________________
૧૦૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ છોડ્યું. તમને પણ છોડી. હવે હું અહીંથી સીધો શ્રી વીરપ્રભુ પાસે જઈશ અને દીક્ષા લઈ બાકીનું જીવન સફળ કરીશ.
આ સાંભળીને બધી પત્નીઓ ગભરાઈ ગઈ અને એકી સાથે બોલી ઊઠી : “નાથ! અમે તો મશ્કરી કરતા હતાં. તેને તમે સાચી કેમ માની લીધી. ના, તમે અમને છોડીને ન જાવ.”
ધન્નાએ કહ્યું: “તમે ભલે મશ્કરી કરી. પણ મને સત્ય લાગ્યું છે. આ બધા ભોગ ક્ષણિક છે. મારે હવે દીક્ષા લેવી જ જોઈએ અને હું તે લઈશ જ.”
તો અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું.”બધી પત્નીઓ એક સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ.
તે સમયે શ્રી વીર પરમાત્મા વૈભારગિરિ ઉપર સમોવસર્યા. ધનો તેની પત્નીઓ સાથે ભગવાન પાસે ગયો અને દીક્ષા લીધી. શાલિભદ્ર આ સાંભળ્યું તો તે પણ ભગવાન પાસે આવ્યો અને તેણે પણ પરમાત્મા પાસે દીક્ષા અંગીકાર કરી.
ધન્ના અને શાલિભદ્ર જીવનને પણ દીપાવી જાણું. અભ્યાસ સાથે તે ઉગ્ર તપ કરતાં. ચાર ચાર માસના સતત ઉપવાસ કરવાથી તેમના દેહ ક્ષીણ થઈ ગયાં. એક દિવસ વિહાર કરતાં કરતાં બંને સાધુ રાજગૃહીમાં પધાર્યા. માસક્ષમણના પારણે ગોચરી જવા માટે મુનિ શાલિભદ્ર ભગવાનની આજ્ઞા માંગી. પ્રભુએ કહ્યું: “આજે તમને તમારા માતાની હાથની ગોચરી મળશે.”
મુનિ શાલીભદ્ર અને મુનિ ધના ગોચરી માટે ભદ્રાને ત્યાં ગયાં. તે સમયે ભદ્રા શેઠાણી શ્રી વિરપ્રભુને અને મુનિ શાલિભદ્રને વંદન કરવા જવાની ઉતાવળમાં હતી. પોતાના આંગણે જ પોતાનો સાધુ પુત્ર આવ્યો હતો, પરંતુ તપથી તેનું શરીર સૂકાઈ ગયું હોવાથી માતા તેને ઓળખી શકી નહિ. બંને મુનિઓ ક્ષણભર ત્યાં ઊભા રહ્યા અને પછી ત્યાંથી નગર બહાર જતા રહ્યાં.
નગરના દરવાજા આગળ એક સ્ત્રી તેમને મળી. તેમને માથે દહીંની માટલી હતી. એ સ્ત્રીએ જોવા મુનિ શાલિભદ્રને જોયા કે તુરત જ તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટી. તેણે આને શુકન સમજીને સાધુને ભક્તિથી દહીં વહોરાવ્યું.
બંને સાધુઓએ શ્રી વીરપ્રભુ પાસે જઈને ગોચરી આળોવી ત્યારે શાલિભદ્ર પ્રભુને પૂછ્યું : “ભગવાન્ ! આજે મારી માતાના હાથે પારણું કેમ ન થયું?”
સર્વજ્ઞ પ્રભુએ કહ્યું: “વત્સ! નગરના દરવાજા આગળ તમને દહીં વહોરાવ્યું એ તમારા પૂર્વભવની માતા બન્યા હતી. એ માતાએ તમને ગોચરી વહોરાવી છે.”
એ પછી પ્રભુની આજ્ઞા લઈ બંને સાધુઓ વૈભાર પર્વત ઉપર ગયા અને એક શીલાને પડિલેહી તેની ઉપર પાદપોપગમન અનશન કર્યું.
ભદ્રાએ શ્રી વિરપ્રભુને વંદના કરી અને પૂછ્યું: “ભગવન્! મારો પુત્ર ક્યાં છે? તે મારે ત્યાં ગોચરી માટે કેમ ન આવ્યો ?”