________________
૧૨૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ પાત્રમાંથી શાકના રસના બે ચાર ટીપાં ભોંય પર પડ્યાં. રસની ગંધથી કીડીઓ દોડી આવી. મુનિએ તે જોયું. તેમણે પાત્રને સરખું કર્યું. ત્યાં તેમણે જોયું તો કીડીઓ મરેલી જોઈ. તેમનું હૈયું વલોવાઈ ગયું. કરુણાનો ઓઘ તેમના હૈયે ઉછળી આવ્યો. તે વિચારવા લાગ્યાં: “માત્ર થોડા ટીપાથી આટલી બધી કીડીઓ મરી ગઈ તો આખું શાક પરઠવી દઈશ તો તે ખાઈને કેટલા જીવ ન જાણે કમોતે માર્યા જશે! ના. ના. મારાથી એમ ન થવા દેવાય. મારા નિમિત્તથી કોઈના પ્રાણ ન જવા જોઈએ. તેમ થાય તો મારું મુનિપણું લાજે. તો શું ગુરુની આજ્ઞા ન પાળવી?
મારે ગુરુની આજ્ઞાનું પાલન તો કરવું જ જોઈએ. ગુરુએ આ આહારને શુદ્ધ સ્થાને પરઠવવાનું કહ્યું છે. આ વનમાં તો હવે એવું શુદ્ધ સ્થાન ગોતવું નકામું છે. તો?
મુનિએ ફરીથી ઊંડો વિચાર કર્યો અને તોડ કર્યો: “વાહ! સરસ. મારા પેટ જેવું શુદ્ધ સ્થાન બીજે ક્યાં મળવાનું છે? આ આહારને મારા પેટમાં જ પરઠવી દઉં. એથી ભલે મારું મૃત્યુ થાય પરંતુ બીજા કોઈ નિર્દોષ જીવના તો પ્રાણ નહિ જાય ને?”
અને તપસ્વી મુનિએ એ ઝેરી શાક પોતાના ઉદરમાં પરઠવી દીધું. પોતે શુભ ધ્યાન ધરવા લાગ્યાં. ઝેરની અસર થઈ અને મરીને તે સર્વાર્થસિદ્ધ વિમાને ગયાં.
શ્રી ધર્મઘોષસૂરિ અને બીજાઓએ જ્યારે આ આખી ઘટના જાણી ત્યારે સૌએ નાગશ્રી પર ફીટકાર વરસાવ્યો. સોમદેવે તેને ઘરની બહાર કાઢી મૂકી. નાગશ્રી હડધૂત થઈ જંગલમાં જતી રહી અને ત્યાં દાવાનળમાં જીવતી બળી મૂઈ. ત્યાંથી તે છઠ્ઠી નરકમાં ગઈ. ત્યાંથી બબ્બે વખત સાતમી નરકે ગઈ. ત્યાંથી અનંતોકાળ ભવભ્રમણ કરતી તે પાંડવોની પત્ની દ્રૌપદી થઈ.
ભવ્ય જીવોએ આ કથામાંથી સાર એ લેવાનો છે કે મુનિ ભગવંતોને કદી ફેંકી દેવા માટે કાઢેલું અર્થાત્ એઠું, વધેલું, છાંડેલું, ઝેરીલું, બગડી ગયેલું ભોજન કદી વ્હોરાવવું નહિ. દાન દેતા સમયે કોઈ ખરાબ ઈરાદો સેવવો નહિ. ગુસ્સો પણ કરવો નહિ. શુભ ભાવથી નિર્દોષ આહારનું જ મુનિઓને દાન કરવું જોઈએ.
૧૦૩
દાનની અનુમોદનાનું ફળ - દાન દેનારની અનુમોદના કરનારને પણ યોગ્ય ફળ મળે છે તે આ વ્યાખ્યાનમાં દાંત સહિત સમજાવવામાં આવે છે.
फलं यच्छति दातारं, दानं नात्रास्ति संशयः । फलं तुल्यं ददात्येतत्, आश्चर्यं त्वनुमोदकम् ॥