________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૨૯
સુજાત શેઠની કથા
ધર્મધોષ ચંપાનગરીનો મંત્રી હતો. તેની પત્નીઓ આ નગરીના નગરશેઠ સુજાતશ્રેષ્ઠિના રૂપમાં આસક્ત હતી. શ્રેષ્ઠિના મોહમાં મંત્રીની પત્નીઓ મશગુલ હતી. પોતાના મનના વિકારોની તૃપ્તિ માટે એક પત્નીએ સુજાત શેઠનો સ્વાંગ સજ્યો અને એ સ્વાંગમાં રહીને દાસીઓ સાથે તે મોજ-મઝા કરવા લાગી.
મંત્રી ધર્મઘોષના જાણવામાં આ આવ્યું. પરંતુ તેને પૂરા સત્યની ખબર ન હતી. તે તો એમ જ સમજતો હતો કે સુજાત શેઠ મારે ત્યાં આવીને દાસીઓ સાથે ભોગ ભોગવે છે.
મંત્રીએ શેઠનું વૈર વાળવા નિર્ણય કર્યો. શેઠના નામે તેણે એક કાગળ લખ્યો. “વિક્રમ રાજાને સંબોધીને આ પત્ર લખ્યો. તેમાં રાજા વિક્રમને લખ્યું : મારી વિનંતીને માન્ય રાખી તમે અહીં સત્વરે ચાલ્યા આવો. હું મારા રાજાને ગમે તેમ મારી નંખાવીને તમને રાજ્ય અપાવીશ.”
આવો ગુપ્ત લેખ પોતાને મળ્યો છે એવી તેણે રાજા સમક્ષ રજુઆત કરી. રાજા તે વાંચીને ગુસ્સે થઈ ગયો પણ તેણે કળથી કામ લીધું. રાજાને કંઈક બહાનું કાઢીને સુજાત શેઠને રાજા ચંદ્રધ્વજ પાસે મોકલ્યો. સાથે તેમને આપવા એક બંધ પત્ર પણ આપ્યો. પત્ર વાંચી ચંદ્રધ્વજ વિચારમાં પડી ગયો. શેઠને તે સારી રીતે ઓળખતો હતો. શેઠની પ્રમાણિકતા અને નિઃસ્પૃહતા જોઈ રાજા ચંદ્રધ્વજે તેને મારી નાંખવાને બદલે પોતાની પુત્રી પરણાવી.
નવોઢા મુગ્ધા સ્રીના ઉપભોગથી વૃદ્ધ શેઠ રોગી થઈ ગયો. શેઠને રોગી જોઈ નવોઢા આત્મનિંદા કરવા લાગી. તે જોઈ શેઠે કહ્યું : “દેવી ! શું કરવા ઓછું લાવો છો ? રોગ અને નિરોગ એ તો કર્મના પરિણામ છે. બધી કર્મની જ માયા છે. આથી તમારે ક્ષોભ પામવો ન જોઈએ.” શેઠની ધર્મવાતોથી નવોઢા પ્રતિબોધ પામી. તેણે દીક્ષા લીધી અને અનશનથી મૃત્યુ પામીને દેવી થઈ.
એ દેવી આ સમયે પ્રકટ થઈ અને સુજાત શેઠને કહ્યું : “હે શેઠ ! તમારી ધર્મ વાતો સાંભળીને હું આજે દેવગતિ પામી છું. તમારો મારા ઉપર અનહદ ઉપકાર છે. આથી મારા યોગ્ય કામ-સેવા હોય તો કહો.’’
શેઠ કહ્યું : “તમને દેવગતિ મળી તે જાણી આનંદ થયો. તમે કામ-સેવા માંગો છો તો મારું આ કલંક દૂર કરો.”
દેવીએ તુરત જ શેઠને વિમાનમાં બેસાડીને ચંપાવતી રાજાના ઉદ્યાનમાં ઉતાર્યા. પછી રાજાને શેઠ પાસે બોલાવ્યો. દેવીએ રાજાને બધી હકીકત જણાવી. જાણીને રાજા શેઠને નમ્યો અને ક્ષમા માંગી. પછી તેણે ધર્મઘોષ મંત્રીને દેશ બહાર હાંકી કાઢ્યો. રાજાએ ખૂબ જ સન્માનપૂર્વક સુજાત શેઠને નગરપ્રવેશ કરાવ્યો. થોડા સમય બાદ શેઠે દીક્ષા લીધી.