________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૯૫
સંગમકની કથા
ધન્યા ખૂબ જ ગરીબ સ્ત્રી હતી. રાજગૃહી નગરીથી થોડે દૂર આવેલા શાલિ નામના ગામમાં પોતાના એકના એક પુત્ર સાથે તે પોતાના દિવસો મહાકાષ્ટથી પસાર કરતી હતી. સંગમક ગાયો ચરાવવાનું કામ કરતો. માતા અને પુત્ર બંને મહેનત કરતાં તો પણ મહામુશ્કેલીએ તે બે ટંકનું સારું ખાવાને પામતાં.
એક દિવસ કોઈ ઉત્સવ આવ્યો. આ દિવસે ઘણાંને ત્યાં ખીરના ભોજન થયાં. સંગમકને પણ ખીર ખાવાનું મન થઈ ગયું. માતા પાસે તેણે ખીર માંગી. માતાએ ભારે હૈયે કહ્યું - “મારા વ્હાલા ! આપણા ઘરમાં ખીર ક્યાંથી હોય ?’’
પણ બાળકને શું ખબર પડે કે ખીર શેની બને ? તેનો કેટલો ખર્ચ લાગે ? સંગમકે ખીર માટે જીદ કરી. માતાનો જીવ વલોવાઈ ગયો. ખીર માટે રડતા બાળકને જોઈ તે પણ પોતાના ભાગ્યને રડવા લાગી.
માતા-પુત્ર બંનેને ઉત્સવને દિવસે રડતાં જોઈ કોઈ પાડોશણે તેનું કારણ પૂછ્યું. ધન્યાએ ખૂબ જ આગ્રહ બાદ સાચી વાત કહી. પાડોશણને દયા આવી. તે તુરત જ પોતાના ઘરે ગઈ અને ખીર બનાવવાની તમામ સામગ્રી લઈને ધન્યાને તે પ્રેમથી આપી ગઈ. પાડોશણનો પ્રેમ જોઈ ધન્યાની આંખમાં આભારનાં આંસુ દડી પડ્યાં. થોડીવા૨માં તેણે ખીર બનાવી દીધી. સંગમક માટે એ ખીર થાળીમાં કાઢી આપી. “સંગમક ! આ ખીર જમી લેજે. હું ત્યાં સુધીમાં બહાર જઈને આવું છું.” એમ કહીને ધન્યા બહાર ગઈ.
પોતાની મનભાવતી ચીજ જોઈ સંગમકના આનંદનો પાર ન રહ્યો. હાથ ધોઈ તે ખીર ખાવા જતો હતો ત્યાં જ તેને વિચાર આવ્યો : “આ સમયે જો કોઈ સાધુ આવી જાય તો તેમને દાન કરીને પછી હું જમું તો સારું.” અને તેનો હાથ થંભી ગયો. ઉભો થઈને તે ઘરની બહાર આવ્યો અને કોઈ સાધુ આવતા હોય તે જોવા લાગ્યો. દૈવયોગે એક માસખમણના તપસ્વી સાધુને તેણે જોયાં. તુરત જ તેમને પોતાને ત્યાં તેડી આવ્યો. સાધુને જોઈ તેમાંય ભોજનના સમયે પોતાને ત્યાં પધારેલા સાધુને જોઈને સંગમકનો આનંદ અને ઉલ્લાસ ચાર ગણો વધી ગયો. હરખાતા હૈયે તેણે બધી જ ખીર સાધુના પાત્રમાં ઠલવી દીધી.
ધન્યા પાછી ફરી ત્યારે સંગમક થાળી ચાટતો હતો. એ જોઈ તેણે તેને બીજી ખીર પીરસી. સંગમક ભૂખ્યો હતો. આથી તે બધી જ ખાઈ ગયો. વધુ પડતી ખીર ખાવાથી રાતના તેની તબિયત બગડી અને થોડી જ વા૨માં તો તે મૃત્યુ પામ્યો. પરંતુ મૃત્યુ પામતી વખતે તેના હૈયે વેદનાને બદલે મુનિદાનનો આનંદ ઉછળતો હતો. આથી મુનિદાનના પ્રભાવથી તે મરીને રાજગૃહી નગરીમાં ગોભદ્ર શ્રેષ્ઠિની પત્ની ભદ્રાની કૂખે અવતર્યો.
ભદ્રાએ સગર્ભા અવસ્થામાં સ્વપ્નમાં પાકેલું શાળીનું ક્ષેત્ર જોયું. પૂર્ણ સમયે ભદ્રા શેઠાણીએ