________________
૧૦૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ મત્સર એટલે રોષ, ગુસ્સો, ઈર્ષ્યા. દાન આપવામાં આવે પણ તે ગુસ્સો કરીને આપવામાં આવે, દાન લેનારનું અપમાન થાય તેવી રીતે દાન દેવામાં આવે. વસ્તુ હોવા છતાં દાન લેનાર માંગે તો તે ન આપે તો આવા વ્યવહારથી ચોથો અતિચાર લાગે છે.
એક જણે દાન આપ્યું. તે જોઈ વિચારવામાં આવે કે આ ભિખારીએ દાન આપ્યું તો શું હું તેનાથી કંઈ ઉતરતો છું? આવી અસૂયાવૃત્તિ (બીજાનું સારું ન જોઈ શકવાની, બીજાની ઉન્નતિ સહન ન કરી શકવાની વૃત્તિ)થી દાન દેવામાં આવે તો પણ અતિથિસંવિભાગ વ્રતના આરાધકને ચોથો દોષ લાગે છે.
ભોજન વગેરે વસ્તુઓ પોતાની હોવા છતાં એમ કહેવામાં આવે કે “આ તો બીજાનું છે તેથી હું કેવી રીતે આપી શકું?' આમ ખોટું કહી ખોટી રજૂઆત કરવામાં આવે તો આ વ્રતના આરાધકને પાંચમો અતિચાર લાગે છે.
દાન દેતી વખતે અજાણતાં આ પાંચમાંથી એકાદનો વ્યવહાર થઈ જાય તો તેનાથી દોષ લાગે જ, પરંતુ જાણી જોઈ; તેમ કરવામાં આવે તો ચોથા શિક્ષાવ્રતનો ભંગ થાય છે. આવા અતિચાર સહિત દાન આપવા અંગે ચંપકશ્રેષ્ઠિની કથા છે તે આ પ્રમાણે :
ચંપકક્રેષ્ઠિની કથા ચંપકશ્રેષ્ઠિ ધર્મિષ્ઠ હતો. ધન્યપુર તેનું ગામ. તે વ્રતધારી શ્રાવક હતો. પર્વના દિવસે તે પૌષધ કરતો. પૌષધના પારણે તે અતિથિસંવિભાગ વ્રત કરતો.
પૌષધ પારીને ગુરુમહારાજને વિનયથી પ્રાર્થના કરતો : “ગુરુદેવ ! મારા ઘરે ભાતપાણીનો લાભ આપવા કૃપા કરશો.” એ પછી તે ઘરે જતો. ત્યાં પોતાના માટે રસોઈ કરાવતો. ગોચરીનો સમય થતો એટલે ફરી પાછો ઉપાશ્રયે જતો અને ગુરુ મહારાજને ગોચરીએ પધારવા માટે નિમંત્રણ આપતો. ગુરુ ઘરે પધારતાં તેમને જેનો ખપ હોય તે ચીજ-વસ્તુ કે ભોજનની વાનગી ભક્તિસભર હૈયે વહોરાવતો. ગુરુમહારાજ ગોચરી વ્હોરી લે એટલે તે તેમને ત્રિવિધે વંદના કરતો અને અમુક અંતર સુધી વિદાય આપવા જતો.
શ્રાવક માટે એક આચાર છે કે જે વાનગી સાધુ મહારાજે ન હોરી હોય તે પોતે ભોજનમાં ન વાપરવી. ચંપકશ્રેષ્ઠિ પણ આ આચારનું પાલન કરતો.
ગામમાં સાધુ ભગવંતનો જોગ ન હોય ત્યારે ચંપકશ્રેષ્ઠિ ભોજન સમયે ઘરની બહાર ઉભો રહી ચારે બાજુ જોતો અને મનમાં ભાવના ભાવતો કે “અત્યારે જો કોઈ સાધુભગવંત આવી ચડે તો તેમને ગોચરી વહોરાવીને હું કૃતાર્થ થાઉં.”
ચંપકશ્રેષ્ઠિ દાન દેતા સમયે ખૂબ જ શુદ્ધ ભાવના ભાવતો, અંતરનાં ઉમળકાથી તે સાધુ ભગવંતને ગોચરી વ્હોરાવતો. આવા જ અંતરના ઉમળકા અને આતમાના ઉલ્લાસથી એક દિવસ સાધુ મહારાજને ગોચરી વહોરાવી રહ્યો હતો.