________________
૧૦૬
૧૦
* ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
क्षणमात्रसुखस्यार्थे, लोल्यं कुर्वन्ति नो बुधाः ।
कंठनाडीमतिक्रान्तं सर्वं तदशनं समम् ॥ બુદ્ધિમાન પુરુષો ક્ષણમાત્રના સુખના ભોજનમાં લોલુપતા રાખતા નથી. કારણ કે કંઠની નાડી અતિક્રમ્યા પછી (ગળા સુધી ભરાઈ ગયા પછી) બધું જ ભોજન સરખું છે.
જમવા માટે જીવવાનું નથી. જીવવા માટે જમવાનું છે. આ દેહથી કર્મબંધનોને તોડવાના છે. એ તોડવામાં દેહ સાથ આપી શકે તે માટે દેહને ખોરાક આપવાનો છે. સાદું ખાવ કે મસાલાવાળું ખાવ, મિઠાઈ ખાવ કે મોળું ખાવ, તેથી પેટ તો ભરાવાનું જ છે. પરંતુ એ ખાતા સમયે ભાવતી ચીજ છે માટે તે અકરાંતિયા બનીને ખાવી જોઈએ નહિ. વધુ પડતું ખાવાથી અજીર્ણ જેવા રોગ થાય છે, બેચેની લાગે છે, ઊંઘ આવે છે, સ્કૂર્તિ રહેતી નથી. આથી સંયમથી, લોલુપતા રાખ્યા વિના ભોજન લેવું જોઈએ.
આરોગ્ય વિષે કહ્યું છે કે “હિતકારી, મિત અને પાકું ભોજન લેનાર, ડાબે પડખે સુનાર, હંમેશા ચાલવાની ટેવવાળો, ઝાડા-પેશાબને નહિ રોકનાર અને સ્ત્રીના વિષે મનને વશમાં રાખનાર પુરુષ સર્વ રોગોને જીતે છે.”
ક્યાં ન જમવું અને કેવું ન જમવું તે સંબંધમાં કહ્યું છે કે – “અગાસીમાં, તડકામાં, અંધારામાં, ઝાડ નીચે, સ્મશાનમાં, પોતાના આસન ઉપર બેઠા બેઠા, તર્જની આંગળી ઉંચી કરીને, નાસિકાનો શ્વાસ ચાલતો હોય ત્યારે, ભોંય બેસીને અને જોડા પહેરીને કદી પણ જમવું નહિ તેમજ ટાઢું થઈ ગયેલું ભોજનને ફરી ગરમ કરાવીને જમવું નહિ.”
આ જ સંદર્ભમાં શ્રી જિનદત્તસૂરિ વિરચિત વિવેકવિલાસ ગ્રંથમાં કહ્યું છે કે ૧. એક જ વસ્ત્ર પહેરીને, ભીનું વસ્ત્ર માથે વીંટી રાખીને, અપવિત્રપણે અને અતિ લોલુપતા રાખીને, સુજ્ઞ પુરુષે ભોજન કરવું નહિ. ૨. મળ-મૂત્રાદિ વડે અપવિત્ર થયેલું, ગર્ભાદિ હત્યારાઓએ જોયેલું, રજસ્વલા સ્ત્રીએ અડકેલું અને ગાય-કૂતરા કે પક્ષીઓએ બોટેલું કે સુંધેલું ભોજન જમવું નહિ. ૩. પાણી પીવા સંબંધી કહે છે કે ભોજન પહેલાં પાણી પીવું તે ઝેર બરાબર છે. ભોજનને અંતે પીવું તે પથ્થર બરાબર છે અને મધ્ય સમયે પાણી પીવું તે અમૃત જેવું છે. ૪. ભોજન કર્યા પછી બધા રસથી ભરેલા હાથ વડે માણસે રોજ પાણીનો એક ચરુ-ઘડો પીવો. ૫. જમીને ઉઠ્યા બાદ પાણીથી ભીના હાથ વડે બે લમણાંને, બીજો હાથ કે આંખને અડવું નહિ પણ તે હાથ ઢીંચણ પર ફેરવવો તે શ્રેયકારી છે. ૬. ભોજન કર્યા બાદ ડાબે પડખે બે ઘડી નિદ્રા વગર શયન કરવું અથવા સો ડગલા ચાલવું. (૭) ભોજન સમયે અગ્નિ, નૈઋત્ય અને દક્ષિણ દિશા, સંધ્યાકાળ, સૂર્ય-ચંદ્રના ગ્રહણનો સમય અને પોતાના સ્વજનાદિકનું શબ પડ્યું હોય તો તે સમયે ભોજન ન કરવું. ૮. ભોજનમાં, મૈથુનમાં, સ્નાન કરવામાં, વમનમાં, દાતણ કરવામાં, મલોત્સર્ગમાં અને પેશાબ કરવાના સમયમાં બુદ્ધિમાન પુરુષોએ મૌન રાખવું અને ભોજન કર્યા બાદ નવકારમંત્રનું સ્મરણ કરીને ઉઠવું.