________________
૧૧૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ - સાધર્મીઓ ધર્માનુષ્ઠાન કરી શકે તે માટે સુખી ગૃહસ્થોએ ઉપાશ્રય, પૌષધશાળા, પાઠશાળા, આયંબિલશાળા વગેરે ધર્મના સ્થાનકો બંધાવવા જોઈએ. સાધર્મીવાત્સલ્ય તો અનેક પ્રકારનું થઈ શકે છે. અંતરાય કર્મથી જે શ્રાવકો ખરાબ અને કફોડી આર્થિક સ્થિતિમાં આવી પડ્યા હોય તેવાઓને ધંધા-વ્યવસાય માટે પૂરતી આર્થિક સહાય કરીને ફરી તેમને સમૃદ્ધ કરવાની પણ ભક્તિ થઈ શકે છે. ઈતિહાસ કહે છે કે થરાદનિવાસી શ્રીમાળી આભૂનામના સંઘપતિએ ૩૦૮ સાધર્મીઓને પોતાના જેવા શ્રીમંત કર્યા હતાં.
સંભવનાથ પ્રભુનું દષ્ટાંત સાધર્મીવાત્સલ્યથી તીર્થંકર નામકર્મ બંધાય છે. ત્રીજા તીર્થંકર પરમાત્મા શ્રી સંભવનાથ ભગવાનનું જીવન આ માટે પ્રેરણારૂપ છે. તેમનાં પૂર્વના ત્રીજા ભવનો પ્રસંગ છે. ત્યારે તે ધાતકીખંડના ઐરાવતક્ષેત્રે ક્ષમાપુરી નગરીના વિમલવાહન નામે રાજા હતાં. તેમના સમયમાં ભીષણ દુકાળ પડ્યો. તે સમયે વિમલવાહન રાજાએ ભક્તિભાવથી સાધર્મીઓની પૂરી સંભાળ લીધી. ભૂખથી કોઈનું પણ મૃત્યુ થવા દીધું નહિ. તેથી તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. પછી તેમણે દીક્ષા લીધી. કાળધર્મ પામી આનત દેવલોકે દેવતા થયાં. ત્યાંથી અનુક્રમે તે શ્રી સંભવ નામે તીર્થંકર થયાં. ફાગણ સુદ આઠમે તેમનો જન્મ થયો. તેમના જન્મ સમય અગાઉ દેશમાં દુકાળ હતો. પરંતુ તેમનો જન્મ થતાં જ તે જ દિવસથી ચારે બાજુથી અનાજ આવી પહોંચ્યું. નવું અનાજ આવવાની પણ સંભાવના થઈ આથી તેમનું નામ સંભવ પાડવામાં આવ્યું.
સાધર્મીવાત્સલ્ય કરવાની પ્રેરણા રાજા દંડવીર્ય અને શુભંકર શ્રેષ્ઠીના જીવનમાંથી પણ મળે છે.
દંડવીર્યરાજાની કથા રાજા દંડવીર્ય ભરત ચક્રવર્તીના વંશજ હતાં. તે પ્રથમ સાધર્મિકોને ભોજન કરાવતા. તેઓ બધા જમી રહે પછી તે ભોજન કરતાં. આ તેનો રોજનો અટલ નિયમ હતો.
ઈન્દ્રદેવે તેની કસોટી કરવાનો નિર્ણય કર્યો. પોતાની લબ્ધિથી ઈન્દ્ર હજારો શ્રાવકો વિફર્યા. રાજા દંડવીર્યે તે બધાને નિમંત્રણ આપ્યું. તે સૌને ભોજન કરાવતાં કરાવતાં સૂર્યાસ્ત થઈ ગયો. રાત્રિભોજનના ત્યાગી દંડવીર્યે તે દિવસે ઉપવાસ કર્યો. આમ દંડવીર્યને આઠ આઠ દિવસ સુધી લાગલગટ ઉપવાસ થયાં. છતાંય દંડવીર્યનો સાધર્મિક ભક્તિ માટેનો ઉત્સાહ અને ઉલ્લાસ જરા પણ મંદ ન પડ્યાં.
ઈન્દ્ર તેની આવી ઉત્કટ ભક્તિ જોઈ પોતાની માયા સંકેલી લીધી અને પ્રત્યક્ષ થઈ દંડવીર્યને દિવ્ય ધનુષ્ય-બાણ, રથ, હાર અને બે કુંડલ આપ્યાં. સાથોસાથ ઈન્દ્ર દંડવીર્યને શત્રુંજયની યાત્રા કરવા અને તેનો તીર્થોદ્ધાર કરવાની પણ આજ્ઞા કરી...