________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ કમલામેલાએ તેમનું સ્વાગત કરી પૂછ્યું: “કાંઈ નવિન જાણવા જેવું હોય તો કહો.”
નારદજીએ તુરત જ કહ્યું : “હું નભસેનને પણ મળીને આવ્યો અને સાગરચંદ્રને પણ મળીને આવ્યો.”
કમલા વચમાં જ બોલી ઊઠી : “નભસેન તમને કેવા લાગ્યાં ?”
વત્સ ! માઠું ન લગાડીશ. જે જોયું છે તે સત્ય કહું છું. નભસેનમાં મેં કુરૂપ જોયું અને સાગરચંદ્રમાં સુરૂપ” એમ કહીને નારદજીએ સાગરચંદ્રના ભારોભાર વખાણ કર્યા.
કમલા સાગરચંદ્રના વર્ણનને એકચિત્તે સાંભળી રહી, નારદજી ચાલ્યા ગયા. પરંતુ તેના મનમાં સાગરચંદ્ર જ રમી રહ્યો.
આ બાજુ સાગરચંદ્ર કમલાનું સતત ધ્યાન ધરી રહ્યો હતો અને પેલી બાજુ કમલા સાગરચંદ્રના જ હરપળે વિચાર કરતી હતી.
સાગરચંદ્ર કમલાના વિચારમાં ડૂબેલો હતો ત્યાં પાછળથી હળવેથી આવીને સબકુમારે સાગરચંદ્રની આંખો બંધ કરી દીધી. સાગરચંદ્રે પૂછ્યું: “કોણ કમલામેલા કે?”
“અરે ! હું તો કમલામેલક છું.” કોઈ પુરુષનો અવાજ સાંભળી સાગરચંદ્ર ઝબકીને સાવધ થઈ ગયો અને બોલ્યો : “અરે ! સાંબકુમાર તું?”
“હા, હું સાંબકુમાર અને કમલામેલક પણ” સાંબકુમારે જવાબ આપ્યો.
“સાચી વાત છે દોસ્ત! કમળનયની કમલાને તું જ એક માત્ર મેળવી આપી શકે તેમ છે, તારા સિવાય બીજા કોઈનું એ ગજું નથી.” સાગરચંદ્ર નિખાલસતાથી પોતાના મનની બધી વાત કહી.
સાંબકુમારે કમલામેલાને મેળવી આપવાનું સાગરચંદ્રને વચન આપ્યું. આ વચન પૂરું કરવા પ્રદ્યુમ્ન સાથે બનાવટ કરીને તેની પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા માગી લીધી.
આ બાજુ કમલામેલાના લગ્ન ગોઠવ્યાં. લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો. એ જ દિવસે સાંબે પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી ઘણાં યાદવો સહિત કમલામેલાને ઉપાડી તે એક ઉદ્યાનમાં લઈ ગયો. ત્યાં તેણે સાગરચંદ્ર સાથે કમલાનું લગ્ન કરાવ્યું.
કમલાના અપહરણથી તેના પિતા અને શ્વસુર સહિત અનેક માણસો તેની શોધમાં નીકળ્યાં. તેમને ખબર પડી કે કોઈ વિદ્યાધર તેનું અપહરણ કરી ગયો છે અને તેને એક ઉદ્યાનમાં રાખી છે. આથી આ બધાએ કૃષ્ણ પાસે જઈને ફરિયાદ કરી.
કૃષ્ણ તુરત જ તેમને મદદ કરી અને સેના લઈ ઉદ્યાનમાં ગયાં. યુદ્ધ થયું. સાંબે વૈક્રિયલબ્ધિથી અનેક રૂપ કરી કૃષ્ણ સામે બાથ ભીડી. છેવટે સાંબ મૂળરૂપે છતો થયો અને કૃષ્ણના શરણે થયો. કૃષ્ણને બધી માંડીને વાત કરી. કૃષ્ણ એ સાંભળીને કમલાને સાગરચંદ્રને આપી.