________________
૯૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
આ જોઈ તેની પાડોશણ મોટેથી બોલી : “અરેરે ! આ કુલટાએ તો શ્રાદ્ધના દિવસને અમંગળ કરી નાંખ્યો. શ્રાદ્ધના દિવસે પહેલું દાન ગંદા સાધુને કરી તેણે અન્ન અને ઘર બંનેને અપવિત્ર કરી નાખ્યાં. હાય ! હવે આપણી કુળદેવી ન જાણે શું ય કરશે?
આ સાંભળી અંબિકાની સાસુએ તેને પૂછ્યું કે “અરે તું આમ શું રાડો પાડે છે ?' પાડોશણે મીઠું મરચું ભભરાવીને બધી વાત કરી. સાસુ તેથી ગુસ્સે થઈ અને રસોડામાં જઈ મોટેમોટેથી બોલી: ઓ પાપિણી ! તેં આ શું સત્યાનાશ વાળ્યું? શ્રાદ્ધના દિવસે પ્રથમ દાન કુળદેવીને કરવાને બદલે તે ગંદા સાધુને પ્રથમ દાન કર્યું? એમ કરતાં તારા હાથ તૂટી કેમ ન ગયાં? નીકળ, હમણાં ને હમણાં મારા ઘરમાંથી બહાર નીકળ.”
એ જ સમયે સોમભટ્ટ પણ આવી પહોંચ્યો. તે પણ અંબિકા ઉપર ગુસ્સે થઈને તેને ગમે તેમ બોલવા માંડ્યો અને તેણે પણ અંબિકાને ઘરની બહાર નિકળી જવા કહ્યું.
પતિની ઈચ્છાને માન આપીને અંબિકા પોતાના બે પુત્રો લઈને પાછળના બારણેથી ઘર છોડી ગઈ. ચાલતી ચાલતી તે નગરની બહાર નીકળી ગઈ. રસ્તામાં પુત્રોને તરસ લાગી. બંને જણે વારંવાર પાણી માંગ્યું. પણ ક્યાંય પાણી ન હતું. થોડેક દૂર આગળ જતાં એક સરોવર દેખાયું. અંબિકા પુત્રોને લઈને ત્યાં ગઈ. પરંતુ સરોવરમાં પાણી ન હતું.
અંબિકા સરોવરના કાંઠે ઉભા રહી સરોવરમાં ક્યાંય પાણી હોય તો તે જોવા લાગી. ત્યાં જ ચમત્કાર થયો. સરોવરની ધરતી ફાટીને પાણી ઉપર આવ્યું. એ જ સમયે સૂકાઈ ગયેલ આંબો પણ પલ્લવિત થયો અને ડાળીઓ ઉપર કેરીઓ ઝૂલવા લાગી.
અંબિકાએ પુત્રોને પાણી પાયું અને કેરીઓ ખવડાવી.
આ બાજુ અંબિકા ચાલી જતાં તેની સાસુ રસોડામાં ગઈ. રસોડું જોઈ તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. જોયું તો સાધુને દાન આપવા માટે લીધેલાં પાત્રો સુવર્ણનાં થઈ ગયા હતાં. ભાતના દાણા મોતીના દાણા બની ગયા હતાં અને ભોજન પર શીખા ચડેલી હતી. આ ચમત્કારની સાસુએ સોમભટ્ટને વાત કરી અને કહ્યું : “વત્સ ! અંબિકા વહુ ખરેખર પતિવ્રતા છે. આ તેં ચમત્કાર જોયો? સાચે જ બેટા ! અંબિકા શીલવતી છે. જા દોડ અને તેને શોધીને પાછી લઈ આવ.”
સોમભટ્ટ શોધતો શોધતો નગર બહાર ગયો. એક કૂવા પાસે અંબિકા બેઠી હતી ત્યાં તેણે જોઈ. તેને લેવા તે ઉમટભેર દોડ્યો. સોમભટ્ટને દોડતો આવતો જોઈને અંબિકાને ભય લાગ્યો. ભયથી તે કૂવામાં કૂદી પડી. કૂદતાં તેણે શ્રી નેમિનાથ ભગવાનનું સ્મરણ કર્યું. કૂવામાં પડતાં જ તે મૃત્યુ પામી. ત્યાંથી તે કોહંડ વિમાનમાં સમૃદ્ધિવાળી અંબિકા નામે દેવી થઈ.
અંબિકાના મૃત્યુ અંગે બીજો એવો મત છે કે ગિરનારના શિખર ઉપરથી પડતું મૂકીને મૃત્યુ પામીને તે સૌધર્મ દેવલોકની નીચે ચાર યોજન કોહંડ નામે વિમાન છે તેમાં અંબિકા નામે મહર્લૅિક દેવી થઈ. તે દેવીને ચાર ભુજા છે. જમણા બે હાથમાં આંબાની લુમ ધારણ કરેલી છે અને ડાબા હાથમાં બે પુત્ર અને અંકુશ રાખેલા છે.