________________
95
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ હોય, ભિખારી હોય, તેવાઓને જમાડીને પછી જમવું જોઈએ. દુકાળ અને પૂરના સમયે તો આ કર્તવ્ય જીવનમાં અનિવાર્ય બનવું જોઈએ.
દેશના કોઈ ભાગમાં દુકાળ પડ્યો હોય ત્યારે હજારો માણસ ધાન્ય વિના ભૂખે તરફડતા હોય છે. ભૂખથી ઘણાનાં મૃત્યુ પણ થાય છે. કોઈ સ્થળે પૂર આવતાં તે વિસ્તારનાં અનેક લોકો ઘરબાર વિનાના થઈ જાય છે. તેમની રોજી-રોટીનો નાશ થાય છે. આવી આસમાની આફતમાં સપડાયેલા માનવીઓને તન-મન અને ધનથી સહકાર આપવો જોઈએ. ભોજન સમયે તેમના ભૂખનાં દુઃખને યાદ કરવા જોઈએ અને તે માટે યથાશક્તિ દાન કરવું જોઈએ. કહ્યું છે કે –
कुक्षिभरी न कस्कोऽत्र, बह्वाधारः पुमान् पुमान् ।
ततस्तत्कालमायातान् भोजयेद् बांधवादिकान् ॥ “પોતાનું પેટ કોણ નથી ભરતું? પરંતુ પુરુષ ઘણાનો આધાર બને છે તે જ પુરુષ માનવી કહેવાય છે. આથી ભોજન સમયે ભાઈઓને, દુઃખી ભાઈ-બહેનોને જરૂરથી જમાડવા જોઈએ.”
દાનવીર જગડુશાનું જીવન આ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. વિક્રમના સમયથી ૧૩૧૫ મે વરસે ભીષણ દુકાળ પડ્યો હતો. તે સમયે ભદ્રેશ્વરના શ્રીમાળી શાહુકાર જગડુશાહે ૧૧૨ દાનશાળાઓ શરૂ કરી હતી. તેમના વિષે ઉલ્લેખ છે કે – તે દુકાળમાં જગડુશાહે હમીરને બાર હજાર મૂડા, વિશાળ દેવને આઠ હજાર મૂડા અને દિલ્હીના બાદશાહને એકવીશ હજાર મૂડા ધાન્ય આપ્યું હતું.
શ્રાવકની ફરજ છે કે તેણે પ્રથમ ઘરના બાળકો, વૃદ્ધ-વડીલો, માતા-પિતા, પુત્રવધૂ, સેવક વગેરેને જમાડવા, ગાય-કૂતરાં વગેરેને ઉચિત ખાવાનું આપવું. એ બાદ પચ્ચકખાણ પારીને ભોજન લેવું અને ભોજનના સમયનું ઉલ્લંઘન કરવું નહિ. આ ભોજન સમય માટે કહ્યું છે કે :
એક પહોરમાં જમવું નહિ અને બીજા પહોરનું ઉલ્લંઘન કરવું નહિ. કારણ કે પહેલા પહોરમાં જમે તો રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર સુધી ન જમે તો બળનો ક્ષય થાય છે.”
ભોજન યોગ્ય સમયે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તે રીતે ઋતુ પ્રમાણે આહાર લેવો જોઈએ. કહ્યું છે કે “શરદઋતુમાં જે જળ પીવાયું, પોષ અને મહા મહિનામાં જે ખવાયું એ અષાઢ માસમાં જે સુવાયું તેનાથી મનુષ્ય જીવે છે.”
આ પણ કહેવામાં આવ્યું છે કે “વર્ષાઋતુમાં લવણ અમૃત છે. શરદઋતુમાં જળ અમૃત છે. હેમંતઋતુમાં ગાયનું દૂધ અમૃત છે, શિશિરઋતુમાં આમળાનો રસ અમૃત છે, વસંતઋતુમાં ઘી અમૃત છે અને ગ્રીષ્મઋતુમાં ગોળ અમૃત છે.”
ભોજન ગમે તે લેવામાં આવે પણ તે ભોજન રસની લોલુપતા વિના લેવું જોઈએ. કહ્યું