________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૩ પુત્રને જન્મ આપ્યો. શેઠાણીએ સ્વપ્નમાં શાળીનું ક્ષેત્ર જોયું હતું આથી પુત્રનું નામ શાલીભદ્ર રાખવામાં આવ્યું.
ગોભદ્ર શેઠને ત્યાં શ્રીમંતાઈ આળોટતી હતી. કશી જ વાતની કમી ન હતી. શાલિભદ્ર પાણી માંગે ત્યાં દૂધ હાજર થતું હતું. સોનાના ઘૂઘરે રમતાં રમતાં બાળપણ વીત્યું. ગોભદ્ર શાલિભદ્રને બધી જ કળાઓનો અભ્યાસ કરાવ્યો. ઉંમર થતાં કુળવાન બત્રીસ કન્યાઓ સાથે લગ્ન કર્યા.
માથે પિતા હતા અને પિતાની સંપત્તિ અપરંપાર હતી. શાલિભદ્રને કશી જ ચિંતા ન હતી. તેનો બધો જ સમય પોતાના ભવ્ય નિવાસસ્થાનમાં પ્રમોદમાં પસાર થતો હતો. એ ભવનમાં શાલિભદ્રની પોતાની એક આગવી જ દુનિયા હતી. એ દુનિયામાં તે મસ્ત હતો. બહારની દુનિયાની તેને પડી ન હતી અને એવો તેને કોઈ પરિચય ન હતો.
સમય જતાં ગોભદ્ર શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. સંયમધર્મનું ઉત્કૃષ્ટ પાલન કરી અનશન કરી તે સ્વર્ગે ગયો. દેવલોકમાં બેઠાં બેઠાં અવધિજ્ઞાનથી તેણે પોતાના પુત્રનો સુખી સંસાર જોયો. એ જ પળે તેના હૈયે પુત્રનું હેત ઉભરાઈ આવ્યું. તે પળથી તેણે શાલિભદ્રને ત્યાં રોજ વિવિધ મૂલ્યવાન વસ્તુઓથી ભરેલી ૩૩ પેટીઓ મોકલવા માંડી. રોજ વસ્ત્રો, અલંકારો, સુગંધી પદાર્થોની આવતી પેટીઓથી શાલિભદ્રની જાહોજલાલીમાં ઓર વધારો થવા માંડ્યો. પરંતુ આ બધાના વહીવટની ચિંતાથી શાલિભદ્ર તો પર જ હતો. તે બધાની દેખરેખ ભદ્રા શેઠાણી જ કરતી. શાલિભદ્ર તો પોતાના ભોગસુખમાં જ રત હતો.
એક દિવસની વાત છે. રત્નકંબલના કેટલા વેપારીઓ રાજગૃહી નગરીમાં આવ્યાં. શ્રેણિક રાજાની ઉદારતા અને સમૃદ્ધિ વિષે તેમણે ઘણું સાંભળ્યું હતું. તેમની પાસે સોળ રત્નકંબલ હતી. એ દરેકની કિંમત સવા લાખ સુવર્ણની હતી. આવી મોંધી મૂલ્યવાન રત્નકંબલ તો શ્રેણિક રાજા જ લઈ શકે તેવા ખ્યાલથી વેપારીઓ તેમની પાસે ગયાં. પણ તેઓ નિરાશ થયાં. રાજા જેવો રાજા જો રત્નકંબલ ન ખરીદી શકે તો બીજું તો કોણ ખરીદી શકશે એવા વિચારથી તેઓ રાજગૃહી છોડવાનો વિચાર કરતા હતાં.
ભદ્રા શેઠાણીને આ વાતની ખબર પડી. તેમને થયું કે બહારગામના વેપારીઓ પોતાના ગામ વિષે ખરાબ છાપ લઈને જાય તેમાં ગામની શોભા નથી. એ વેપારીઓ પોતાને ત્યાં જઈને કહેશે કે જોયો હવે શ્રેણિક રાજા. એક રત્નકંબલ ખરીદવાની તો તેનામાં ગુંજાસ નથી. ના, મારાથી મારા રાજાનું આવું ઘસાતું બોલાય તે સહન થાય નહિ. તેણે તુરત જ સેવકને મોકલી એ વેપારીઓને બોલાવ્યાં.
વેપારીઓ આવ્યાં. તેમનું ઉચિત સ્વાગત કર્યું. પછી ભદ્રા શેઠાણીએ પૂછ્યું: “તમારી રત્નકંબલની કિંમત શું છે?”
“સવા લાખ ભાર સુવર્ણ” એક વેપારીએ જરા અભિમાનથી કહ્યું.