________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૮૯
લઈને ધ્યાન ધરી રહ્યા હતાં. રેવતી તેને જોઈ વધુ વકરી. અશ્લીલ શબ્દો અને ગીતો બોલતી ગઈ અને એક પછી એક પોતાના કપડાં ઉતારતી ગઈ. મહાશતકને બાઝી પડી. આંખ, હોઠ, સ્તન, હાથ વગેરે તમામ અંગોના સ્પર્શથી મહાશતકને પોતાની સાથે ભોગ ભોગવવા ઉશ્કેરવા લાગી. “સ્વામી ! આમ શું ઠંડા થઈ ઊભા છો. આ પૌષધ છોડી દો. આ મારા નગ્ન અંગોની આગને શાંત કરો. ધર્મનું ફળ પણ ભોગનો સંયોગ જ કહ્યું છે. તમારી સામે અત્યારે એ ફળ ઊભું છે, ભોગવી લો.”
પરંતુ મહાશતક પર આ અનુકૂળ ઉપસર્ગની કોઈ જ અસર ન થઈ તેના ચિત્તના કોઇપણ ખૂણે વિષયનો સહેજ પણ સળવળાટ ન થયો. તેણે મક્કમ સ્વરે કહ્યું : “રેવતી ! શા માટે ધર્મના ફળને અધર્મ સાથે જોડે છે. જા તું અહીંથી દૂર થા. તું ભાન ભૂલી છે, પણ હું હજી ભાનમાં છું અને રેવતી ! યાદ રાખ કે આજથી સાતમા દિવસે તારું મૃત્યુ થવાનું છે અને મરીને તું પહેલી નારકીમાં ચોરાશી હજાર વરસનું આયુષ્ય પામીશ.”
મહાશતકની આર્ષવાણી સાંભળી રેવતીની વિહ્વળતા અને કામુકતા ઓસરી ગઈ અને તુરત જ કપડાં સંકેલી ત્યાંથી ચાલી ગઈ. સાત દિવસ બાદ તેનું મૃત્યુ થયું અને પહેલી નારકીમાં ઉત્પન્ન થઈ.
મહાશતકે વીશ વરસ સુધી શ્રાવકધર્મનું પાલન કર્યું. પછી સંલેખના કરી મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકે દેવતા થયો.
ભવ્ય જીવો ! આ કથામાંથી સાર એ લેવાનો છે કે પૌષધમાં અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ આવે તો પણ વ્રત છોડવું નહિ અને એકચિત્તે શુભધ્યાનમાં જ મગ્ન રહેવું.
મહાશતક અનુકૂળ ઉપસર્ગથી વિચલિત ન થયો અને પૌષધમાં શુભધ્યાનમાં સ્થિર રહ્યો તેથી તેને તે જ ભવમાં અવધિજ્ઞાન થયું અને બીજા જન્મમાં પ્રથમ દેવલોકને પ્રાપ્ત કરી અનુક્રમે કેવળજ્ઞાન પામી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે.
૧૬૨
ચોથા શિક્ષાવ્રત અતિથિ સંવિભાગનું સ્વરૂપ
सदा चान्नादिसंप्राप्ते, साधूनां दानपूर्वकम् । भुज्यते यत्तदतिथि- संविभागाभिधं व्रतम् ॥
ભાવાર્થ :- અન્નાદિકની સામગ્રી પ્રાપ્ત થતાં જે ગૃહસ્થ હંમેશા સાધુઓને દાન દીધા બાદ
તેનો ઉપભોગ કરે તે અતિથિ સંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત છે.