________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩
૧૦. પૌષધવત કરનારની સ્તુતિ धर्मपौषधमाराध्य, सम्यक् सागरचंद्रमाः ।
समाधिना विपन्नोऽभूत्, त्रिदिवे त्रिदिवोत्तमः ॥ ભાવાર્થ - સાગરચંદ્ર પૌષધવ્રતની સમ્યફ પ્રકારે આરાધના કરી સમાધિથી મૃત્યુ પામીને સ્વર્ગમાં ઉત્તમ દેવતા થયાં.
સાગરચંદ્રની કથા દ્વારાવતી નગરી. તેમાં બળદેવ રહે. બળદેવને નિષધ નામનો પુત્ર હતો અને સાગરચંદ્ર નામે પ્રપૌત્ર.
આ નગરીનો રાજા હતો ધનસેન. તેને કમલામેલા નામે એક પુત્રી હતી. રાજાએ પોતાની આ પુત્રી ઉગ્રસેનના પુત્ર નભસેનને આપી હતી.
એક સમયની વાત છે. નારદજી ફરતા ફરતા નભસેનને ત્યાં જઈ ચડ્યાં. એ સમયે નભસેનને ત્યાં વિવાહપ્રસંગની ધમાલ ચાલતી હતી. નભસેન એ કામમાં એટલો બધો વ્યગ્ર હતો કે નારદજીના આગમનની તેને ખબર પડી નહિ. પોતાનું કોઈએ સન્માન ન કર્યું તેથી નારદજીને અપમાન જેવું લાગ્યું. અંતરમાં ગુસ્સો ભરીને ત્યાંથી તે પાછા ફરી ગયા અને સીધા પહોંચ્યા સાગરચંદ્રની પાસે.
સાગરચંદ્ર નારદને જોઈને ઊભો થઈ ગયો. સામે જઈને તેમનું સ્વાગત કર્યું. પ્રેમ અને આદરથી તેમને સિંહાસન પર બેસાડ્યાં. ખબર અંતર પૂછ્યાં. નારદજી સાગરચંદ્રના વિનય અને આતિથ્યથી ઝૂમી ઉઠ્યાં. વાતમાં ને વાતમાં તેમણે કહ્યું સાગર ! તું યુવાન છે. અપરિણીત છે. તારા યોગ્ય મેં એક કન્યા જોઈ છે. અહાહા ! શું એનું રૂપ છે. શું એનું દેહ સૌષ્ઠવ છે. બોલે છે તો જાણે એમ લાગે કે ઝરણું વહી રહ્યું છે. એવું રૂપ મેં તો ત્રણેય ભુવનમાં જોયું નથી.”
“એ કન્યા છે કોણ? તેનું નામ શું? તેના માતા-પિતા કોણ છે?” સાગરચંદ્ર એકી સાથે બે-ચાર પ્રશ્નો પૂક્યાં.
નારદજી : “એ કન્યાનું નામ છે કમલામેલા. ધનસેનની તે પુત્રી છે. રાજકન્યા છે.” “તેના લગ્ન થઈ ગયાં છે?” સાગરચંદ્ર વધુ વિગત પૂછી. “લગ્ન તો નથી થઈ ગયા. હા, તેનું વેવિશાળ થઈ ગયું છે. નારદે ખુલાસો કર્યો.
સાગરચંદ્ર એ સાંભળી વિચારમાં પડી ગયો અને નારદજી પણ તેને એ જ વિચારમાં મૂકીને ચાલી નીકળ્યાં. ત્યાંથી તે કમલામેલા પાસે આવ્યાં.
ઉ.ભા.-૩