________________
25.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
સુખી ગૃહસ્થોએ પોતાના આલીશાન બંગલાની જેમ ઉપાશ્રય વગેરે પણ ભવ્ય અને અપૂર્વ બંધાવવા જોઈએ.
૧૦૨ કુત્સિત દાનના અનર્થકારી પરિણામ त्यक्तुं योग्यं विषैमिश्रं, कुत्सितं भक्ष्यवर्जितम् ।
क्रोधकैतवदुर्मत्या, दत्तं दानमनर्थदम् ॥ જે ફેંકી દેવા જેવું હોય, ઝેર જેમાં ભળેલું હોય, સડી ગયેલું કે કોહવાયેલું હોય, અભક્ષ્ય હોય અને ગુસ્સાથી, કપટભાવથી કે ખરાબ ઈરાદાથી દાન કરવામાં આવે તો તેથી અનર્થ થાય છે. એવા દાનથી પુણ્ય થવાના બદલે પાપ બંધાય છે.
નાગશ્રીએ નાંખી દેવા જેવું શાક મુનિને હરાવીને પોતાની દુર્ગતિ હોરી લીધી હતી. તેની કથા આ પ્રમાણે છે.
નાગશ્રીની કથા ચંપાનગરીમાં ત્રણ ભાઈઓ રહેતા હતાં. સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત તેમનાં નામ. ત્રણેય ભાઈઓ પરિણીત હતાં. સોમદેવની પત્નીનું નામ નાગશ્રી હતું. આ ભાઈઓની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે ત્રણે ભાઈઓ વારાફરતી એક ભાઈને ઘરે જમતાં.
એક વારામાં બે ભાઈઓ સોમદેવના ઘરે જમવા આવ્યાં. નાગશ્રીએ બધા માટે રસોઈ બનાવી. રસોઈમાં તેણે તુંબડીનું શાક રાંધ્યું. હિંગ વગેરે મસાલો નાખ્યો. પછી ચાખ્યું તો તુંબડી કડવી નીકળી. હવે શું થાય? આવું કડવું શાક બધાને કેવી રીતે જમાડાય? ફેંકી દે તો મહેનત અને ખર્ચ બંને એળે જાય એથી તેણે એ શાકને ઢાંકીને એક બાજુ મૂકી રાખ્યું અને બધાને બીજી વાનગી વગેરે જમાડી.
બધા જમીને ચાલ્યા ગયાં હશે ત્યાં નાગશ્રીનાં આંગણે માસક્ષમણના તપસ્વી મુનિશ્રી ધર્મરુચિ ગોચરી માટે પધાર્યા. તેમને જોઈ નાગશ્રીને પેલું શાક તુરત યાદ આવ્યું. “આ મુનિને તે શાક આપી દઉં. તેથી મહેનત અને પૈસો નકામો નહિ જાય.” આમ વિચારી નાગશ્રીએ તે બધું જ શાક મુનિના પાત્રમાં ઠલવી દીધું.
મુનિએ લાવેલી ગોચરી જોઈ ચાર જ્ઞાનધારી ગુરુ ધર્મઘોષસૂરિએ કહ્યું: “હે શિષ્ય ! આ આહાર કોઈ શુદ્ધ સ્થળે જઈને પરઠવી આવો.”
મુનિ ધર્મરુચિએ ગુરુની આજ્ઞા માથે ચડાવી. તે વનમાં જઈ શુદ્ધ સ્થાન જોવા લાગ્યાં. ત્યાં