________________
_ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ “માતાજી ! એમાં મારે શું જોવાનું હોય? તમે તમારે જોઈ લો અને તેનું જે મૂલ્ય હોય તે ચૂકવીને કોઈ ખૂણામાં મૂકાવી દો.” શાલિભદ્ર નિર્દોષતાથી કહ્યું.
વત્સ ! શ્રેણિક કોઈ ચીજવસ્તુ નથી. તે તો આપણા સ્વામી રાજા શ્રેણિક છે. તને તે મળવા અહીં ખાસ પધાર્યા છે. માટે તું નીચે આવી અને તેમને મળ.” ભદ્રાએ ખુલાસો કર્યો.
શ્રેણિકનું રહસ્ય જાણી શાલિભદ્ર ઘડીક ઘા ખાઈ ગયો. શું મારા પણ કોઈ સ્વામી છે? આ પ્રશ્ન તેના મનમાં ઘુમરી ખાઈ રહ્યો. એ જ વિચારને વાગોળતો અને સંસારભાવને વિચારતો તે શ્રેણિક રાજા પાસે આવ્યો. શ્રેણિકે તેને વાત્સલ્યથી આલિંગનમાં લીધો. શ્રેણિકનો સ્પર્શ થતા તો શાલિભદ્ર પરસેવાથી રેબજેબ થઈ ગયો. ભદ્રાએ શ્રેણિકને કહ્યું : “દેવ ! મારો પુત્ર મનુષ્ય છે, પરંતુ તે માનવગંધ અને સ્પર્શને સહી શકતો નથી. કારણ કે સ્વર્ગમાં ગયેલા તેના પિતા તેને રોજ દિવ્ય વસ્ત્ર, અલંકાર, ચંદન, પુષ્માદિ મોકલે છે. દેવે દીધેલ ચીજવસ્તુઓ ભોગવવાથી તે માનવથી લગભગ પર થઈ ગયો છે.”
શ્રેણિકે શાલિભદ્રને આશીર્વાદ આપ્યાં. તે લઈને તે પોતાના રંગભવનમાં ચાલી ગયો. પરંતુ આજે પાછો ફરેલો શાલિભદ્ર ગઈકાલનો શાલીભદ્ર ન હતો. તેના ચિત્તમાં સંસારના અનિત્ય અને ક્ષણિક સુખના વિચારોનો ધોધ વહી રહ્યો હતો. ભોગમાંથી તેનું મન ઊઠી ગયું હતું. હવે તે ભોગ્ય વસ્તુઓને અનાસક્ત ભાવે જોતો હતો.
ત્યાં તેના ધર્મમિત્રે આવીને રાજગૃહીમાં ચતુર્કાનધારી શ્રી ધર્મઘોષસૂરિ પધાર્યા હોવાના શુભ સમાચાર આપ્યાં. શાલિભદ્ર તેમની પાસે ગયો. સૂરિજીએ દેશનામાં કહ્યું કે “ખલ પુરુષનો સ્નેહ દિવસે દિવસે ઓછો થતો જાય છે. તે પ્રમાણે જ્ઞાન, વિજ્ઞાન, લાવણ્ય, રૂપ, વર્ણ અને શરીરનું બળ પણ દરેક ક્ષણે ક્ષીણ થતું જાય છે. આવી પ્રેરક ધર્મવાણી સાંભળી શાલિભદ્રે પૂછ્યું : “હે ભગવન્! કેવા કર્મ કરીએ તો આપણો કોઈ બીજો સ્વામી ન થાય?”
ભદ્ર ! જિનદીક્ષાના પ્રભાવથી બીજા ભવમાં જીવ સર્વ જગતનો સ્વામી થાય છે.” આચાર્યશ્રીએ જવાબ આપ્યો.
તો પ્રભુ! હું પણ જિનદીક્ષા લઈશ. આ માટે હું મારા માતાજીની આજ્ઞા લઈને આપની પાસે આવું છું.” શાલિભદ્ર ઉત્સાહથી કહ્યું.
આચાર્યશ્રીએ કહ્યું : “વત્સ શુભ કામમાં પ્રમાદ ન કરશો.”
શાલિભદ્ર ઉતાવળે પગલે ઘરે આવ્યો. પોતાના રંગભવનમાં જવાને બદલે તે સીધો પોતાની માતા પાસે ગયો. તેમને વિનયથી પ્રણામ કરી કહ્યું: “માતુશ્રી ! આજે મારો દિવસ સુધરી ગયો છે. આજે મેં આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજની ભવતારક ધર્મદેશના સાંભળી. મારો કોઈ સ્વામી ન હોય અને હું સર્વજગતનો સ્વામી બનું તેવો ઉપાય તેમને મને બતાવ્યો છે. દીક્ષા લેવાથી હું મારો સ્વામી બની શકીશ. માટે આપ મને દીક્ષા લેવાની આજ્ઞા આપો.”