________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩) 3 સાદ મહાગ્રંથ : ભાગ-
9 આ ઘટનાથી નભસેન ધુંઆપૂંઆ થઈ ગયો. પણ કશું બોલ્યો નહિ. સાગરચંદ્ર પર આ પ્રસંગનું વૈર લેવા તે તકની રાહ જોવા લાગ્યો.
ઘણાં સમય બાદ ભગવાન શ્રી નેમિનાથ પાસે સાગરચંદ્ર શ્રાવકધર્મ અંગીકાર કર્યો. એક દિવસ પૌષધ લઈ સાગરચંદ્ર સ્મશાનમાં કાયોત્સર્ગ કરવા લાગ્યો. શુભ ધ્યાનમાં તે દેહને પણ વિસરી ગયો અને આત્મામાં લીન થઈ ગયો.
દૈવયોગે નભસેન ત્યાં આવી ચડ્યાં. સાગરચંદ્રને તેણે જોયો. વૈર સળવળી ઊઠ્યું. તેને થયું કે આ એક ઉત્તમ તક છે. સ્મશાનમાં કોઈ છે નહિ. માટે વિલંબ વિના જ બધું કામ પતાવી દઉં.
અને નભસેને સળગતાં દેવતાથી ભરેલી એક ઠીબ સાગરચંદ્રના માથા ઉપર મૂકી દીધી.
આગે તેનું કામ કર્યું. સાગરચંદ્રનું માથું થોડી જ વારમાં તપવા લાગ્યું. સમય જતાં જતાં તો તેનું આખું શરીર ધીમે ધીમે બળવા લાગ્યું. પરંતુ સાગરચંદ્ર હુંકારો પણ ન કર્યો. આ તો મારો દેહ બળે છે, હું ક્યાં બળું છું. આત્મા કદી બળતો નથી, મરતો નથી. એવું શુભધ્યાન સતત એકચિત્તે ધરતો રહ્યો.
આગમાં સાગરચંદ્રની કાયા ખાખ થઈ ગઈ અને મરીને આઠમા દેવલોકમાં દેવતા થયો. - ઉપસર્ગો થવા છતાં પણ જે આરાધકો પોતાના લીધેલા વ્રતની આરાધનાથી ચલિત થતા નથી અને સમતાભાવે ઉપસર્ગોને સહન કરે છે તેવા પુણ્યશ્લોક જીવોને નમસ્કાર હો.
- ૦૭
૧૬૧
પોષ વ્રતનું ફળ विधेयः सर्वपापानां, मथनायैव पौषधः ।
सद्यः फलत्यसौशुद्ध्या, महाशतकश्रेष्ठिवत् ॥ ભાવાર્થ - સર્વ પાપનો નાશ કરવા માટે પૌષધવ્રતનું આરાધન અવશ્ય કરવું જોઈએ. વિશુદ્ધ ભાવ અને વિધિથી પૌષધ કરવાથી મહાશતક શ્રેષ્ઠિની જેમ તુરત જ ફળ મળે છે.
વિશેષાર્થ :- પૌષધનો હેતુ સર્વ પાપાશ્રવનો નિરોધ કરવાનો છે. આ વ્રતનું બરાબર આરાધન કરવાથી અગિયાર વ્રત સારી રીતે પાળેલા ગણાય છે. આ પૌષધ યોગશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ અને ધ્યાનશુદ્ધિથી કરવાથી તેનું ફળ તાત્કાલિક મળે છે.
ધ્યાનશુદ્ધિના લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવ્યાં છે. વિદ્વાનોએ દેહમાં ધ્યાન ધરવાના સ્થાનો બતાવ્યાં છે. તેમાં બે આંખ, બે કાન, નાસિકાનો અગ્રભાગ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, તાળવું અને ભૂકુટિ છે. આમાંથી કોઈ એક સ્થાન ઉપર ચિત્તને સ્થિર કરવું અને બીજા વિચારો અને વિકારો છોડી દઈ માત્ર આત્માનું જ ચિંતન, મનન કરવું.