________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ આ દિવસોમાં તેમણે શું વાપર્યું હશે? કોણે તેમને યોગ્ય ગોચરી હોરાવી હશે? ખરેખર મને ધિક્કાર છે. હું માત્ર મારા જ ખ્યાલમાં રહ્યો. મારા સ્વાર્થમાં જ આટલા દિવસ જીવ્યો.”
આમ પસ્તાવો કરી ધનાવહ આચાર્યશ્રી પાસે ગયો. વંદના કરી, સુખશાતા પૂછી. તેણે આચાર્ય મહારાજને ગોચરી માટે પધારવા પ્રાર્થના કરી. સૂરિજીએ બે મુનિને ધનાવહને ત્યાં ગોચરી માટે મોકલ્યાં. મુનિઓનાં ઘરે પાવન પગલાં થતાં ધનાવહે નિર્દોષ ઘી હોરાવ્યું. મુનિ ભગવંતોએ તે ઘીથી માસક્ષમણનું પારણું કર્યું.
મુનિઓને ભોજન સમયે યાદ કરવાના પુણ્યથી ધનાવહે તેરમા ભવે તીર્થંકર પદનો નિર્ધાર કર્યો. આરોગ્ય શાસ્ત્રમાં ઘીને આયુષ્ય કહ્યું છે. ધનાવહે ઘીનું મુનિઓને દાન કરી શાશ્વત આયુષ્ય બાંધ્યું.
ધનાવહ ત્યાંથી મરીને યુગલિયામાં ઉત્પન્ન થઈ સૌધર્મ દેવલોકે દેવતા થયો. દેવગતિમાંથી અવીને તે મહાબળ નામે વિદ્યાધરેન્દ્ર થયો. ત્યાંથી લલિતાંગ દેવ થયો. દેવ આયુષ્ય પૂર્ણ કરી ધનાવહનો જીવ વજજંઘ નામે રાજા થયો. રાજ્યસુખ ભોગવીને ફરી પાછો યુગલિયો થયો અને ત્યાંથી મરીને પહેલા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જીવાનંદ નામે વૈદ થયો.
આ જીવાનંદને ચાર મિત્રો હતાં. એક દિવસ બધા મિત્રો જીવાનંદને ત્યાં બેસી વાતોના ગપાટા મારી રહ્યાં હતાં. ત્યાં એક સાધુ ભગવંત પધાર્યા. સાધુ કુષ્ઠ રોગી હતાં. તેમને જોઈ મિત્રોએ જીવાનંદ વૈદને તેમની ચિકિત્સા કરવા કહ્યું. જીવાનંદે તેમને જણાવ્યું: “તમારી ભાવના ઉત્તમ છે. સાધુની સેવા કરવી જોઈએ. આ ભગવંતને કુષ્ઠ રોગ છે અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે રોગ મટી શકે તેમ પણ છે. આ માટે મારી પાસે લક્ષપાક તેલ છે. પણ આ તેલ ઉપરાંત રત્નકંબલ અને ગોશીષચંદનની જરૂર છે. આ બે વાના જો તમે ક્યાંકથી મેળવી આપો તો તેમની સારવાર તુરત જ કરું.”
શુભ કામમાં વિલંબ સુજ્ઞજનો કરે જ નહિ. પાંચે મિત્રો તુરત જ વણિકની દુકાને ગયાં. તેની પાસેથી રત્નકંબલ અને ગોશીષચંદન માંગ્યું. સાથોસાથ આ બે શેના માટે અને કોના માટે જોઈએ છે તે વાત પણ કરી. વણિકે તે બંને વસ્તુ વિના મૂલ્ય આપી.
જીવાનંદે એ ત્રણેય વસ્તુથી કુષ્ઠ રોગની સારવાર શરૂ કરી દીધી. પ્રથમ લક્ષપાક તેલથી મુનિને મર્દન કર્યું. મર્દન કરી તેમને રત્નકંબલ ઓઢાડી. આથી શરીરનાં તમામ કુઇ જંતુઓ એ કંબલમાં ભરાઈ ગયાં. એ કર્યા બાદ જીવાનંદ અને મિત્રોએ મુનિને ગોશીષ ચંદનનો લેપ કર્યો. ત્રણ વાર આ પ્રમાણે કરવાથી મુનિનો કુષ્ઠ રોગ જડમૂળમાંથી નીકળી ગયો. મુનિ નિરોગી થઈ ગયાં.
જીવદયાપ્રેમી જીવાનંદે રત્નકંબલમાં ભરાયેલા રોગી જંતુઓને મરેલી ગાયના મૃતદેહમાં મૂકી દીધાં. પછી એ રત્નકંબલ અને વધેલાં ગોશીષચંદનને વેચી નાંખ્યા. તેમાંથી જે ધન મળ્યું તેનાથી જિનપ્રાસાદ બંધાવ્યો.