________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૩૯ જે સ્ત્રીઓમાં લુબ્ધ થાય તેમ ન હોય અને બોલવામાં જે પ્રવીણ હોય તે દેશાંતરમાં જઈ શકે છે અને પુત્ર ! આ બધું મેં તારા માટે જ તો ભેગું કર્યું છે. આથી તારે દેશાંતર જવાની કોઈ જરૂર નથી.”
પરંતુ રત્નચૂડે પિતાની વાત ન માની. તેણે દેશાંતર જવાની જીદ પકડી જ રાખી. આથી પિતા રત્નાકરે તેને પ્રેમથી દેશાંતર જવા માટે સંમતિ આપી. રત્નચૂડે દેશાંતર જવા માટે કરિયાણાં ભરેલા વહાણ તૈયાર કરાવ્યાં. વિદાય થતાં પહેલાં પિતાએ પુત્રને શિખામણ આપી :
“રત્નચૂડ ! દેશાંતરમાં બધા જ સ્થળે જજે પણ અન્યાયનગર (અનીતિપુર)માં જઈશ નહિ. કારણ તે નગરનો રાજા અન્યાયપ્રિય છે. તેને અવિચારી નામે મંત્રી છે. ગૃહીતભક્ષક નામે શેઠ રહે છે, યમઘંટા નામે વેશ્યા છે અને બીજા જુગારી, ચોર, વ્યભિચારી વગેરે અનેક ઠગ લોકોથી આ નગર ભરેલું છે. અજાણ્યા માણસોને આ બધા લોકો લૂંટી લઈ તેને બેહાલ બનાવી દે છે. માટે તું આ નગરમાં ક્યારેય જતો નહિ.” પિતાની શિખામણને ધ્યાનથી બરાબર સમજી લઈ રત્નચૂડે સમુદ્રયાત્રા શરૂ કરી. રત્નચૂડ ઘણાં ગામ, નગર ફર્યો. અનેક દ્વીપ જોયાં. ભવિતવ્યતાના યોગે ફરતો ફરતો તે એક દિવસ અનીતિનગરને કાંઠે આવી પહોંચ્યો. કોઈને તેણે પૂછ્યું : “ભાઈ ! આ કયો દ્વીપ છે?”
“ભદ્ર ! આ ચિત્રકૂટ દ્વીપ છે અને આ અનીતિપુર નામનું નગર છે.”
પેલા પુરુષ પાસેથી અનીતિપુરનું નામ સાંભળીને રત્નચૂડને પિતાની શિખામણ સાંભરી આવી, પણ હવે શું થાય? પિતાએ નિષેધ કરેલ ગામમાં તે આવી ગયો હતો. મનમાં તે બબડ્યો : “આ ઠીક ન થયું પણ આવી જ ચડ્યો છું તો મને લાગે છે કે તેમાં પણ કંઈ સારું થવાનું હશે.”
રત્નચૂડે પછી ખૂબ જ સાવધતાથી દરિયાકાંઠે પોતાનો ઉતારો કર્યો. દરિયા કિનારે કોઈ અજાણ્યો વેપારી આવ્યો છે એ સમાચાર જોતજોતામાં આખા નગરમાં પ્રસરી ગયાં. થોડીવાર બાદ ચાર વેપારીઓ રત્નચૂડ પાસે આવ્યાં. ખૂબ જ વિવેકથી તેમણે ખબરઅંતર પૂછી અને પછી કહ્યું : “અમે તમારું સ્વાગત કરીએ છીએ અને તમારું બધું કરિયાણું લઈ લેશું અને તમે સ્વદેશ પાછા ફરવા ઈચ્છશો ત્યારે તમે કહેશો તે વસ્તુથી તમારા વહાણ ભરી આપીશું.”
રત્નચૂડે તેમની વાત માની લીધી અને બધું કરિયાણું પેલા વેપારીઓને આપી દીધું. ઠગ વેપારીઓ હસતા-હસતા નગરમાં આવ્યાં.
હવે રત્નચૂડ બનીઠનીને અનીતિપુર જોવા નીકળ્યો. રસ્તામાં કોઈ એક કારીગરે તેને સોનારૂપાથી સુશોભિત એવા બે ઉપાન ભેટ ધર્યા. તે લઈ રત્નચૂડે કારીગરને કહ્યું. “તારી ભેટ માટે આભાર ! અહીંથી જતાં પહેલા હું તને જરૂર ખુશ કરીશ.”
રત્નચૂડ થોડુંક ચાલ્યો હશે ત્યાં તેને એક કાણિયો મળ્યો. તેણે કહ્યું: “હે ભદ્ર ! તારા પિતાને ત્યાં મેં મારી આંખ ગીરવે મૂકી છે. તે આંખ તારી પાસેથી લઈશ. અત્યારે તું તેનું આ દ્રવ્ય લઈ લે.”