________________
૧૦૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩
પ્રભુએ કહ્યું: “ભદ્રે ! એ બંને સાધુ તારા ઘરે ગોચરી માટે આવ્યા હતાં પરંતુ તે તેમને ઓળખી શકી નહિ. પૂર્વભવની માતાએ તારા પુત્રને ગોચરી વહોરાવી. તે વાપરીને હવે તે વૈભાર પર્વત ઉપર ગયા છે અને ત્યાં અનશન કર્યું છે.”
ભદ્રા તુરત જ શ્રેણિક સાથે વૈભારગિરિ ઉપર ગઈ. પુત્રને જોઈ રડવા લાગી: મને ધિક્કાર છે કે તમે મારા ઘરે આવ્યા તો પણ મેં તમને ઓળખ્યા નહિ.” શ્રેણિકે ભદ્રાને સમજાવી અને શાંત કરી.
ત્યાર પછી ધન્ના અને શાલિભદ્ર અનશન પાળીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયાં. ત્યાંથી તેઓ મોક્ષે જશે.
ભવ્ય જીવોએ શાલિભદ્રના જીવનને જાણીને મુનિને ઉલ્લાસપૂર્વક અન્નદાન દેવું જોઈએ અને તે પછી ભોજન કરવું જોઈએ.
૧૫ ચોથા શિક્ષાવ્રત અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર
सचित्ते क्षेपणं तेन, पिधानं काललंघनम् ।
मत्सरोऽन्यापदेशश्च, तुर्यशिक्षाव्रते स्मृताः ॥ ભાવાર્થ-સચિત્ત વસ્તુ ઉપર આહાર મૂક્યો. સચિત્ત વસ્તુથી તેને ઢાંકવો. યોગ્ય કાળનું ઉલ્લંઘન કરવું. મત્સરભાવ ધારણ કરવો અને પોતાનું હોવા છતાં તે પારકાનું છે એમ કહેવું તે અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર છે.
વિસ્તરાર્થ:- સચિત્ત એટલે જીવવાળો. જેમાં જીવ છે, જેમાં ચેતનાનો સંચાર છે, તેવી પૃથ્વી, વનસ્પતિ, અગ્નિ વગેરે ઉપર દાન દેવા યોગ્ય ભોજનની કોઈપણ વાનગી. દાન ન દેવાની વૃત્તિથી મૂકી દેવાથી અથવા ઉતાવળથી મૂકી દેવાથી પહેલો દોષ અતિચાર લાગે છે.
દાન ન દેવાની વૃત્તિથી આહારને સુરણ, કાંદા, બટાટા, પુષ્પ, ફળ, પાંદડા વગેરેથી ઢાંકી દેવામાં આવે તો તેનાથી બીજો અતિચાર-દોષ લાગે છે.
ભોજનનો સમય સામાન્ય રીતે બારથી એક સુધીનો ગણાય. આ સમયે સાધુને ગોચરી બોલાવવા જવાના બદલે એ સમય થઈ ગયા બાદ તેમને નિમંત્રણ આપવા માટે જવામાં આવે તો તેનાથી ત્રીજો અતિચાર લાગે છે અથવા સાધુ આવ્યાં ન હોય તો પણ પૌષધવૃત્તિથી ભોજન કરવામાં આવે તો પણ ત્રીજો અતિચાર લાગે છે.
ઉ.ભા.-૨-૮