________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૩ પ્રભુ બોલ્યા: “હે ગૌતમ! રાજગૃહીમાં નંદમણિકાર નામે એક શ્રેષ્ઠિ રહેતો હતો. તેણે અમારી પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. એક વખતે ગ્રીષ્મઋતુમાં તેણે અઠ્ઠમ તપથી પૌષધવ્રતનું આરાધન કર્યું. શ્રેષ્ઠિએ ચોવિહાર ઉપવાસ કર્યા હતાં. તેમાં તેને તરસ લાગી. તે સમયે તેને વિચાર આવ્યો : “જેઓ પોતાના નામથી વાવ કે કૂવાઓ કરાવે છે, તેઓને ધન્ય છે.”
પૌષધ પારીને એક દિવસ તે શ્રેણિક રાજાની પાસે ગયો. તેની આજ્ઞા લઈ તેણે નગરની બહાર ચાર મુખવાળી નંદવાપિકા નામની એક વાવ બનાવી. તેની ચાર દિશાઓમાં તેણે ઉપવનો પણ કરાવ્યાં. વાવ અને ઉપવનને જોઈ લોકો તેની પ્રશંસા કરવા લાગ્યાં. આ પ્રશંસા સાંભળી નંદમણિકારશ્રેષ્ઠિને આનંદ થતો. સમય જતાં ભાવથી તેને મિથ્યાત્વરૂપ રોગ અને દ્રવ્યથી સોળ રોગ થયાં. રોગો દૂર કરવા માટે વૈદ્યોએ અનેક ઉપચારો કર્યા પણ એકેય ઉપચાર સફળ ન થયો. છેવટે રોગમાં જ તે શ્રેષ્ઠિનું મૃત્યુ થયું.
મરીને નંદવાપિકા વાવમાં જ તે ગર્ભજ દેડકો થયો. વાવમાં ક્રીડા કરતાં તે દદુરે ઘણાના મુખેથી વાવનું વર્ણન સાંભળ્યું. એ સાંભળતાં જ તેને જાતિસ્મરણશાન થયું. આથી તે આત્મનિંદા કરવા લાગ્યો. “અરે ! મને ધિક્કાર છે! મેં સર્વ વ્રતોની વિરાધના કરી. જેનું પરિણામ હું આજે ભોગવી રહ્યો છું. હવે તે વ્રતો આ ભવમાં કરું” એમ વિચારી તેણે અભિગ્રહ કર્યો કે “આજથી નિરંતર છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરી પારણું કરવું અને ઘણા લોકોના પસીના અને મેલથી દુષિત થયેલ નંદાપુષ્કરિણીનું જ પાણી વાપરવું.”
આવો અભિગ્રહ કરીને દર્દર શ્રી વિરપ્રભુનું આગમન સાંભળી તેમને વંદના કરવા માટે નીકળ્યો. ત્યાં રસ્તામાં શ્રેણિક રાજાના અશ્વનો ડાબો પગ તેના પર પડતા તે કચડાઈ મર્યો. પરંતુ શુભધ્યાનથી એકાંતમાં જઈ નમુસ્કુર્ણ ઈત્યાદિ સ્તુતિ વડે ધર્માચાર્યને નમી સર્વ પાપને આલોવી મૃત્યુ પામી સૌધર્મ દેવલોમાં દઈરાક નામે દેવતા થયો. તે દેવ અહીં આવ્યો હતો. “હે ગૌતમ! તેણે પૂર્વભવમાં કરેલા શુભધ્યાનાદિથી આવી સંપત્તિ પ્રાપ્ત કરી છે. હવે તે ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈને ભવનો ક્ષય કરીને મોક્ષે જશે.”
નંદમણિકારની આ કથા વાંચીને ભવ્ય જીવોએ પૌષધ લઈને પૌધષવ્રતના કોઈ અતિચાર ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. તરસ લાગે કે ભૂખ લાગે તો પણ સમતાભાવ રાખવો જોઈએ. તે સમયે પાણી કે ખાવાનો કોઈ વિચાર ન કરવો જોઈએ. આત્મા તો અશરીરી છે. ભૂખ અને તરસ વગેરે તો દેહને હોય છે. આત્માને તો નથી ભૂખ લાગતી કે નથી તરસ લાગતી. એમ વિચારીને સમભાવમાં રહેવું જોઈએ. એમ કરવામાં ન આવે અને પારણાનો વિચાર કરવામાં આવે તો કરેલા તપ વૃથા જાય છે અને નંદમણિકાર શ્રેષ્ઠિની જેમ દુર્ગતિ થાય છે.