________________
૧૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ તેમાં ત્રણ દ્વાર હતાં. સાધુઓને પડિલેહણ તથા સ્વાધ્યાય વગેરેના સાત માંડલાના સમયની જાણ કરવા માટે અંદરના ભાગમાં ઘંટ બંધાવ્યો હતો. ત્રણ લાખના જંગી ખર્ચથી તેમાં વ્યાખ્યાન મંડપ બાંધવામાં આવ્યો હતો. આ મંડપનું તળિયું ચંદ્રકાંત મણીથી બાંધેલું હતું અને તેની દીવાલો મણીથી કંડારેલી હતી. આ મણીના લીધે બાર સૂર્યના જેવું તેજ તેમાં રહેતું હતું. રાતે અંધકાર પણ જણાતો ન હતો અને વાંચન સરળતાથી થઈ શકતું હતું. આમરાજાએ સૂક્ષ્મ અને બાદર જીવોની અવિરાધના થવા માટે આવી દિવ્ય અને ભવ્ય પૌષધશાળા બંધાવી હતી.
સાંતમંત્રીની કથા આવા ધર્મસ્થાનક માટે સિદ્ધરાજ જયસિંહના મંત્રી સાંત્વની વાત પણ વિખ્યાત છે. શ્રીમાળી જ્ઞાતિના આ સાંત્ મંત્રી પાસે અઢળક ધન હતું. શ્રી સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથના કર્તા શ્રી વાદિદેવસૂરિનો તે પરમ ભક્ત હતો. મંત્રીએ ચોરાશી હજાર ટંકારવ દ્રવ્ય ખરચીને રાજમહેલ જેવું એક ઘર બંધાવ્યું. પોતાના સુંદર ઘર જોવાને તેણે ગુરુને નિમંત્રણ આપ્યું. સાથે બીજાઓને પણ નોતર્યા. મંત્રીનું અપૂર્વ અને આલિશાન ઘર જોઈ ગુરુ સિવાય સૌએ એકમતે પ્રશંસા કરી. ગુરુ એકપણ શબ્દ આ અંગે બોલ્યા નહિ. આથી મંત્રીએ તેનું કારણ પૂછ્યું. આથી સૌભાગ્યનિધાન નામના ક્ષુલ્લકે કહ્યું :
खंडनि पेषणी चूलह जलकुंभः प्रमार्जनी ।
पंचैते यत्र विद्यन्ते, तेन नो वर्ण्यते गृहम् ॥ જેમાં ખાંડણી, ઘંટી, ચૂલો, પાણિયારુ અને સાવરણી એમ પાંચ વાના હોય તેવું આ ઘર છે માટે તેની પ્રશંસા કરવી નહિ.”
અને ઘર તો કાગડા, ચકલા વગેરે પક્ષીઓ પણ બાંધે છે. તેથી ઘર બાંધવાથી કંઈ પુણ્ય થતું નથી. માટે જો આવી અપૂર્વ પૌષધશાળા બંધાવો તો તે સારું કહેવાય. પૌષધશાળા ધર્મના હેતુનું સાધન છે જ્યારે ઘર તો પાપના હેતુરૂપ છે. આથી ગુરુએ તમારું ઘર જોઈને તેની પ્રશંસા કરી નહિ.
સાંતુ મંત્રી આ સાંભળી વિચારવા લાગ્યો કે - “સાધુઓને વસતિદાન દેવાથી મોટું પુણ્ય બંધાય છે. જયંતિ શ્રાવિકા, વંકચૂલ અને અવંતિસુકુમાલે વસતિદાન દઈને મહાપુણ્ય ઉપાર્જન કર્યું હતું. મેઘકુમારે પૂર્વભવમાં એક સસલાને થોડું સ્થાન આપ્યું તો તે રાજસુખને પામ્યો. તો જે જીવોને અભય આપનારા છે તેવા મુનિઓને વસતિદાન કરવાથી તો ઘણું મોટું ફળ પ્રાપ્ત થાય તેમાં કોઈ શક નથી.”
મંત્રીએ આમ વિચારી પોતાનું ઘર ધર્મ કરવાને અર્પણ કર્યું. સાથોસાથ એવી બીજી પણ ધર્મશાળા બંધાવી.