________________
૧૦૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
આ પ્રમાણે વિધિપૂર્વક કરેલું ભોજન ઉત્તમ અને પ્રશંસનીય છે. આથી ભાવિક અને શ્રદ્ધાળુ શ્રાવકોએ આત્મભાવમાં રહીને રસની લોલુપતા વિના ભોજન લેવું જોઈએ.
૧૭૭
દોષરહિત પાત્રદાન આપી ભોજન કરવું पूर्वकर्मादिभिर्दोषैर्मुक्तं कल्प्यं शुभाशनम् । साधूनां पात्रसात्कृत्य भोक्तव्यं कृतपुण्यवत् ॥
ભાવાર્થ :- પૂર્વકર્માદિ દોષથી રહિત અને કલ્પે તેવું ઉત્તમ ભોજન સાધુઓના પાત્રમાં આપીને પછી કૃતપુણ્યની જેમ ભોજન કરવું જોઈએ.
કૃતપુણ્યની કથા
રાજગૃહી નગરી. શ્રેણિક રાજા. આ નગરીમાં ધનેશ્વર અને સુભદ્રા નામનું યુગલ રહે. સંસારના વિષયસુખ ભોગવતાં તેમને એક પુત્ર થયો. કૃતપુણ્ય તેનું નામ. યુવાનીમાં તેનું લગ્ન ધન્યા નામની એક યુવતી સાથે કરવામાં આવ્યું.
કૃતપુણ્ય સીધો સાદો યુવાન હતો, સ્વભાવે સરળ અને સંસ્કારી હતો. સંતો અને સાધુઓ, વિદ્વાનો અને પંડિતો તેના મિત્રો હતાં. મોટા ભાગનો સમય તે તત્ત્વચર્ચામાં પસાર કરતો.
ઉત્તમ અને સંસ્કારી સોબતના લીધે કૃતપુણ્ય સંસારી હોવા છતાં સાધુ જેવો હતો. ધન્યા કરતાં તેને વધુ રસ ધર્મ અને જ્ઞાનચર્ચામાં પડતો.
સંસારી માતા-પિતાથી આ કેમ સહન થાય ? પુત્ર પરણેલો હોવા છતાં જાણે અવિવાહિત હોય તેમ ૨હે, મોજ-વિલાસથી મોં મચકોડે, યૌવનમાં હોવો જોઈએ તેવો વિલાસનો ઉછાળો ન હોય તો એ પુત્ર પ્રત્યે સંસારીઓ અને દેહધારીઓ ચિંતા ન કરે તો જ નવાઈ. ધનેશ્વર અને સુભદ્રાને કૃતપુણ્યના સાધુ વ્યવહારથી ચિંતા થવા લાગી. રખે દીકરો સાધુ થઈ જશે તો ? એક નો એક દીકરો. ગુણિયલ વહુ અને તેને છોડી તે સાધુ બની જાય તો વારસાનું શું ? નહિ નહિ. કોઈપણ હિસાબે કૃતપુણ્યને વિષયસુખમાં આસક્ત બનાવવો જ જોઈએ અને સગા મા-બાપે પુત્રની આસપાસ એવા મિત્રો અને સ્વજનો મૂકી દીધા કે જેથી તેમની મુરાદ બર આવે.
એ તો જગજાહેર વાત છે. ઝેરનું એક ટીપું પડે તો આખું વિશાળ સરોવર ઝેરી બની જાય. ખરાબ સોબતનું પણ એવું જ છે. જીવને ઉત્તમ સંસ્કારની ટેવ પડતા સમય લાગે છે પરંતુ કુસંસ્કારોની ટેવ તુરત પડી જાય છે.