________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૧૦૦
સાધર્મિક વાત્સલ્ય साधर्मिवत्सले पुण्यं, यद्भवेत्तद वचोऽतिगम् ।
धन्यास्ते गृहिणोऽवश्यं तत्कृत्वाश्नन्ति प्रत्यहम् ॥ ભાવાર્થ- સાધર્મિવાત્સલ્ય કરવાથી જે પુણ્ય થાય છે તે શબ્દોથી કહી શકાય તેમ નથી. (અર્થાત્ એ પુણ્ય કહેવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે.) જે ગૃહસ્થો હંમેશ સાધર્મિવાત્સલ્ય કરીને જમે છે તેઓને ધન્ય છે.
વિસ્તરાર્થ - ગૃહસ્થ જીવનમાં વ્યવહારના અનેક પ્રસંગો આવે છે. જન્મદિન, પુત્રજન્મ, લગ્ન, વેપાર-ધંધાનું ઉદ્ઘાટન, નવા મકાનનું ઉદ્ઘાટન, પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ સંતાનોના અભિનંદન વગેરે અનેક આનંદના અવસર ગૃહસ્થી ઉજવતો હોય છે. આવા આનંદ અને હરખના પ્રસંગોએ સાધર્મી ભાઈ-બહેનોને અવશ્ય યાદ કરવા જોઈએ. તેમને નિમંત્રણ આપીને આ આનંદના ભાગીદાર બનાવવા જોઈએ અને તે પ્રસંગે યથાશક્તિ તેમનું ઉચિત સન્માન કરવું જોઈએ. આ શક્ય ન હોય તો જે સાધર્મી ભાઈ-બહેનો દુઃખી છે, ગરીબ છે, બિમાર છે, વૃદ્ધ અને એકલા છે તેઓને સંભારીને તેમનું સ્વમાન જળવાય તે રીતે પ્રેમથી તેમના દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ. જેમને અનાજની જરૂર હોય તેમને અનાજ, વસ્ત્રની જરૂર હોય તેમને વસ્ત્ર, ઔષધની જરૂર હોય તેમને ઔષધ વગેરે આપીને સીદાતા સાધર્મી ભાઈ-બહેનોની ભક્તિ કરવી જોઈએ. કહ્યું છે કે :
न कयं दीणुद्धरणं न कयं साहम्मिआण वच्छलं ।
हि ययंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ॥ માનવભવ પામીને જેણે ગરીબોનો ઉદ્ધાર નથી કર્યો, સાધર્મીવાત્સલ્ય કર્યું નથી અને હૈયે વીતરાગ ધારણ નથી કર્યા તે તેનો માનવજનમ હારી ગયો છે એમ સમજવું.”
સીદાતા સાધર્મીઓને ભૌતિક સહાય કરવા ઉપરાંત આધ્યાત્મિક સહાય પણ કરવી જોઈએ. જે સાધર્મી ભાઈ-બહેનો ધર્મથી વિમુખ બન્યા હોય અથવા ધર્મકાર્યમાં પ્રમાદી બન્યાં હોય તેમને જાગ્રત કરી ધર્મકાર્યમાં જોડવા જોઈએ. અધર્મ જીવન જીવતાં કે અકાર્ય કરતાં સાધર્મીઓને તેમ કરતાં અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ અને શુભ કાર્ય માટે સતત પ્રેરણા કરવી જોઈએ. કહ્યું છે કેઃ
“પ્રમાદીને ધર્મકાર્યની યાદ આપવી તે સારણા, અનાચારે પ્રવર્તતાને વારવા તે વારણા, ધર્મથી ભ્રષ્ટ થયેલાને તેના દુષ્કર્મનું ખરાબ ફળ સમજાવવું તે ચોયણા અને નિષ્ફર થઈ ગયેલાઓને ધિક્કારવા તે પડિચોયણા સમજવી.”
ઉ.ભા.-૨-૯