાંભળી કાણિયાની એક આંખ રડી ઊઠી. - સ્ત્રીવેષમાં રત્નચૂડ આ બધું સાંભળી રહ્યો હતો. ત્યાં પેલા ચાર વાતોડિયા ઠગારા આવ્યાં. તેમને સાંભળી યમઘંટા તાડૂકી : “બેવકૂફ છો બધાં. આવી તે મૂર્ખામી કરાતી હશે?”
“અમે શી મૂર્ખામી કરી ?” બધા બોલી ઉઠ્યાં,
“એ તમને એમ કહે કે સમુદ્રમાં જળનું પ્રમાણ હું જરૂર માપી આપું પણ પહેલાં તમે એ સમુદ્રમાં ભળતાં નદીના જળને જુદા કરી આપો, તો તમે શું એ જળ જુદાં કરી શકશો?”
એ સાંભળી ચારેયના મોં જોવા જેવા થઈ ગયાં.
રાત પડતાં રણઘંટા રત્નચૂડને પોતાના ખંડમાં લઈ આવી. તેણે સ્ત્રીવેષ ઉતારી નાખ્યો અને તેને ત્યાંથી છૂટો પડી તે પોતાને ઉતારે આવ્યો.
બીજા દિવસે સવારે પેલા વેપારીઓ પાસેથી પોતાનું કરિયાણું પાછું માંગ્યું. તેઓ શરત ન પૂરી કરી શક્યાં. રત્નચૂડે તેમને મચ્છરનાં હાડકાંથી વહાણ ભરી આપવા કહ્યું. સમુદ્રના જળનું પ્રમાણ માંગતા વેપારીઓને નદીના જળ જુદા કરી આપવાનું કહ્યું. તે તેમ ન કરી શક્યાં. આથી એ બંને પાસેથી રત્નચૂડે ચાર લાખનું દ્રવ્ય લીધું.
આ વાત રાજાએ જાણી તો તે દંગ થઈ ગયો. આવું તો ક્યારેય નહોતું બન્યું જે આ નગરમાં આવ્યું તે લૂંટાઈને ગયું હતું અને આ રત્નચૂડ તો લૂંટી જાય છે. રાજાએ તેને દરબારમાં બોલાવ્યો. સન્માન્યો કહ્યું : “શ્રેષ્ઠિપુત્ર ! તમારી બુદ્ધિથી હું ખુશ થયો છું. માંગો જે માંગશો તે આપીશ.” અને રત્નચૂડે રણઘંટા વેશ્યાને માંગી.
આમ અનીતિપુરમાં સ્ત્રી અને દ્રવ્યને મેળવી રત્નચૂડ પોતાના વતન તામ્રલિપ્તિમાં પાછો ફર્યો. પિતાએ તેની સાહસ કથા સાંભળી તેનો વાંસો થાબડ્યો.
રત્નચૂડની પરાક્રમ ગાથા સૌભાગ્યમંજરીએ પણ સાંભળી. તે પોતે રત્નચૂડને મળવા તેના મહેલે ગઈ. તેને જોઈ રત્નચૂડે ઊભા થઈ તેનું ઉચિત સ્વાગત કર્યું અને કહ્યું: “મંજરી ! આ સિદ્ધિનો જશ તને જાય છે. તે દિવસે તેં મને ન ટકોર્યો હોત તો આ હું ન પામી શકત.”
રચૂડની નિખાલસતાથી સૌભાગ્યમંજરી તેના પર વારી ગઈ. રાજાની આજ્ઞા મેળવી તેણે રત્નચૂડ સાથે લગ્ન કર્યાં.