________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ કૃતપુણ્યનો જીવનવ્યવહાર થોડા જ સમયમાં બદલાઈ ગયો. વિલાસી મિત્રોના સંગથી તે વિલાસી બની ગયો. આ રંગ તેને એવો લાગ્યો કે એક દિવસ તે કોઈ વેશ્યાને ત્યાં ગયો તે ગયો જ.
વેશ્યા પ્રેમ નથી કરતી. દેહનો સોદો કરે છે. પૈસાના પ્રમાણમાં જોખીને કહેવાતો પ્રેમ કરે છે. કૃતપુણ્ય વેશ્યાને પૈસા આપ્ટે રાખતો અને તેના જુઠા પ્રેમમાં મસ્ત રહેવા લાગ્યો. વેશ્યાના પ્રેમમાં તે બધું જ ભૂલ્યો. સગી પત્ની ધન્યાને પણ ભૂલ્યો. માતા-પિતાને માત્ર પૈસા મેળવવા માટે જ યાદ રાખ્યાં અને વેશ્યાને ત્યાં જ રાત-દિવસ પડ્યો-પાથર્યો રહેવા લાગ્યો.
પુત્રરાગથી માતા-પિતા તેને જોઈએ તેટલા પૈસા મોકલતાં. આ રોજનું બન્યું. એટલે તેમણે પુત્રને ઘરે તેડવા માટે માણસ મોકલ્યાં. માતા-પિતાની હાલત તો વનમાં ગયા તો વનમાંય લાગી આગ જેવી થઈ હતી. કૃતપુણ્યને ઘરે પાછો લાવવા માટે અનેક પ્રયત્નો કરી જોયાં. કૃતપુણ્ય હવે રંગ પાકો રંગાઈ ચૂક્યો હતો. તેણે તો માતા-પિતા સાથે માત્ર પૈસા મંગાવવા પૂરતો જ સંબંધ રાખ્યો હતો.
બાર બાર વરસ સુધી માતા-પિતાએ પુત્રને વેશ્યાગમનનું સુખ માણવા પૈસા મોકલ્યાં. તિજોરીનું તળિયું પણ દેખાવા લાગ્યું અને આયુષ્યની મર્યાદા પણ પૂરી થઈ. માતા-પિતાએ આ જગમાંથી વિદાય લીધી. તોય વિષયાસક્ત કૃતપુણ્ય ઘરે ન આવ્યો.
પૈસા હતા ત્યાં સુધી પત્ની ધન્યાએ પતિ માટે મોકલ્યાં. છેવટે પૈસા ખૂટ્યાં. ધન્યા માટે ખરાબ દિવસ ઉગ્યા. એક બાજુ પતિવિરહ અને પતિની વેશ્યામાં આસક્તિનું દુઃખ, બીજી બાજુ ભીષણ ગરીબાઈ. આ સંજોગોમાં વેશ્યાની એક દાસી તેના ઘરે આવીને ઉભી રહી. તેણે કહ્યું “સુંદરી તારા પતિએ પૈસા મંગાવ્યા છે.”
કઠણ કાળજુ કરી ધન્યાએ કહ્યું - “બેન ! તું આવી તો ભલે આવી, પરંતુ હવે અમારી પાસે કશું જ બચ્યું નથી. મારા સાસુ-સસરા હવે આ દુનિયામાં નથી. જે ધન હતું તે બધું જ ધન મારા નાથના સુખ માટે ખર્ચાઈ ગયું છે. હવે મારા મંગળસૂત્ર સિવાય એક કોડી પણ બચી નથી તે તારે જોઈએ તો લઈ જા.” ધન્યાએ મંગળસૂત્ર ઉતારી આપ્યું. દાસી તે લઈને વેશ્યા પાસે આવી.
વેશ્યાની મા સમજી ગઈ કે હવે કતપુણ્ય કંગાળ થઈ ગયો છે. તેની પાસેથી ધન મળવાની કોઈ આશા નથી. આથી તેણે કૃતપુણ્યની અવગણના કરવા માંડી. સમયે સમયે તેને કડવા વેણ કહેવા લાગી. પોતાની પુત્રી અનંગસેનાને પણ તેની પાસે જતાં રોકવા ને ટોકવા લાગી.
કૃતપુણ્ય આ બદલાયેલા વ્યવહારથી રંજ પામ્યો. અપમાન તેને ખટકવા લાગ્યાં. અનંગસેનાને પણ માનો આવો દુર્વ્યવહાર ખટક્યો. તેણે માને કહ્યું: “મા! તમને આવું અપમાન કરવું ઉચિત નથી. બાર-બાર વરસ સુધી આપણે આ કૃતપુણ્યના ધનથી જીવ્યા છીએ અને જલસા કર્યા છે. આજે તે નિર્ધન થઈ ગયા તેમાં તેનો શો દોષ? તમારે તેનું આમ અપમાન ન કરવું જોઈએ.”