________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
- ૧૦૩ તેના હૈયે ત્યારે ભાવનાનો ઓઘ ઉછળી રહ્યો હતો. પાત્રમાં તે ઘી વહોરાવી રહ્યો હતો. ઘીની ધાર પાત્રમાં રહી હતી અને તેની ભાવનાઓની ધાર ઊંચે ચડી રહી હતી. ચંપકશ્રેષ્ઠિની ભાવનાની તન્મયતા જોઈ સાધુ મહારાજે ઘીની ધાર પડવા જ દીધી. વચમાં ક્યાંય તે અંગે તેમણે ના કહી નહિ. સાધુ જ્ઞાની હતાં. તે જોઈ રહ્યા હતાં કે ચંપકશ્રેષ્ઠિ અત્યારની ભાવધારાથી અનુત્તર વિમાનની ગતિ બાંધી રહ્યો છે.
ત્યાં જ ચંપકશ્રેષ્ઠિની ભાવધારા ધડ દઈ નીચે ગબડી. ઘીથી પાત્ર ભરાતું જતું જોઈ તેને વિચાર આવ્યો : “આ તે કોઈ સાધુ છે કે લોભી ધુતારો? હું તો ભાવથી વ્હોરાવું છું પણ તે સાધુધર્મને સમજતા લાગતા નથી. ના કહેતાં જ નથી.”
તેની આ બદલાયેલી ભાવના જોઈ જ્ઞાની મુનિએ કહ્યું: “ભાગ્યવાનું! આમ ઊંચે ચડી વળી પાછા નીચે પટકાવા જેવું કાં કરો છો ?”
ચંપકશ્રેષ્ઠિને એ સાંભળી આશ્ચર્ય થયું. તેણે કહ્યું: “ભગવન્! હું તો અહીં જ તમારી સામે જ ઊભો છું. ક્યાંય ચડ્યો નથી પછી પટકાઉ કેવી રીતે? આપનું વચન કાંઈ સમજાતું નથી.”
મુનિએ પોતાનું પાત્ર ખેંચી લીધું. ત્યારે ખંડિત શુભ ભાવનાથી ચંપકશ્રેષ્ઠિએ બારમા દેવલોકની ગતિ બાંધી. એ સમયે જ્ઞાની મુનિએ કહ્યું: “મહાનુભાવ! દાન કરતી સમયે ભળતાસળતા વિકલ્પ કરવાથી દાન દૂષિત બને છે. સોના સમા દાનને તેથી લાંછન લાગે છે. દાન સમયે ચડતા ભાવને ચડતા જ રહેવા દેવા જોઈએ. તે સમયે બીજા ન કરવાના વિચાર કરીને એ શુભ ભાવધારાને ખંડિત ન કરવી જોઈએ.” એમ કહી તેની દેવગતિની વાત કરી.
ચંપકશ્રેષ્ઠિને એ જાણી અત્યંત દુઃખ થયું. પોતાની મલિનવૃત્તિ અંગે તેને પસ્તાવો થયો. એ પાપની તેણે આલોયણા કરી અને અંતે મૃત્યુ પામી તે બારમા દેવલોકમાં ગયો.
ભવ્ય જીવોએ આ ચંપકશ્રેષ્ઠિની કથામાંથી પ્રેરણા લઈ શુદ્ધ ભાવથી અને દોષરહિત દાન દેવામાં ઉપયોગ રાખવો જોઈએ. કહ્યું છે કે :
सातिचारेण यद्दानं, तद्दानं स्वल्पसौख्यदम् ।
मत्वेति विधिना श्राद्धैर्वितीर्यं भावधार्मिकैः ॥ “અતિચાર સહિત કરાયેલ દાનથી અલ્પ સુખ મળે છે. આથી ભાવિક અને ધાર્મિક શ્રાવકોએ વિધિપૂર્વક દાન કરવું.”
इत्युपदेशप्रासादटीकेयं लिखिता मया ।
पंचदशभिरश्राभिः स्तंभश्चैकादशः स्तुत ॥ ભાવાર્થ :- “આ પ્રમાણે ઉપદેશપ્રાસાદની મેં ટીકા લખી છે અને પંદર સંબંધ વડે આ અગિયારમો સ્તંભ પૂર્ણ કર્યો છે.”