________________
૧૨૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ અને આ અશુભ ભાવના-આર્તધ્યાનમાં કૃષ્ણ પોતાના પ્રાણ છોડ્યાં. છોડીને ત્રીજી નરકે ગયાં.
ત્યાં થોડીવારમાં બળભદ્ર કમળના પાંદડાના પડીયામાં પાણી લઈને આવ્યા ત્યારે કૃષ્ણના મોઢા ઉપર પીતાંબર ઓઢેલું હતું. તે ઊંધે છે એમ જાણી બળભદ્ર તેમને કહ્યું - “ભાઈ ! ઊઠો. જુઓ હું ઠંડુ પાણી લઈ આવ્યો છું.” બળભદ્ર બે-ત્રણ વાર કૃષ્ણને બૂમ મારી. ન જાગ્યાં. આથી બળભદ્રને કંઈક ચિંતા થઈ. તેણે તુરત જ પીતાંબર કાઢી લીધું. પીતાંબર હટતાં જ કૃષ્ણનું ખરું અંતિમ સ્વરૂપ જોવા મળ્યું. વામ ચરણ વીંધાઈ ગયો હતો અને કૃષ્ણનું શરીર નિશ્રેષ્ટ હતું. બળબદ્રનું હૈયું તે જોઈ ધ્રુજી ઉઠડ્યું. “ના, ના. આવું કદી ન બને. ન બને. કૃષ્ણ ! કૃષ્ણ! મારા ભાઈ ! તમે ઉઠો. બોલો. કહો કે હું જે જોઉં છું તે સત્ય નથી. ભ્રમ છે. બંધુ! બંધુ!” બળભદ્રનું હૈયું ફાટી ગયું. આંખમાંથી અનરાધાર આંસુ પડવા લાગ્યાં.
ગ્રંથો કહે છે કે કૃષ્ણના શોકમાં બળભદ્ર કૃષ્ણના મૃતદેહને લઈને છ છ માસ સુધી ઠેર ઠેર ફરતા રહ્યાં.
એ અરસામાં બળભદ્રનો દેવ મિત્ર સિદ્ધાર્થ તેમને બોધ પમાડવા રૂપ બદલીને ધરતી પર આવ્યો.
કૃષ્ણના મૃતદેહને લઈને રડતી આંખે બળભદ્ર એક રસ્તેથી પસાર થઈ રહ્યા હતાં ત્યાં તેમણે એક ખેડૂતને જોયો. એ ખેડૂત એક ખડક ઉપર કમળનાં બીજ વાવતો હતો. તે જોઈ બળભદ્ર તેને ઠપકો આપતાં કહ્યું : “અરે મૂર્ખ ! પથ્થર ઉપર કંઈ કમળ ઉગતાં હશે?”
ખેડૂતે કહ્યું: “ભાઈ ! એ પણ ઉગશે, જે દિવસે તારા આ ખભા પરનું શબ જીવતું થશે તે દિવસે આ પથ્થર ઉપર કમળ પણ ખીલશે.”
ખેડૂતનો જવાબ હૈયા સોંસરો ઉતરી જાય તેવો હતો પરંતુ બળભદ્ર ત્યારે કશું વિચારવાના મિજાજમાં ન હતાં. ભાઈના વિયોગથી તે ભરપૂર વિષાદમાં ડૂબેલા હતાં. ખેડૂતના જવાબની ઉપેક્ષા કરી તે આગળ ગયાં.
ત્યાં આગળ રસ્તામાં તેમણે એક માણસને બળી ગયેલા ઝાડને પાણી પાતો જોયો. બળભદ્ર તેને કહ્યું - “અરે બેવકૂફ ! બળી ગયેલા ઝાડને પાણી પીવાથી શું તે કદી નવપલ્લવિત થઈ શકવાનું છે?”
પેલા માણસે જવાબ આપ્યો: “તમારા ખભા ઉપરનું શબ જીવતું થવાનું હોય તો શા માટે બળેલું ઝાડ નવપલ્લવિત નહિ થાય?”
બળભદ્રને આ જવાબ સ્પર્શી ગયો. ભાઈનો મોહ એકદમ ઓગળી ગયો. બુદ્ધિ આડેનો પડદો ખસી ગયો. તેમને પ્રતીતિ થઈ કે મારો બંધુ જરૂર મૃત્યુ પામ્યો છે.