________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
કેટલી રત્નકંબલ લઈને આવ્યા છો?” ભદ્રા શેઠાણીએ સ્વસ્થતાથી બીજો પ્રશ્ન પૂછ્યો.
“સોળ રત્નકંબલ લાવ્યા છીએ અને તેમાંથી હજી એકપણ કોઈએ આ ગામમાંથી ખરીદી નથી.” બીજા વેપારીએ કહ્યું.
“મારે તો બત્રીસ રત્નકંબલની જરૂર છે.” ભદ્રા શેઠાણીએ ધડાકો કર્યો.
“બત્રીસ રત્નકંબલ !!!” ત્રીજો વેપારી આશ્ચર્યથી બોલી ઉઠ્યો અને પછી કહ્યું - “માતાજી! આ રત્નકંબલ કોઈ સસ્તી ચીજ નથી. એકની કિંમત સવા લાખ સુવર્ણ છે, સવા લાખ સુવર્ણ.”
જુઓ ભાઈઓ ! મારે તો બત્રીસ રત્નકંબલ જોઈએ છે. તમારી પાસે તેટલી ન હોય તો સોળ આપી જાવ.”
વેપારીઓએ સોળ રત્નકંબલ કાઢી આપી એટલે ભદ્રા શેઠાણીએ સેવકને હુકમ કર્યો “ભાઈ ! આ કંબલના બબ્બે ટૂકડા કરી નાંખ અને દરેક ટૂકડો દરેક વહુને પગ લૂછવા માટે આપી આવ.”
સેવકને રત્નકંબલના ટુકડા કરતા જોઈ વેપારીઓ તો આભા બની ગયાં. પરંતુ તેમને તેની ચિંતા કરવાનું કોઈ કારણ ન હતું. તેમને તેમની પૂરી કિંમત મળી ગઈ હતી.
આ બાજુ ચલણા રાણીએ એક રત્નકંબલ લેવા જીદ કરી. શ્રેણિકે તુરત જ તે વેપારીઓને બોલાવ્યાં. વેપારીઓએ કહ્યું કે – “રાજન્ ! એ બધી કંબલો તો ભદ્રા શેઠાણીએ ખરીદી લીધી શ્રેણિકે સેવકને તુરત જ ભદ્રા શેઠાણીના ઘરે દોડાવ્યો. શેઠાણીએ કહ્યું: “સેવક! એ રત્નકંબલોના તો મેં બબ્બે ટુકડા કરાવી તે ટુકડા મારી પુત્રવધૂઓને પગ લૂછવા આપી દીધાં છે અને તેમણે પગ લૂછીને તે ટુકડા ફેંકી દીધા છે. શ્રેણિક રાજાને જો એ ટુકડા જોઈતા હોય તો કહેજે હું તે શોધીને મોકલી આપીશ.”
આ જવાબ સાંભળી શ્રેણિકે ભદ્રા શેઠાણીને સન્માનપૂર્વક રાજદરબારમાં બોલાવી અને કહ્યું: “માતાજી! મારે તમારો પુત્ર જોવો છે.” ભદ્રાએ કહ્યું: “રાજનું! મારો પુત્ર માખણ જેવો સુકોમળ છે. તેણે કદી ધરતી પર પગ મૂક્યો નથી. નથી ટાઢ જોઈ. નથી તડકો જોયો. તે કદી ઘરની બહાર નીકળતો નથી. ઘરમાં જ સ્વર્ગસુખ માણે છે. તેને જોવાની આપની ઈચ્છા હોય તો આપ મારા ઘરે પધારી મને આભારી કરો.”
શ્રેણિક શાલિભદ્રને ઘરે આવ્યો. તેના ઘરના દરેક ખંડમાં વેરાયેલો વૈભવ જોઈ શ્રેણિક તો દંગ જ રહી ગયો. દરવાજા, ગોખલા, છત અને પરસાળ બધે જ સ્થળે કિંમતી હીરા, મોતી, ઝવેરાત જડેલું હતું. રાજદરબારમાં પણ જોવા ન મળે તેવા ગાલીચા અને સિંહાસનો હતાં. શ્રેણિકને ચોથા માળે પ્રેમ અને આદરપૂર્વક બેસાડી ભદ્રા સાતમે માળે ગઈ ત્યાં જઈ શાલિભદ્રને કહ્યું : “વત્સ ! આપણે આંગણે શ્રેણિક પધાર્યા છે. હું તેમને જોવા આવ !