________________
૧૧૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ તબક્કે થોડી થોડી કરીને ખીર વહોરાવી. કાળયોગે તે પુત્ર મૃત્યુ પામ્યો. એ ગોવાળ તું છે. પૂર્વભવમાં થોડી થોડી વારે અટકી અટકીને તેં મુનિદાન આપ્યું હતું. તેથી તને આ ભવમાં આંતરે આંતરે સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થઈ.
પૂર્વભવ સાંભળતાં કતપુણ્યને જાતિસ્મરણજ્ઞાન થયું. એ જોઈ તેના હૈયે વૈરાગ્યના ભાવ ઉમટ્યાં. મોટા પુત્રને ગૃહભાર સોંપી તેણે દીક્ષા લીધી અને ઉગ્ર તપસ્યા કરી તે પાંચમા દેવલોકે ગયો. ત્યાંથી કાળક્રમે મોક્ષે જશે.
આ કથામાંથી ભવ્ય જીવોએ પ્રેરણા લેવાની છે કે મુનિને દાન અખ્ખલિત ભાવે કરવું જોઈએ.
૧૬૮ ભોજન સમયે મુનિઓને યાદ કરવા भोजनसमयेऽवश्यं, संस्मार्या मुनिसत्तमाः ।
ततो भोजनमश्नीयाद्, धनावहाख्यश्रेष्ठिवत् ॥ ભાવાર્થ :- “ભોજન કરવાના સમયે ઉત્તમ મુનિઓને ભૂલ્યા વિના અચૂક યાદ કરવા જોઈએ અને તે પછી ધનાવહ શ્રેષ્ઠિની જેમ પોતે ભોજન લેવું જોઈએ.”
ધનાવહ શ્રેષ્ઠિની કથા પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવના પૂર્વભવની વાત છે. ધનાવહ સાર્થવાહ તીર્થંકરનો જીવ હતો. એક ઉનાળામાં શુભ ચોઘડિયે ધનાવહ અન્ય રસાલા સાથે દેશાંતર માટે નીકળ્યો. ફરતાં ફરતાં ચોમાસુ બેઠું. અષાઢના વાદળ આરંભાયા. ઠેક-ઠેકાણે વરસાદ થયો. ક્યારેક મૂશળધાર વરસાદ થયો. ધરતી વર્ષાજળથી લદબદ થઈ ગઈ. ધૂળ કાદવ બની ગઈ. સાથે માટે પ્રવાસ મુશ્કેલ બન્યો. ધનાવહે કોઈ એક જગાએ પડાવ નાંખ્યો.
આ સાર્થમાં ધનાવહ સાથે શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ પણ તેમના શિષ્ય પરિવાર સહિત સામેલ થયા હતાં. બન્યું એવું કે સાર્થના લોકો પાસેનું અનાજ ખૂટી ગયું. અનાજના અભાવના કારણે એ લોકો તાપસની જેમ મૂળફળ ખાઈ પોતાનાં દિવસો પસાર કરવા લાગ્યાં.
ધનાવહ એક દિવસ જમવા બેઠો ત્યારે તેણે સાર્થના માણસો યાદ આવ્યાં. એ સાથે જ તેને શ્રી ધર્મઘોષસૂરિ સાંભરી આવ્યાં. તેમની ઉપસ્થિતિનો ખ્યાલ આવતાં જ ધનાવહના હૈયે ચિંતા સળવળી ઊઠી : “અરે ! આ ચોમાસામાં આચાર્ય મહારાજની શું સ્થિતિ હશે? પંદર પંદર દિવસ થઈ ગયા પણ એક દિવસ મને તેમની યાદ નથી આવી. મેં તેમની કોઇ કાળજી પણ લીધી નથી.